પોલીસ હેડ કવાટર્સ ખાતે સલામી પરેડ અને પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો: પોલીસ કમિશનર, ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ૨૯૨ શહીદ જવાનોનાં નામો બોલી સલામી આપી
રાજકોટમાં પોલીસ હેડ કવાર્ટર ખાતે પરેડ ગ્રાઉન્ડ સ્થિત શહીદ સ્મારક ખાતે આજે શહીદ દીન નિમિતે દેશમાં છેલ્લા એક વર્ષમાં ૨૯૨ પોલીસ અને સુરક્ષા જવાનોની શહીદીને શહેર પોલીસ કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓએ શહીદોના નામો બોલી સલામી પરેડ યોજી પુષ્પાંજલી અર્પણ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
પોલીસ શહિદ દિન નિમિતે દેશભરમાં શહીદ થયેલા પોલીસમેનો અધિકારી અને પેરા મીલીટ્રી ફોર્સનાં જવાનોને દેશભરની પોલીસ શ્રધ્ધાંજલી આપે છે. તા.૧.૯.૧૮થી તા.૩૧.૮.૧૯ સુધી દેશભરમાં ૨૯૨ પોલીસ અને સુરક્ષા જવાનો શહીદ થયા હતા. જેમાં જમ્મુ-કાશ્મીરમાં સૌથી વધુ છે.
રાજયવાર જોઈએ તો આંધ્રપ્રદેશમાં ૨, અરૂણાચલ પ્રદેશમાં ૩, બિહારમાં ૭, છતીસગઢ કે જે નકસલ પ્રભાવીત રાજય છે ત્યાં ૧૪, હરિયાણામાં ૩, હિમાચલ પ્રદેશમાં ૧, જમ્મુ-કાશ્મીરમાં સૌથી વધુ ૨૪, ઝારખંડમાં ૫, કર્ણાટકમાં ૧૨, મધ્યપ્રદેશમાં ૨, મહારાષ્ટ્રમાં ૨૦, મણીપૂરમાં ૨, ઓરિસ્સામાં ૨, રાજસ્થાનમાં ૧૦, સિકકમમાં ૧, ત્રિપુરામાં ૧, ઉતરપ્રદેશમાં ૫, ઉતરાખંડમાં ૧, પશ્ચિમ બંગાળમાં ૭ અને દિલ્હીમાં ૧૦ પોલીસ કર્મીઓ શહીદ થયા હતા.
જયારે પેરામિલીટ્રી ફોર્સની વાત કરીએ તો સીઆરપીએફ એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના સૌથી વધુ ૬૭ જવાનો શહીદ થયા છે. બીજા ક્રમે બીએસએફનાં ૪૧ જવાનો, સીઆઈએસએફના ૬, આઈટીબીપી એટલેકે ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસના ૨૩, એસએસબીનાં ૫, આરપીએફનાં ૧૧ અને એનડીઆરએફના ૪ જવાનોએ દેશની રક્ષા કાજે ભોગ દીધો હતો. આ તમામ શહીદોને દેશભરની પોલીસ દ્વારા શ્રધ્ધાંજલી આપવામાં આવી છે.શહેર પોલીસ દ્વારા સવારે પોલીસ હેડ કવાર્ટર ખાતેના પરેડ ગ્રાઉન્ડ સ્થિત શહીદ સ્મારક ખાતે સલામી પરેડ અને પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાશે. જેમાં પ્રથા મુજબ પોલીસ કમિશનર અને ડીસીપી દ્વારા તમામ ૨૯૨ શહીદ જવાનોનાં નામો બોલી સલામી અને પુષ્પાંજલી આપવામાં આવી હતી.