શહેરમાં જીવલેણ અકસ્માતનું પ્રમાણ વધ્યું છે, બાળકો દ્વારા લાઇસન્સ વગર વાહન ચલાવાતા હોવાનું ધ્યાને આવતા બુધવારથી ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જે દરમિયાન લાયસન્સ વગરના 252 વિદ્યાર્થીઓ ઝડપાયા હતા અને 57 મોટરસાયકલ ડિટેઈન કરાયા હતા. આ સાથે જ 30 હજાર 200 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન અંગે ઘણા કાર્યવાહીના પગલા લેવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમ અને ઝુંબેશ અવારનવાર હાથ ધરવામાં આવે છે. શહેરની ૧૦ જેટલી શાળાઓમાં ટ્રાફિક ચેકિંગ કાર્યવાહી હાથધરી હતી.
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ લાયસન્સ વિના જ વાહન લઈને અભ્યાસ અર્થે આવતા હોવાથી પોલીસ સગીર વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવી ટ્રાફિક નિયમનના પાઠ સમજાવી વિદ્યાર્થીઓને લાયસન્સ વિના વાહન ન ચલાવા દેવા તાકીદ કરી હતી. ટ્રાફિક પોલીસે હેમુગઢવી હોલ પાછળ આવેલી શાળાઓ ખાતે ચેકિંગ કાર્યવાહી હાથધરી મોટી સંખ્યામાં લાયસન્સ વિના વાહન ચલાવતા વિદ્યાર્થીઓ સામે કરેલી કાર્યવાહીથી વિદ્યાર્થીઓમાં ફફડાટ મચી ગયો છે. પ્રસ્તુત તસવીરમાં ટ્રાફિક નિયમનની કાર્યવાહી કરાવતા ટ્રાફિક પોલીસ સ્ટાફ નજર પડે છે