બુટલેગરોને પણ સારા કહેવડાવે તેવા મોટા માથાઓએ બાયોડીઝલમાં ઝંપલાવ્યું
કાયદાને ધોળીને પી જનારા લેભાગુ તત્વો સામે કયારે લાલ આંખ કરશે? કે પછી મજુરો પકડાશે અને મગરમચ્છો છૂટી જશે
ગુજરાતમાં દારૂબંધી છે જેનો ખૂલ્લેઆમ ભંગ કરી બૂટલેગરો દારૂની ખેપ મારે છે જે પોલીસ તંત્ર માટે આવકનું સાધન બની ગયું છે. ત્યારે દારૂના ધંધાર્થીઓને પણ સારા કહેવડાવે તેવા મોટા મગરમચ્છો બાયો ડિઝલના ધંધામા ઝંપલાવી દેશના અર્થતંત્રને નુકશાન પહોચાડી રહ્યા છે. ત્યારે બાયોડિઝલના ધંધાર્થીઓને નેસ્તનાબુદ કરવા ગૃહવિભાગના આદેશથી રાજયના પોલીસ વડાએ એક પરિપત્ર બહાર પાડયો છે. જેમાં શંકાસ્પદ બાયોડિઝલ મળે તોપણ પોલીસ તંત્ર એફ.એસ.એલ.ના રિપોર્ટની રાહ જોયા વગર કાર્યવાહી કરી શકે છે. અને પાછળથી એફ.એસ.એલ. રિપોર્ટ આવ્યા બાદ તેની કલમનો ઉમેરો કરવા તાકીદ કરી છે.
રાજકોટ શહેર સહિત રાજયભરમાં છેલ્લા બે માસમાં અનેક સ્થળેથી બાયોડિઝલનો જથ્થો ઝડપાયો છે. ત્યારે પોલીસતંત્ર તાકીદે કાર્યવાહી નહી કરતા મોટા માથાઓને છટકબારી મળી જાય છે. અને પડદા પાછળ ગોઠવણ કરી લેતા હોવાના અનેક કિસ્સા બહાર આવ્યા છે. જેના કારણે રાજયના પોલીસ વડાના પરિપત્રને પણ પોલીસ તંત્ર ધોળીને પી જાય છે.રાજયના પોલીસ વડાએ 10 દિ’ પહેલા બહાર પાડેલા પરિપત્રમાં રાજયભરની પોલીસને ખાસ સુચના આપવામાં આવી છે કે જે કોઈ સ્થળેથી બાયોડિઝલનો જથ્થો મળે તો તેઓની સામે અન્ય કલમ હેઠળ એફ.આઈ.આર. કરી માલ સીઝ કરી ધરપકડ કરવાની તેમજ એફ.એસ.એલ. રિપોર્ટ આવ્યા બાદ વધારાની કલમ ઉમેરી આગળની કાર્યવાહી કરવી જેથી કરીને બાયોડિઝલના ગોરખધંધામાં રહેલા મોટામાથાઓ છટકી ન જાય પરંતુ પોલીસ તંત્ર આ પરિપત્રનું ઉંધુ અર્થઘટન કરી સેટીંગ કરી લઈ મોટામાથાઓનો બચાવ કરતા હોવાની છાપ ઉપસી રહી છે.
બાયોડિઝલના ગોરખધંધાએ દેશના અર્થતંત્રને ભારે નુકશાન કરી રહ્યું છે. બાયોડિઝલના ઓઠા હેઠળ લેભાગુ તત્વો બળેલુ ઓઈલ એલ.ડી.ઓ મીકસ કરવામાં આવતું હોવાનું જેના કારણે પર્યાવરણને પણ ભારે નુકશાન થઈ રહ્યું છે.
કાયદાને ધોળીને પી જતા લેભાગુ તત્વોમાં 60 ટકા મોટામાથાઓ છટકબારીનો લાભ લઈ છટકી જાય છે. અને મજૂરોની તંત્ર દ્વારા ધરપકડ કરી કાર્યવાહી કર્યાનો સંતોષ મેળવી અખબારોમાં વાહવાહની પ્રેસનોટ છપાવી દે છે.
નિવૃત્ત ડીવાયએસ.પી અને ભાજપ નગરસેવકના ભાઈના ગેરેજમાં પોલીસ ત્રાટકી
રાજકોટમાં રૂા.84000ની કિંમતનું 1400 લીટર બાયોડીઝલનો જથ્થો ઝડપાયો: એકની ધરપકડ
શંકાસ્પદ બાયોડીઝલના નમુના એફ.એસ.એલ.માં મોકલવામાં આવ્યા: રિપોર્ટની જોવાતી રાહ
રાજ્યમાં બાયો ડિઝલના ઠેર-ઠેર હાટડા શરૂ થઈ ગયા છે ત્યારે ગૃહ વિભાગ અને રાજ્યના પોલીસવડાની સુચનાથી ગેરકાયદેસર ધમધમતા બાયો ડિઝલના હાટડા પર દરોડાનો દૌર શરૂ કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટના અટીકા ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં નિવૃત ડીવાયએસ.પી અને ભાજપના નગરસેવકના ભાઈની માલીકીના ગેરેજમાં દરોડો પાડી રૂા.84000 કિંમતનું 1400 લીટર શંકાસ્પદ બાયો ડિઝલનો જથ્થો કબજે કરી એક શખ્સની અટકાયત કરી કહેવાતા બાયો ડિઝલના જથ્થાનાં નમુના લઈ પૃથ્થકરણ માટે એફ.એસ.એલ.માં મોકલી આપવામાં આવ્યા છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.ડી.ઝાલાને મળેલી બાતમીના આધારે ગતરાત્રે પોલીસ કાફલો અટીકા ઈન્ડસ્ટ્રીઝ એરીયા શેરી નં.7માં આવેલ સત્યનારાયણ બોડી વર્કસ નામના ગેરેજમાં દરોડો પાડ્યો હતો.
પોલીસના દરોડા દરમિયાન ગેરેજમાંથી શંકાસ્પદ બાયો ડિઝલના રૂા.84000ની કિંમતના 1400 લીટર જથ્થો ભરેલ બેરેલ કબ્જે કરી અમદાવાદના આણંદ તાલુકાના બકરાણા ગામના બીજલ મોહન સોનપરા (ઉ.50)ની અટકાયત કરી હતી.શંકાસ્પદ બાયો ડિઝલના પોલીસે નમુના મેળવી એફ.એસ.એલ.માં મોકલી આપવામાં આવ્યા છે. જેનો અભિપ્રાય આવ્યા બાદ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમ પીઆઈ જે.ડી.ઝાલાએ જણાવ્યું છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સત્યનારાયણ બોડી વર્કસ નામના ગેરેજના માલીક કનકસિંહ વાઘેલા અને તેમનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. કનકસિંહ વાઘેલા નિવૃત ડીવાયએસ.પી દિગુભા વાઘેલા અને વોર્ડ નં.10ના ભાજપના નગરસેવક તીરૂભા ઉર્ફે નરેન્દ્રસિંહ વાઘેલાના ભાઈ થતા હોવાનું જાણવા મળ્યું છે.
પૂરવઠા તંત્રએ બાયોડિઝલના ધંધાર્થીઓની યાદી તૈયાર કરી; તુટી પડવા ઉજઘનો આદેશ
બાયોડિઝલના ગોરખધંધાક સામે કલેકટરની સુચનાથી પુરવઠા તંત્ર પણ મેદાનમાં ઉતર્યું છે. ત્યારે ઈન્ચાર્જ પૂરવઠા અધિકારી વિરેન્દ્ર દેસાઈએ અબતકની ટીમને માહિતી આપતા જણાવ્યું હતુ કે આગામી મહિનામાં તેઓનો 40 થી 50 સ્થળે દરોડા પાડી મોટામાથાઓને ઝડપી લેવાનો લક્ષ્યાંક છે. અગાઉ પણ માલીયાસણ સહિત ત્રણ સ્થળેથી કરોડો રૂપીયાનો બાયોડિઝલનો જથ્થો કબજે કરી મોટામાથાઓ સામે ગુનો દાખલ કરાવ્યો છે.
વધુમાં માહિતી આપતા જણાવ્યું હતુ કે ગઈકાલે જ કલેકટરની અધ્યક્ષતામાં લો એન્ડ ઓર્ડરની મીટીંગ મળી હતી. જેમાં બાયોડિઝલના ધંધાર્થીઓને સાફ કરી નાખવા એકશન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે ટુંક સમયમાં મોટાપાયે પોલીસ તંત્રને સાથે રાખી દરોડાની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જણાવ્યું છે.