Screenshot 6 5ચાર માસથી ઘર કામ કરતી મહિલાએ યુવકને બેભાન કરી અને માતાને બંધક બનાવી ધોળા દિવસે લૂંટને અંજામ આપ્યો

રાજકોટના ઇન્દીરા સર્કલ નજીક કોહીનુર એપાર્ટમેન્ટમાં લોહાણા વેપારી પરિવારના ફ્લેટમાં ચાર માસથી ઘરકામ કરવા આવતી નેપાળી મહિલાએ તેના પતિની મદદથી વેપારી પુત્રને ઘેની પદાર્થ ભેળવેલા પ્રવાહી કે ભોજન આપીને બેભાન કર્યા બાદ વૃધ્ધાને બંધક બનાવી રૂ.૧૫.૨૫ લાખની માલમત્તાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. આ બનાવની જાણ પોલીસને થતા તેમના દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે નેપાળી દંપતિનું પગેરુ પોલીસ દ્વારા મેળવી શોધખોળ હાથધરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ ૧૫૦ ફૂટના રોડ પર ઇન્દીરા સર્કલ નજીક કોહીનુર એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા ઉર્વશીબેન રાજેન્દ્રભાઇ ઉનડકટ (ઉ.વ.૬૩) અને તેનો પુત્ર આજે બપોરે ઘરે હતા. છેલ્લા ચાર મહિનાથી ઉર્વશીબેનના ઘરે ઘરકામ કરવા આવતી સુશીલા નામની નેપાળી મહિલા આજે બપોરે રાબેતા મુજબ ઘરકામ કરવા આવી હતી.

માતા-પુત્રને એકલા જોઇને તેણે ફોન કરી તેના પતિને બોલાવ્યો હતો. સુશીલાનો પતિ એપાર્ટમેન્ટમાં પહોંચતા ગ્રાઉન્ડ ફ્લોર પર હાજર સિક્યોરીટીએ નિયમ મુજબ, અટકાવીને પૂછપરછ બાદ ઉર્વશીબેનને ઇન્ટરકોમ કરતા ફોન સુશીલા નેપાળીએ રીસીવ કરી આંગુતક તેના કાકા છે અને પોતે બોલાવ્યા છે તેમ કહેતા તેને જવા દેવાયા હતા. પતિ આવ્યા પહેલા સુશીલાએ વૃધ્ધા અને પુત્ર અનીલભાઇને ભોજન કે પાણીમાં ઘેની પદાર્થ આપી બેભાન બનાવી દીધા હતા. પતિ આવી જતાં નેપાળી દંપતી વૃધ્ધાને બાથરૂમમાં બંધ કરવા ઢસડી ગયા હતા.

પરંતુ વૃધ્ધાએ દેકારો કરતા તેને રૂમમાં લાવીને હાથ-પગ બાંધીને બંધક બનાવ્યા બાદ ફ્લેટના તમામ રૂમના કબાટનો સામાન વેર-વિખેર કરીને ગણતરીની મીનીટોમાં જ રૂપિયા ત્રણ લાખ રોકડા તેમજ ૨પ થી ૩૦ તોલા સોનાના ઘરેણા મળી અંદાજીત રૂ.૧૫ લાખની માલમત્તાની લૂંટ ચલાવીને પલાયન થઇ ગયા હતા. થોડી વાર પછી ભાનમાં આવેલા અસીમે વૃધ્ધ માતાને બંધન મુક્ત કર્યા બાદ પોલીસને જાણ કરી હતી.લૂંટના બનાવની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વાય.બી.જાડેજા અને યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ રજીયા, એલસીબી ઝોન-૨ ના પીએસઆઇ આર.એચ.ઝાલા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં લુંટનો ભોગ બનનાર પરિવાર પેકીંગ ખજૂરના હોલસેલ વેપાર સાથે સંકળાયેલા છે. લૂંટને અંજામ આપનાર નેપાળી યુવતીને લોહાણા પરિવારે ચાર માસ પહેલાં જ ઘરકામ માટે રાખી હતી. નેપાળી મહિલાને આજે તક મળતા પતિની મદદથી લૂંટને અંજામ આપ્યો હતો. જતા જતા ઇન્ટરકોમ તોડી નાખ્યો હતો તેમજ વૃધ્ધા અને તેના પુત્રના મોબાઇલ પણ સાથે લઇ ગયાનું જાણવા મળ્યું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ભેદ ઉકેલવા પ્રયાસ શરૂ કર્યા છે. લૂંટ કરનાર નેપાળી મહિલા વૈશાલીનગર આસપાસ રહેતી હોવાની માહિતી મળતા પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.