ઉતાવળે થયેલી ફોજદારની બદલીનો ઓર્ડર ઈન્ચાર્જ એસ.પી.એ રદ કર્યો
જયદેવ તેના ગામમાંથી ફોજદાર બનનાર પહેલી વ્યકિત હતો. સ્વભાવે શાંતિપ્રિય જયદેવની ધોરાજી નિમણુંક થતા જ ચિત્ર વિચિત્ર અનુભવો થવા લાગ્યા કે જે તેણે અગાઉ કયારેય કલ્પના પણ કરેલી નહિ તેને થયું કે પોલીસ અધિકારીનું જીવન ખરેખર યુધ્ધમય અને સતત સંઘર્ષ વાળુ છે.
સવારે નિવાસ સ્થાનેથી નીકળ્યા પછી કાંઈ નકકી નહી કે બપોરનું ભોજન પણ કયાં થશે અને રાત્રે રહેઠાણ ઉપર પાછો આવે ત્યારે ખરો, દિવસ દરમ્યાન જયદેવના મતે બે પ્રકરનાં યુધ્ધો રહેતા એક તો વાસ્તવિક યુધ્ધ ગુનેગારોને પકડવા ગુન્હા અટકાવવા આયોજનો વ્યવસ્થા બંદોબસ્ત કરવા વિગેરે અને બીજુ યુધ્ધ માનસીક યુધ્ધ મગજમારીનું જેમાં તેનો મોરચો સાથી કર્મચારી પોલીસો, ઉપરી અધિકારીઓ, રાજકારણીઓ, આમ જનતા ફરિયાદીઓ, સાક્ષીઓની સાથે કામ પાડવામાં રહેતો આ બીજા પ્રકારના મોરચામાં તો સામેનો પક્ષ તો તમામ કાર્યવાહી કાયદો અને નિયમોની અમલવારી પોતાને અનુકુળ આવે પોતાને ફાયદો થાય પોતાની વાહવાહ થાય તેમ પોતાની ઈચ્છા મુજબ જ કરાવવા પ્રયત્નો અને રજુઆતો તથા હુકમો કરતા હતા જયારે જયદેવ નિયમો કાયદા મુજબ અને બહુજન હિતાય બહુજન સુખાય ની દ્રષ્ટીએ તથા આમ જનતામાં પોલીસનું મોરલ ઉંચુ આવે ઈમેજ ઉંચી થાય તે રીતે અમલવારી કરવા તેની સાથે સતત માનસીક સંઘર્ષ કર્યા કરતો આમ દરેક વાતમાં લમણાજીક રહેતી તેથી નિયમીત જીવન જીવવા વાળા જયદેવને તેના આવા સ્વભાવ અને કાર્યશૈલીને કારણે પોલીસ ખાતામાં સઘળુ વિ‚ધ્ધનું જ જણાતું હતુ.
છતા હવે ધીમેધીમે જયદેવ રાત્રીનાં ઉજાગરા વહેલી સવારની પરેડો દિવસ આખાની દોડાદોડી જમવાનું કાંઈ ઠેકાણું નહિ વાળા કાર્યક્રમમાં ટેવાતો જતો હતો જયદેવ યુવાન હતો અને સાહસીકતા જન્મજાત જ હતી તેથી વિપરીત સંજોગો છતા તે ઉત્સાહથી જવાબદારી લઈ કુશગ્રબુધ્ધથી હિંમત પૂર્વક કામ કરવા લાગ્યો.
કોઈ પણ એફઆઈઆર દાખલ થાય એટલે જયદેવ તે ફરિયાદનો વિગતે અભ્યાસ કરી તેના તમામ પાસાઓ ફરિયાદનું કારણ અને ગુન્હાનો હેતુ, આરોપીની વિગત, સામાજીક અને રાજકીય પરીબળો અને પોલીસની કયા પ્રકારની કાર્યવાહીથી કયા પ્રકારની અસર આ દરેક પરિબળો ઉપર થશે તથા કયા પ્રકારની કામગીરીથી ભોગ બનનાર ને તાત્કાલીક રાહત થશે અને પોલીસની કાર્યવાહીથી સમાજમાં કેવી છાપ પડશે તેનો વિચાર કરી તપાસનો વ્યુહ નકકી કરી તપાસ ન્યાયીક જ થાય તે માટે કાર્યવાહી કરતો
ભાદરવો મહિનો પૂરો થવામાં અને ચોમાસાની ઋતુ પુરી થવામાં હતી સીમમાં ખેતરવાડીઓમાં ચોમાસુ પાક તૈયાર થઈ જવામાં હતો ખેડુતો તૈયાર પાકના રક્ષણ માટે રાત્રીનાં સીમ વગડે જતા હતા અને મોડીરાત્રી સુધી ખેતીનું કામ કરતા હતા દરમ્યાન ધોરાજી જૂનાગઢ રોડ ઉપર લૂંટનો ગુન્હો બન્યો ત્રણ ચાર અજાણ્યા બુકાનીધારી લૂંટારાઓએ લાકડીઓ વતી ફરિયાદી ને મારમારી રોકડ રકમ દાગીના ઘડીયાળ જે પાસે હોયતે લૂંટી ગયા ગુનેગારો પોતે ઓળખાય નહિ તે માટે મોઢાને કપડા વડે ઢાંકી દેતા હતા જેને ગામડાની ભાષામાં બૂકાનું બાંધ્યું કહેવાતું તેથી આ ટોળકી બુકાની ધારી ગેંગ તરીકે ઓળખાવા લાગી.
પોલીસે પોતાની રીતે તપાસ અને કાર્યવાહી ચાલુ કરી પરંતુ વિશાળ સીમ વગડો અતિકાર્યભારણ અને મર્યાદીત પોલીસદળને હિસાબે તાત્કાલીક ગુન્હો અટકાવી કે પકડી શકાયો નહિ બે ત્રણ દિવસમાં જ બીજો લૂંટનો ગુન્હો બન્યો વળી બે ત્રણ દિવસમાં ફરીથી જામકંડોરણા ઉપલેટા કે જેતપૂર તાલુકાની હદમાં પણ આવા લૂંટના ગુન્હા બનવા લાગ્યા ખેડુતોને રાત્રે સીમ વગડે રહેવું ભારે પડવા લાગ્યું ગુન્હાનું કેન્દ્ર વર્તી સ્થળ ધોરાજી હતુ ફરતા તાલુકામાં ગુન્હા બન્યા બાદ ફરીથી ધોરાજી તાલુકામાં પણ ગુન્હો બનતો.
આ લૂંટ ધાડનો સીલસીલો ખૂબ લાંબો ચાલ્યો ધોરાજી પોલીસ સ્ટેશન ઉપરાંત પાટણવાવ, ઉપલેટા જેતપૂર તાલુકા જામકંડોરણા અને જૂનાગઢ તાલુકામાં પણ બુકાની ધરીઓ વિ‚ધ્ધ ફરિયાદો નોંધાવા લાગી છાપાઓમાં આ બુકાનીધારી લૂંટારાઓના સમાચાર હેડ લાઈનમાં છપાવા લાગ્યા અને પોલીસ તેને પકડી શકતી નહિ હોય પોલીસ ઉપર લખાણ ‚પે માછલા ધોવાવા લાગ્યા જનતાએ તથા પ્રજાના પ્રતિનિધિ મંડળો એ પોલીસ સ્ટેશનોથી લઈ રાજકોટ જીલ્લા પોલીસ વડા અને જીલ્લા કલેકટર સુધી રજુઆતો કરી.
આથી બુકાની ધારી લૂંટ ગેંગને પકડવા માટે ખાસ આદેશો થયા જીલ્લાનાં પોલીસ અધિકારીઓની ખાસ મીટીંગો કરી અસરગ્રસ્ત વિસ્તારો નાકાબંધી પોઈન્ટ, પેટ્રોલીંગ ‚ટો ગોઠવવા ચર્ચા કરવામાં આવી ડફેર ગેંગ ધારાગઢની સંધી ગેંગ, સાતનારી ગેંગ ને તપાસવા તેમના હાલના ઠેકાણા અને પ્રવૃત્તિ જાણવા તપાસવા માટે ખાસ ટીમો તૈયાર કરવામાં આવી પોલીસના અથાગ અને અવિરત પ્રયત્નો છતા બુકાની ધારી ગેંગના લૂંટ અને ધાડના ગુન્હા ચાલુ જ રહ્યા દરમ્યાન જેતપૂર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાડ સાથે બળાત્કારનો ગુન્હો બન્યો આથી ખૂબ ઉહાપોહ અને દેકારો બોલ્યો વિધાનસભામાં વિરોધ પક્ષે સરકાર ઉપર આ બાબતે પસ્તાળ પાડી આમ આ બુકાનીધારી ગેંગનો પ્રશ્ર્ન કાયદો અને વ્યવસ્થાનો રાજયકક્ષાનો પ્રશ્ર્ન બની ગયો.
આ સમય દરમ્યાન રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ વડા એક અઠવાડીયાની રજા ઉપર ગયા અને ચાર્જમાં રાજકોટ સીટી ડીએસપી આવ્યા જોગાનું જોગ આ ચાર્જ દરમ્યાન જ ધોરાજીમાં વધુ એક બુકાનીધારી ગેંગનો લૂંટનો ગુન્હો દાખલ થયો આથી એક વર્તમાન પત્રમાં આ બાબતે ખૂબ હોબાળો મચ્યાના સમાચારો મીઠુ મરચુ ભભરાવીને આવ્યા. જુદા જુદા વર્તમાન પત્રોમાં એક જ સમાચારમાં વિવિધતા હોય છે. જો રીપોર્ટરને પોલીસ સાથે સારો મનમેળ હોય તો તે સમાચાર હળવી અને સામાન્ય ભાષામાં હોય છે. જો પોલીસ અધિકારી અને પ્રેસ રીપોર્ટર ને મન મેળન હોય તો જે તે પોલીસ અધિકારીના નામ જોગ અને ચિત્ર વિચિત્ર ભાષામાં જનતાના મગજને અસરકરતા સમાચારો મોકલે છે. તે રીતે આ ધોરાજીના લૂંટના કિસ્સામાં ફોજદાર સુથાર વિ‚ધ્ધ નામ જોગ સમાચાર લખી તેની કાર્યશૈલીની પણ ટીકા ટીપ્પણી કરેલ હતી જેથી ચાર્જમાં રહેલા રાજકોટ સીટીના ડીએસપીએ ફોજદાર સુથારની બદલી જામકંડોરણા અને જામકંડોરણાના અસવાનીની ધોરાજી નિમણુંક કરતો હુકમ કર્યો. પોલીસ દળમાં ચર્ચા થવા લાગી કે આ બદલી હુકમ પબ્લીક પોલીટિક્સ અને પ્રેસમાં માભો પાડવા અને પ્રસિધ્ધી માટે જ કર્યો લાગે છે.
ધોરાજી પોલીસ સ્ટેશન જેતપૂરનાં નાયબ પોલીસ વડાની દેખરેખ નીચે આવતું હતુ અને તેમની રાહબરી તળે આ લૂંટારા બુકાનીધારીઓને પકડવાનું અભિયાન ચાલતું હતુ આ ઝુંબેશમાં સુથાર ખૂબજ રસ લઈને ખંતપૂર્વક કાર્યવાહી કરી રહ્યા હતા જે કાર્યવાહી નો પોલીસ દળ ચુસ્ત પણે અમલ પણ કરતું હતુ છતા મોકો અને સંજોગોનો લાભ લઈને ગુનેગારો લૂંટ તો કરતા જ હતા જેતપૂરનાં નાયબ પોલીસ વડાએ ત્યાંથી જ સુચના કરીકે સુથારને બદલી માટે છૂટા થવાનું નથી હું ‚બ‚ ધોરાજી આવું છું અને તેમણે ધોરાજી આવી સ્ટેશન ડાયરી પોતા પાસે મંગાવી સુથારને કહ્યું તમે તમા‚ કામ કરો ભલે બદલી હુકમ રહ્યો સી.પી.આઈ. ચૌહાણ તથા જયદેવને પણ દુ:ખ સાથે આંચકો લાગ્યો કે કાર્યવાહી બરાબર ચાલી રહી છે. વળી સુથારની કાર્યશૈલી ધોરાજી પોલીસ સ્ટેશન માટે યોગ્ય હતી ધોરાજી કોમ્યુનલ કેન્દ્ર ઉપરાંત ઉંચો ક્રાઈમરેટ અને વિવિધ પ્રકારનાં ગુન્હાઓ માટે કાયદો અને વ્યવસ્થા માટે ફોજદાર સુથાર સક્ષમ હતા તો સામે જામકંડોરણામાં પણ બુકાનીધારી ગેંગ લૂંટ કરતી જ હતી ત્યાં કોઈ ક્રાઈમ રેઈટ હતો જ નહિ ત્યાં પણ ફોજદાર આસવાનીએ બુકાનીધારી ને પકડયા નહતા કે ગુન્હા અટકાવ્યા નહતા. તમામ રીતે સરખામણી કરતા સુથાર જ ખૂબજ કાર્યદક્ષ સીનીયર અને ચઢીયાતા અધિકારી હતા. લૂંટતો ફરતા તમામ પોલીસ સ્ટેશનોમાં થતી હતી પરંતુ કેન્દ્રમાં ધોરાજી હોય જે દેકારો થતો હતો તે હાલ તુરત બંધ કરવા અને જનતા તથા રાજકારણીઓનું ધ્યાન બીજે દોરવા તથા પ્રેસને મીડીયાવાળાને એક નવો મુદો ચર્ચા માટે મળે તે માટે જ આ બદલીનો રસ્તો લીધો હોય તેમ લાગ્યું.
સામાન્ય રીતે જોવા મળે છે કે કોઈ મોટો કે વિચિત્ર ગુન્હો બને કે બનાવ બને એટલે તુરત જ નાની કક્ષાના અધિકારી કે કર્મચારીને કાંતો બદલી નાખવામાં આવે છે. અથવા ફરજ મોકૂફ કરી દેવામાં આવે છે. આથી ઘણી વખત ચીભડાના ચોર ને ફાંસીની સજા જેવો ઘાટ પણ થઈ જાય છે. બનાવમાં તે કર્મચારીની નિષ્કાળજી કે શું ભાગ ભજવેલો, હાજરી કયાં હતી જગ્યા કયાં હતી તે પણ જોવામાં આવતુ નથી ખરેખર તો પ્રાથમિક તપાસ કરી પ્રાથમિક દ્રષ્ટીએ જ જો તે અધિકારી કે કર્મચારીની નિષ્કાળજી અણઆવડત બદઈરાદો જણાયેલ હોયતો જ આવા પગલા લેવા જોઈએ, બાકી આ સુથારના કિસ્સા માફક આડેધડ પગલા લેવામાં આવે તો કામ કરતા કર્મચારીઓમાં એવો ખોટો દાખલો બેસે કે કામ કરો કે ન કરો કોઈ ફરક નથી પડતો કાર્યદક્ષતાની કોઈ કિંમત જ નથી પોલીસ દળનું કાર્ય જનતા અને સમગ્ર સમાજ ને અસરકરતુ અને આકરા પગલા લેવાનું (ધરપકડ વિ) છે.વળી વણશોધાયેલા ગુન્હા શોધવા નાસી ગયેલા તેમજ નામવગરનાં આરોપીઓને પકડવા તે ધણું જ અધ‚ અને વિકટ કામ છે. જે કાર્ય પણ ન્યાયની અદાલત સમક્ષ પ્રમાણીત થાય તે રીતે કરવા નું હોય છે જે ઘણુ વિકટ છે.
આ લૂંટ અને ચોરીના આયોજીત (ઓર્ગેનાઈઝ) વણશોધાયેલ ગુન્હા શોધવામાં ઘણા પરિબળો કામ કરે છે.જેમાં ૫૦%માં જે પરિબળોથી ગુન્હા શોધી શકાય તે જે તે અધિકારીની હોંશીયારી, ધગશ, પ્રજા-કર્મચારીઓ અને ગુનેગારોનો પણ સંપર્ક પણ છે જે ઘણો લાંબો સમય માગી લે તેવા કપરા પરિબળો છે. જયારે આ ગુન્હો શોધવામાં ૫૦% જે તે અધિકારીના નસીબ, સમય અને સંજોગો આધારીત પરિબળો કામ કરતા હોય છે.
ફોજદાર સુથારની સફળતામાં આ બીજું પરિબળ સમય સંજોગો અને નશીબ સાથ આપતા ન હતા બાકી સુથાર અને તેની ટીમ પુરી ધગશ, હોંશીયારી, હિંમત અને આયોજન પૂર્વક કામ કરતી હતી પરંતુ વિશાળ પોલીસ સ્ટેશન વિસ્તાર અને ગુન્હાની જગ્યા ગમે ત્યાં આરોપીઓ ઓળખાય નહિ તેવા તે સંજોગો સાથ નહોતા આપતા.
એક કલાકમાં જ જામકંડોરણા પોલીસની જીપ ધોરાજી આવી ફોજદાર આસવાની ક્રોસ બેલ્ટ પી કેપ ફર્સ્ટ ડ્રેસ પહેરીને વરરાજાની જેમ તૈયાર થઈને આવ્યા હતા જીપમાંથી ઉતરી મંદમંદ હાસ્ય કરતા પોલીસ સ્ટેશનના પગથીયા ચઢતા હતા સુથાર ઓંસરીમાંજ પીએસઓની ખુરશી ઉપર નિરાશ વદને બેઠા હતા સુથારે ગળુ ખંખેરીને કહ્યું આવો આસવાની સાહેબ આથી આસવાની એ કહ્યું કે હુકમ મળી ગયો ને? સુથારે કહ્યું હા મળી ગયો પરંતુ અંદર ચેમ્બરમાં નાયબ પોલીસ વડા બેઠા છે પહેલા તેમને મળો જેથી આસવાની ચેમ્બરમાં ગયા અને ડે.સુપ્રી.ને સલામ કરી ડીવાયએસપીએ સીધુંજ કહ્યું સા‚ તમારે રોકાવું હોય તો રોકાવ અગર પાછા જામકંડોરણા જાઓ હું તમને બોલાવું પછી ધોરાજી આવજો આસવાની વીલા મોઢે ચેમ્બર બહાર નીકળ્યા અને સુથાર પાસે આવીને બેસી ગયા ત્યાં જયદેવ અને સીપીઆઈ ચૌહાણ પણ બેઠા હતા.
જેતપુરના નાયબ પોલીસ વડા રાજકોટ જીલ્લાના ઈન્ચાર્જ પોલીસ વડાને ફોન લગાડીને બેઠા હતા. થોડીવારે ફોનલાગ્યો અને નાયબ વડાએ નમ્ર પણે કહ્યું કે ધોરાજી પોલીસ સ્ટેશનના વહીવટી ઉપરાંત કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ર્નો વિકટ છે. જે ને માટે ફોજદાર સુથાર જ લાયક છે. રહી વાત બુકાની ધારી ગેંગના લૂંટના ગુન્હાની તો જામકંડોરણામાં પણ બુકાનીધારી ગેંગ લૂંટ કરેજ છે. જામકંડોરણામાં કોઈ ક્રાઈમ છે જ નહિ જો આસવાની એ ધાર્યું હોત તો જામકંડોરણામાં આ બુકાની ધારી લૂંટારાઓને પકડી શકયા હોત, નહિતો અટકાવી તો શકયા જ હોત. ધોરાજીની પરિસ્થિતિ વધારે કથળી જશે. જેથી એક અઠવાડીયુ સુથારની બદલી રહેવા દો અને રેગ્યુલર પોલીસ વડા આવે તેમના ઉપર નિર્ણય બાકી રાખો તો સા‚ પણ રાજકોટથી પોલીસ વડાએ કહ્યું કે શું મને સતા નથી? મારે કાયદો અને વ્યવસ્થા જોવાના નથી? તેથી નાયબ પોલીસ વડાએ કહ્યું પ્રશ્ર્ન સત્તાનો નથી પણ ધોરાજીની કાયદો અને વ્યવસ્થા નો જ છે. આ મારો અંગત અભિપ્રાય છે. મારો અંગત પ્રશ્ર્ન નથી. જાહેરહીતની વાત છે. આ મારી નમ્ર વિનંતી છે. અને જો આપને મારી વિનંતી અયોગ્ય લાગતી હોય તો આપ કહો તે રીતે મારીરજાનો કે મારી બદલી કે મારી સ્વૈચ્છીક નિવૃત્તિનો પણ રીપોર્ટ મોકલી આપુ આપને જે યોગ્ય લાગે તે રીતે આથી માહોલ એવો સર્જાયો કે સુથારની બદલી નો પ્રશ્ર્ન બે ઉચ્ચ અધિકારીઓની પ્રતિષ્ઠા નો પ્રશ્ર્ન બન્યો. સમાજ હિત, કાયદો અને વ્યવસ્થા તથા કાર્યદક્ષતાની કદરની દ્રષ્ટી એ નાયબ પોલીસ વડાનો આ આગ્રહ વ્યાજબી હતો.
આખરે રાજકોટથી ઈન્ચાર્જ પોલીસ વડા એ આ બદલીઓ રદ કરતો હુકમ તાત્કાલીક મોકલી આપ્યો સત્યનો અને કાર્યદક્ષતાનો વિજય થયો.
અગાઉના સમયમાં પોલીસ અધિકારીઓ વાસ્તવિકતા અને સત્યને સ્વીકારવા માટે સત્તા અને અહંકારને લક્ષમાં નહિ લઈ પોલીસ દળનું મોરલ (નિતિમત્તા) જળવાય રહે તે માટે પોતે પણ કડવો ઘૂંટડો ગળી જઈને પોતાનો નિર્ણય બદલવામાં નાનપ કે અપમાન સમજતા નહિ.
નિરીક્ષણ કરનાર અધિકારીઓ પણ પોતાના હાથ નીચે કામ કરતા અધિકારીઓ, કર્મચારીઓ ને માટે સાચી વાત જાહેર હીતમાં ઉચ્ચ અધિકારીઓને સ્પષ્ટ પણે જણાવતા અને તેમને માટે પોતાનો ભોગ અને બલીદાન આપવા પણ તત્પર રહેતા હતા.
આ સત્ય માટે આગ્રહ કરનાર જેતપૂરનાં નાયબ પોલીસ વડા શ્રી ડી.કે. ગોહિલ હતા તથા સત્ય અને વાસ્તવિકતા માટે પોતાની મમતને મુકનાર અધિકારી હતા. રાજકોટ સીટી ડી.એસ.પી. સ્વ.પી.કે.દતા.
આ ફેર બદલી હુકમ થતા ધોરાજીનું સમગ્ર પોલીસ દળ ખુશ થયું સીપીઆઈ ચૌહાણ અને જયદેવ પણ ખૂશ થયા જયદેવે આ ખુશીમાં હાજર તમામને માટે ચા-પાણી ની વ્યવસ્થા કરાવી ફોજદાર આસવાની ચા-પાણી પીને હસતા હસતા જામકંડોરણા જવા રવાના થયા.