ક્રફયુનો અમલ કરાવવા તમામ પોલીસ સ્ટાફને રજા પરથી હાજર થવા આદેશ
કોરોના મહામારીના કારણે પરિસ્થિતી વધુને વધુ વણસતી હોવાથી રાત્રી કફર્યુને લંબાવવામાં આવતા પરિસ્થિતીને પહોચી વળવા માટે તમામ પોલીસ અધિકારી અને સ્ટાફની રજા રદ કરવામાં આવી છે. રાજય સરકાર દ્વારા કોરોના વાયરસને અટકાવવા રાજયના 20 શહેરમાં સાંજના આઠથી સવારના છ વાગ્યા સુધી કફર્યુ લાદવામાં આવ્યો છે. લગ્ન પસંગમાં 100થી વધુ વ્યક્તિ એકઠા થવા પર અને સભા-સરઘસ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
પરિસ્થિતીને પહોચી વળવા માટે રાજયના પોલીસ વડા આશિષ ભાટીયાએ તમામ પોલીસ અધિકારી અને સ્ટાફની રજા રદ કરી ફરજ પર હાજર થવા આદેશ કર્યો છે. રાજયના પોલીસ વડા આશિષ ભાટીયાના આદેશના પગલે શહેરમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે શહેરના તમામ પોલીસ સ્ટાફની રજા રદ કરી તાકીદે ફરજ પર હાજર થવા ફરમાન કર્યુ છે.
ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં લોકોની સુરક્ષા જાળવવા પોલીસની કામગીરી અતિ મહત્વની ગણાય છે. તેવામાં પોલીસની તાતી જરૂરીયાત હોય છે અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરી તેઓને ફરજમાં ખડેપગે રહેવાના આદેશો અપાયા છે.