- આ બે દિવસ અનિવાર્ય સંજોગો સિવાય કચેરીના વડાએ કોઈ બેઠક કે કાર્યક્રમમાં ભાગ ન લેવા સુચના
પોલીસ અધિકારીઓને ફરિયાદ કે રજૂઆત કરવા જતા સામાન્ય નાગરિકે અજદારોએ વારંવાર પોલીસ સ્ટેશનના ધકકા ખાવા પડે છે. છતા તેઓને પોલીસ સ્ટેશનના વડાનો ભેટો થતો નથી દરમિયાન ગૃહ-રાજય મંત્રી હર્ષ સંઘવી દ્વારા આદેશ આપવામાં આવ્યો છેે કે હવેથી દર સોમવાર અને મંગળવારે ફરજિયાત પણે તમામ પોલીસ સ્ટેશનના વડા કે અધિકારીઓએ નાગરિકોને સાંભળવા પડશે. આ બે દિવસમાં અનિવાર્ય સંજોગોને બાદ કરતા કોઈપણ કાર્યક્રમમાં ભાગ ન લેવા કે ન યોજવા તાકીદ કરાય છે.
રાજ્યના તમામ પોલીસ મથકના વડા એવા પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા કચેરીમાં બેસવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આદેશ કર્યા છે. એટલું જ નહિ, આ બે દિવસો દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય કચેરીના વડા હોય તે પોલીસ અધિકારીઓએ કોઈ બેઠકો કે અન્ય કાર્યક્રમોનું આયોજન નહિ કરવા પણ સૂચના આપી છે.
આ નિર્ણયથી હવે સામાન્ય નાગરિકોને સ્થાનિક સ્તરેથી જ મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ આવી જાય તેવી વ્યવસ્થાનું નિર્માણ થશે. આ માટે તમામ પોલીસ અધિકારીઓને કડક સૂચના આપવા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીને સૂચન કરવામાં આવ્યું છે.
રાજ્યના દૂર દરાજના ગામો કે અંતરિયાળ વિસ્તારોમાંથી સામાન્ય નાગરિકોને હવે પોતાની રજૂઆતો માટે છેક ગાંધીનગર સુધી આવવું ન પડે અને સ્થાનિક સ્તરેથી જ તેમની સમસ્યાનું નિરાકરણ આવી જાય તે ઉદ્દેશ સાથે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત કચેરીના વાળા હોય તેવા તમામ પોલીસ અધિકારીએ દર સોમવાર અને મંગળવારે અરજદારોને મુલાકાત માટે નિયત સમય ફાળવવાનો રહેશે.
આ ઉપરાંત અધિકારીઓ બેઠકો કે અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત ન હોય તો સામાન્ય નાગરિકોને સમગ્ર દિવસ દરમ્યાન કચેરીમાં મળી શકે તેવા જનહિત અભિગમ દાખવવામાં આવશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ નિર્ણયનો અમલ ત્વરિત અસરથી કરાવવાની રાજ્યના પોલીસ મહાનિદેશકને સૂચનાઓ આપી છે.
- એસ્ટેટ બ્રોકરને રૂ.3 કરોડનો ધુંબો મારનાર ઓર્ગેનાઈઝ્ડ
- ગેંગની તપાસ સીઆઈડી ક્રાઇમના હવાલે
- શિક્ષક લાલજી ઢોલા સહીત ત્રણ શખ્સોને ફરીથી ’રિમાન્ડ’ પર લેશે સીઆઈડી ક્રાઇમની ટીમ
ધાર્મિક સંસ્થા કે ગૌશાળા માટે જમીન લેવાના બહાને રાજ્યના અલગ અલગ શહેરોમાં અનેક લોકોને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી દેનાર ઠગ સાધુઓની ટોળકી વિરુદ્ધની તપાસ હવે સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવી છે. હાલ સુધીમાં આ મામલામાં ઠગ ટોળકીના ત્રણ સભ્યોની ધરપકડ આર્થિક ગુના નિવારણ શાખાએ કરી છે જે ત્રણેય શખ્સોની ફરીવાર પૂછપરછ કરવા માટે સીઆઈડી ક્રાઇમ વધારાના રિમાન્ડની માંગણી કરશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં એક સુનિશ્ચિત મોડસ ઓપરેન્ડી સાથે ઓર્ગેનાઈઝ્ડ ગેંગ કાર્યરત છે. ધાર્મિક સંસ્થા કે ગૌશાળા બનાવવા સાધુને ખુબ મોટી જમીન લેવાની વાત કરી ખેડુત પાસેથી જમીન ખરીદાવીને ઉંચા ભાવે સાધુને વેચાવી આપવાની લાલચ આપી રાજ્યવ્યાપી છેતરપિંડી આચરતી ગેંગ સક્રિય થઇ છે. આ ચોક્કસ મોડસ ઓપરેન્ડીથી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હોવાની ગંભીર બાબતો ધ્યાને આવતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ પ્રકારની મોડસ ઓપરેન્ડી સાથે ગુના આચરતી ઓર્ગેનાઈઝ્ડ ગેંગ અંગે તલસ્પર્શી તપાસ થાય અને ગેંગના તમામ સભ્યોને કડકમાં કડક સજા થાય તે ઉદ્દેશ સાથે સીઆઇડી ક્રાઇમને સમગ્ર કેસોની તપાસ સોંપવા નિર્ણય લીધો છે.આ ઓર્ગેનાઈઝ્ડ ગેંગ દ્વારા આચરવામાં આવતી મોડસ ઓપરેન્ડી એવી છે કે, સૌપ્રથમ આ ગેંગના સભ્યો દ્વારા કોઈ જમીન ખરીદ-વેચાણમાં ઉત્સુક હોય અને મોટુ રોકાણ કરી શકે તેવા વ્યક્તિને આઈડેન્ટીફાય કરવામાં આવે છે. ત્યારબાદ તેમને કોઈ ચોક્કસ ગામમાં 200, 300 કે 400 વિઘા જગ્યા બતાવવામાં આવે છે. ત્યાર બાદ ગેંગના સભ્યો દ્વારા કહેવામાં આવે છે કે, ધાર્મિક સંસ્થા કે ગૌશાળા બનાવવા માટે જગ્યા જોઈએ છે. સાધુ ખેડુત પાસેથી સીધા ખરીદવા નથી માગતા તેમજ અમે ખરીદીને સાધુને વેચીએ તો સાધુ ઉપર આક્ષેપ થાય. જેથી ભોગ બનનાર આ જમીન ખરીદી કરી સાધુને વેચે તો સાધુ ઉંચા ભાવે ખરીદશે અને મોટો લાભ થશે એવી લાલચ આપવામાં આવે છે.
ત્યાર બાદ આ ટોળકીના કેટલાક સભ્યો ભોગ બનનાર સાથે એમ.ઓ.યુ. કરી, જમીન ભોગ બનનારને ખરીદાવી તે જ જમીન ઉંચા ભાવે સાધુને વેચવાની લાલચ આપે છે અને બાનાખત માટે અમુક રકમ આપવા માટે કહી છેતરપીંડી આચરે છે. ભોગ બનનારને વિશ્વાસ બેસે તે માટે સાધુ તેમની સાથે મુલાકાત કરે છે. એક વાર છેતરપીંડી થઈ ગયા બાદ ખેડુત જમીન વેચવાની ના પાડે છે તેવુ કહી પૈસા પાછા આપવાની આનાકાની કરે છે. ભોગ બનનાર વધુ પ્રેશર કરે તો ટુકડે ટુકડે થોડાક રૂપિયા પરત કરે અને સમય વ્યથિત કરે છે.
આ બાબતે રાજ્યમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલા છે તેમજ આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી થયેલા ગુનાઓ સંદર્ભે અરજીઓ તપાસ અર્થે આપવામાં આવેલી છે. આ ટોળકીઓને નેસ્ત-નાબુદ કરવા વિવિધ જીલ્લાઓમાં ગુનાઓ દાખલ કરી રાજ્ય સ્તરે સીઆઇડી ક્રાઇમને તમામ ગુનાઓની એક સાથે તપાસ સોંપવા નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન, નારણપુરા પોલીસ સ્ટેશન, વરાછા પોલીસ સ્ટેશન, ધાંધુકા પોલીસ સ્ટેશન, રાજકોટ, સાબરકાંઠા, સુરત, વઢવાણ સહિતના વિસ્તારોમાં પોલીસ ફરિયાદ તેમજ અરજીઓ ભોગ બનનાર નિર્દોષ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી છે