સોમવારે સાંજે બનેલા આ બનાવના પગલે એક મહિલા પર આવી રીતે હુમલો કરનાર પોલીસકર્મી સામે સખત પગલાના ભાગરૃપે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.

જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા પર હુમલો કરનાર આરોપી પોલીસકર્મીને અદાલતે રૃા.૧પ હજારના જામીન પર મુક્ત કર્યાે છે. આ આરોપીની ધરપકડ ખોટી રીતે થયાની બચાવ પક્ષે દલીલ કરતા તેનો નિર્ણય અદાલતે આજે સાંજ પર મુલતવી રાખ્યો છે.

જામનગરના શરૃ સેકશન રોડ પરથી સોમવારે સાંજે મોટર લઈને જતાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી અને જામનગરના વતની રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા પર સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.કો. સંજય ખીમાભાઈ કરંગિયાએ સામાન્ય અકસ્માત થવાની બાબતે ઉશ્કેરાઈ જઈ રીવાબાના વાળ પકડી તેઓનું માથું મોટરના કાચમાં અથડાવ્યાની તેમજ ફડાકા મારી તેણી પર નિર્લજ્જ હુમલો કર્યાની ફરિયાદ થઈ હતી.

આ મામલાએ જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર પ્રસરાવી હતી. જ્યારે તેના પડઘા છેક દિલ્હી સ્થિત પી.એમ. કચેરી સુધી પડયા હતા. આરોપી સામે સખત પગલા ભરવાની મળેલી સૂચનાના પગલે પોલીસે આઈપીસી ૩૨૪ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી સંજય કરંગિયાની ધરપકડ કરી હતી.

ગઈકાલે સાંજે આરોપી પોલીસકર્મીને ન્યાયમૂર્તિના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં તેના તરફથી રોકાયેલા વકીલ વી.એચ. કનારાએ આરોપીની ખોટી કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી હોવાની દલીલ સાથે જામીન અરજી રજૂ કરી હતી. ન્યાયમૂર્તિએ આરોપી સંજય કરંગિયાને રૃા.૧પ હજારના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે. બચાવ પક્ષે પોતાની અરજીમાં જણાવ્યું છે કે, સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈવાળા ગુન્હામાં આરોપીની ધરપકડ કરતા પહેલા તેને નોટીસ આપવાના સુપ્રિમ કોર્ટના હુકમનો આ કિસ્સામાં અનાદાર થયો છે તે મુદ્દા પરનો નિર્ણય અદાલતે આજના દિવસ પર મુલતવી રાખ્યો છે.

આ ગુન્હામાં તપાસ કરનાર અધિકારીનું નિવેદન લેવામાં આવ્યું છે તેની સાથે રીવાબાની સારવાર કરનાર ખાનગી તબીબનું સર્ટીફિકેટ રજૂ થયું છે. અકસ્માતમાં આરોપી સંજય કરંગિયાને પગમાં ઈજા થઈ હોય, તેણે પણ જી.જી. હોસ્પિટલમાં સારવાર મેળવવા ગયો હોવાનું જણાવ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.