વાહન ચોર શેર બજારમાં હારી ગયો હોવાથી તે રકમનું ચૂકવણું કરવા માટે ત્રણ બાઈક અને કારની ચોરી કરી હોવાની કબુલાત
જામનગર શહેરમાંથી ત્રણ બાઈક તથા એક કાર સહિત ચાર વાહનોની ચોરી કરનારે તસ્કરને સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી.સ્ટાફે ઊંડાણપૂર્વકની તપાસના આધારે ઝડપી લીધો છે, અને તેની પાસેથી રૂપિયા 13.75 લાખ ની કિંમતના ચોરાઉ વાહનો કબજે કરી લીધા છે. પોતે શેરબજારમાં હારી ગયો હોવાથી વાહન ચોરીના રવાડે ચડી ગયો હતો, પરંતુ પોલીસે તેની દાઢી અને રૂમાલના વર્ણન ના આધારે ઝડપી લીધો હતો.
જામનગર શહેરમાં વાહન ચોરી ના ઉપદ્રવ સામે પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ રાખવામાં આવી હતી, અને સીટી બી. ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. ઝાલા ના માર્ગદર્શન હેઠળ ડી.સ્ટાફના પી.એસ.આઇ. ડી.એસ. વાઢેર અને તેમની ટીમના રાજેશભાઈ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રદીપસિંહ રાણા, સંજયભાઈ પરમાર, બલભદ્રસિંહ જાડેજા, હિતેશભાઈ મકવાણા અને વિપુલભાઈ ગઢવી વગેરે ની ટીમ દ્વારા સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ ના જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને તાજેતરમાં પટેલ કોલોની વિસ્તારમાંથી નવી નક્કોર ક્રેટા કારની ચોરી થઈ હતી,
જે વાહન ચોરી કરનાર ને શોધવા માટે જુદા જુદા વિસ્તારના સીસીટીવી કેમેરાઓ ચકાસવામાં આવી રહ્યા હતા, જે દરમિયાન એક દાઢી ધારી શખ્સ રૂમાલ બાંધીને રાત્રિના ત્રણેક વાગ્યાના અરસામાં અવર-જવર કરી રહ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, તે વર્ણનના આધારે ઊંડાણપૂર્વકની તપાસના અંતે સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન ની ટીમે જામનગરમાં નવાગામ (ઘેડ) રાજપૂત સમાજની વાડી પાછળના ભાગમાં રહેતા કિશન પ્રાગજીભાઈ ઠાકર નામના 23 વર્ષના એક શખ્સને ઉઠાવી લીધો હતો, અને તેની ઊંડાણપૂર્વકની પૂછપરછ શરૂ કરી હતી.
તેના દાઢીના વર્ણન તેમજ તેના ખિસ્સામાં રહેલા રૂમાલ વગેરેની ચકાસણી પછી આખરે તેણે પટેલ કોલોની વિસ્તારમાંથી તાજેતરમાં નવી ક્રેટા કારની ચોરી કરી હોવાની કબુલાત કરી લીધી હતી. પોલીસ દ્વારા તેની વિશે પૂછપરછ ચલાવવામાં આવી હતી, દરમિયાન પોતે અગાઉ શેરબજારમાં પાંચ લાખ હારી ગયો હતો અને તેના ઉપર દેણું થઈ ગયું હતું, જેનું ચુકવણું કરવા માટે પોતે વાહન ચોરીના રવાડે ચડી ગયો હતો.
સૌપ્રથમ તેણે એક સફેદ કલરનું યામાહા કંપનીનું એમ.પી. 15 મોડલનું મોટરસાયકલ ચોરી કર્યું હતું. જે વાહન પર તેણે કાળો કલર લગાવી દીધો હતો અને વેચાણ કરી નાખ્યું હતું. તેના એક કુટુંબી ના વાહનની નંબર પ્લેટ ચોરી લઈ તેમાં નંબરો બદલાવવાનું કામ કર્યું હતું. પરંતુ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
આ ઉપરાંત તેણે તાજેતરમાં એક એક્સેસ બાઇક ચોરી કર્યું હતું, જે વાહનની ડેકીમાં થી કારની ચાવી મળી આવી હતી. જે ચાવીના આધારે 4449 નંબરની કારને 15 દિવસથી શોધી રહ્યો હતો, અને વહીકલ ઇન્ફર્મેશન એપ્લિકેશન નો પણ ઉપયોગ કર્યો હતો. આખરે પટેલ કોલોની વિસ્તારમાંથી તેને ઉપરોક્ત કાર મળી જતાં કાર ની ચાવી લગાવીને ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો હતો, જે ચાવીથી કાર ચાલુ થઈ ગઈ હતી.
દરમિયાન તેણે બીજી વખત મોડી રાત્રે ત્રણ વાગ્યે કાર ની ચોરી કરવાનો પ્લાન કર્યો હતો, અને કારની ચોરી કરી ગયો હતો. ઉપરોક્ત સાતીર તસ્કરે છેલ્લા છ મહિનાના સમયગાળા દરમિયાન 3 ટુ-વ્હીલર અને એક કાર સહિત ચાર વાહનોની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી, અને ચારેય વાહનો કાઢી આપ્યા હતા.
જે 13.75 લાખ ની કિંમતના ચારેય વાહનો પોલીસે કબજે કરી લીધા છે, અને તેની વિશેષ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. સી.સી.ટી.વી. કેમેરા તથા હ્યુમન સોર્સીસ ના આધારે સીટી બી. ડિવિઝનના ડી.સ્ટાફની ટીમની ઊંડાણપૂર્વકની તપાસના અંતે એકી સાથે ચાર વાહનોની ચોરીનો ભેદ ઉકેલાયો છે.