કાર ચાલકો ગોંડલ અને ભરૂડી ટોલ નાકે મંત્રી, સાંસદ, ધારાસભ્ય અને સિનિયર પોલીસ અધિકારીઓના ૮૦ જેટલા બોગસ આઇ કાર્ડ અંગે ગુનો નોંધાશે: એસ.પી.બલરામ મીણા
રાજકોટ જિલ્લાના ગોંડલ અને ભરૂડી ખાતેના ટોલ પ્લાઝા પર ટોલ ટેકસ બચાવવા વાહન ચાલકો મંત્રી, સાંસદ, ધારાસભ્ય અને સિનિયર પોલીસ અધિકારીના બોગસ આઇકાર્ડ બતાવી ટોલ ટેકસ ભરતા ન હોવા અંગે ઉઠેલી ફરિયાદ અંગે એલસીબી સ્ટાફને તપાસ સોપવામાં આવ્યાની જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી છે.
રાજકોટ-પોરબંદર હાઇ-વે પરના ગોંડલના ભરૂડી અને જેતપુર નજીકના પીઠડીયા ટોલનાકા પર કાર ચાલકો પોલીસના ઉચ્ચ અધિકારી અને રાજકીય નેતાઓના આઇ કાર્ડનો ઉપયોગ કરી ટોલ ટેકસ ભરતા ન હોવા અંગેની બંને ટોલનાકાના સંચાલકો દ્વારા જિલ્લા પોલીસ વડા બલરામ મીણાને તાજેતરમાં રજૂઆત કરી હતી અને મંત્રી, સાંસદ, ધારાસભ્ય અને સિનિયર પોલીસ અધિકારીના ૮૦ જેટલા આઇકાર્ડ રજૂ કરી તમામ કાર્ડ સાચા છે કે બોગસ બનાવી ટોલ ટેકસની ચોરી કરવામાં આવે છે તે અંગે તપાસ કરવા માગણી કરી હતી.
જિલ્લા પોલીસ વડા મીણાએ તમામ આઇકાર્ડ અંગે ખરાઇ કરવા એલસીબી પી.આઇ. એમ.એન.રાણાને તપાસ સોપવામાં આવી છે. વાહન ચાલકોએ બોગસ આઇકાર્ડ બનાવ્યા હોવાના પુરાવા મળશે તો તમામ સામે ગુના નોંધવા અને કડક કાર્યવાહી કરવા એસપી મીણાએ આદેશ કરતા બોગસ કાર્ડ સાથે ટોલનાકા પર ટેકસની ચોરી કરતા વાહન ચાલકોમાં ફફડાટ મચી ગયો છે.આઇકાર્ડ બતાવી ટોલટેકસ ભર્યા વિના બિન્દાસ્ત ફરતા વાહન ચાલકો અંગે સીસીટીવી ફુટેજ મેળવી એલસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અને બોગસ કાર્ડ જણાશે તેઓ સામે ગુના નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પત્રકાર પરિષદમાં જણાવ્યું છે.