પોલીસે તમામના બેંક ખાતાની એક વર્ષની માહિતી માગી ક્ષ બાકીના આરોપીને પકડવા પોલીસની તજવીજ
જયેશ પટેલની ખંડણી ઉઘરાવતી ટોળકીના પકડાએલા આઠેએ આરોપીના બેંક એકાઉન્ટની છેલ્લા ૧ વર્ષથી ટ્રાન્જેકશન બેંક પાસેથી માહિતી માંગી પોલીસેએ દિશામાં તપાસ ધરી છે. જામનગરના નાગરિકોને જયેશ પટેલની ખંડણી ઉઘરાવતી ટોળકીના અજગરી ભરડામાંથી મુકત કરાવવા માટે કટ્ટીબદ્ધ નવનિયુકિત એસ.પી.ની ચુનંદા ટુકડીએ હાલમાં રીમાન્ડ પર રહેલા ગુજસીટોક હેઠળ ઝડપાયેલા આઠેય આરોપીઓના બેંક એકાઉન્ટની તલેતલની માહિતી કઢાવવા તજવીજ શરૃ કરી છે અને બાકીના ચાર આરોપીને ગીરફતમાં લેવા તેના સગડ દબાવ્યા છે.
જામનગરમાં કારખાનેદારો, વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકોને પણ ખંડણી માંગી રંજાડતા કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ટોળકી સામે રાજયસભાના સાંસદ પરિમલ નથવાણીએ ટવીટ્ કરતા ભારે ખળભળાટ મચી ગયો હતોે. રાજયના ગૃહવિભાગે અમદાવાદમાં ફરજ બજાવતા આઈપીએસ દિપન ભદ્રનને જામનગરમાં એસ.પી. તરીકે નિમણૂક આપી આ ટોળકીને તહસનહસ કરી નાખવાનો હુકમ કરતાં એસ.પી. તથા તેમના પસંદ કરેલા અધિકારીઓની ટુકડી હરકતમાં આવી ગઈ હતી.
જયેશની ગેંગના સદસ્યને પકડવાનું શરૂ કરાયા પછી ગયા શુક્રવારે શહેરના મોટામાથા ગણાતા આઠ વ્યકિતઓની ગુજસીટોક કાયદા હેઠળ ધરપકડ કરી લેવામાં આવી હતી. પૂર્વ પોલીસકર્મી વશરામ મિયાત્રા, નગરસેવક અતુલ ભંડેરી, બિલ્ડર મુકેશ અભંગી, નિલેશ ટોલીયા, એક અખબારના મેનેજર પ્રવિણ ચોવટીયા, શેરબજારના ધંધાર્થી પ્રફુલ પોપટ, ફોરેન કરન્સીના વ્યવસાયી જીગર ઉર્ફે જીમી આડતીયા, અનિલ પરમારની ધરપકડ કરી તેઓના રીમાન્ડ પણ નવા કાયદાની અદાલતમાંથી મેળવાયા હતાં.
હાલમાં રીમાન્ડ પર રહેલાં ઉપરોકત તમામ આરોપીઓના છેલ્લા એકાદ વર્ષના બેંક ટ્રાન્જેકશન જાણવા માટે તપાસનીશ પોલીસ ટુકડી આગળ ધપી છે. જામનગરની જે-જે બેંકોમાં મુકેશ અભંગી, વસરામભાઈ સહિતના આઠેયના એકાઉન્ટ છે તે તમામ બેંકને એક વર્ષની ડિટેઈલ આપવા જણાવાયું છે. તેઓના ખાતામાં કેટલી રકમ જમા કે ઉધાર થઈ તે તમામ વિગતો પોલીસ મેળવી રહી છે જયારે જે ચૌદ આરોપીઓ સામે ગુજસીટોકનો ઉપયોગ થયો છે તે પૈકીના આઠની ધરપકડ થઈ છે નવમો આરોપી જશપાલ જેલમાં છે અને દસમો આરોપી-ગેંગ લીડર જયેશ પટેલ ફરાર છે. તે ઉપરાંત બિલ્ડર રમેશ અભંગી એડવોકેટ વી.એલ. માનસતા, યશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને સુનીલ ચાંગાણી નામના ચારેય આરોપીઓને ગીરફતમાં લેવા માટે પોલીસ તેના સંભવિત આશ્રય સ્થાનો ચકાસી રહી છે.