7 શખ્સોને રોકડ સહીત રૂપિયા 3 લાખના મુદામાલ સાથે ઝડપી પાડ્યા
લખતર વણા રોડ પર આવેલી વાડી પાસે ધમધમતા જુગારધામનો લખતર પોલીસે પર્દાફાશ કર્યો હતો. શિક્ષકો સાથે લખતરના મોટા માથા જુગાર રમતા રંગેહાથ ઝડપાઇ જતા સમગ્ર પંથકમાં ચકચાર ફેલાઇ છે. બનાવના સ્થળેથી રૂપિયા 2.05 લાખ રોકડા તથા મુદ્દામાલ સહિત કુલ રૂપિયા 3.05 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો. સામાન્ય રીતે પોલીસ જયારે દરોડો કરે ત્યારે આરોપીને સવાર સુધી રાખતી હોય છે.
પરંતુ આ ગુનામાં પકડાયેલા આરોપીઓને પોલીસે કાગળીયા કરી રાતોરાત છોડી મૂકતા પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં આવી છે. અને આ બનાવમાં મોટો વહિવટ થયાનું ચર્ચાય છે. જો સાચી દિશામાં તપાસ થાય તો સ્થાનિક પોલીસની ભૂંડી ભૂમિકાનો ભાંડો ફૂટે તેવી ચર્ચા ચાલી રહી છે. એમ.કે.ઇસરાનીએ સાંજના સમયે દરોડો પાડયો હતો. અચાનક પોલીસ ત્રાટકતા જામેલી જુગારની રંગતમાં ભંગ પડયો હતો. પોલીસ આવતાની સાથે મોટામાથાઓના મોઢા વીલા થઇ ગયા હતા.
બનાવના સ્થળેથી બે શિક્ષક સાથે સાત શખ્સો (1) રાજેન્દ્રભાઈ વાસુદેવભાઈ ભુવા, શિક્ષક, તરમણીયા પ્રાથમિક શાળા, રહે. લખતર (2) નાનજીભાઈ એમ.પટેલ, શિક્ષક, લખતર પ્રાથમિક શાળા,રહે. લખતર (3) વિકાસભાઈ વાલજીભાઈ પટેલ, મંત્રી, લખતર ખેતીવાડી સહકારી મંડળ, રહે. લખતર (4) નિલકંઠ દેવજીભાઈ પટેલ, નોવેલ્ટી સ્ટોર ધારક, લખતર (5) રમેશ પોપટભાઈ પટેલ, ખેડૂત, લખતર (6) અરવિંદ રામજીભાઈ પટેલ, ખેડૂત, લખતર (7) દિલીપ રસિક જાખણીયા, ખેડૂત, લખતરવાળા જુગાર રમતા ઝડપાઇ ગયા હતા.
આ સાથે રૂપિયા 2.05 લાખ રોકડા, તથા 5 મોબાઇલ અને 3 બાઇક સહિત રૂપિયા 3.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. મોટો જુગાર પકડયાના આનંદ સાથે પોલીસ મુદ્દામાલ સાથે આરોપીઓને પોલીસ મથકે લાવી હતી. પરંતુ બાદમાં ભલામણોના ફોન ધણધણવા લાગતા સ્થાનીક પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઇ હતી. મોડી રાત સુધી ગુનો દાખલ કરવો કે નહી, કોના નામ કાઢવા આ તમામ મામલે પોલીસને પણ પરસેવો વળી ગયો હતો. અંતે સાત શખ્સો સામે ગુનો દાખલ કરી રાતો રાત તમામને જવા દીધા હતા.