ભચાઉ તાલુકાના લુણવા ખાતે બે પક્ષો વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ તેમાં પોલીસ ગઈ ત્યારે ૭૦થી ૮૦ માણસોના ટોળાએ આંગળીના વેઢે ગણાય તેટલા પોલીસ પર જીવલેણ હુમલો કરી નાખ્યો હતો. જેમાં પીએસઆઈ અને પાંચ ખાખીધારી ઘવાયા હતા. હુમલો કરીને ટોળુ ભાગી ગયું પણ ગામમાં ગયેલા ખાખીધારીઓને સારવાર લેવા માટે હોસ્પિટલ જવાની નોબત આવી હતી.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ લુણવા ગામમાં સ્પીડ બ્રેકર બનાવાયા હતા, જે બાબતે ડખ્ખો થયો હતો. ફરિયાદી પ્રવીણભાઈ ખેતાભાઈ કોલીના જણાવ્યા પ્રમાણે તે અને સાહેદો આરોપીઓને કહેવા ગયા હતા કે, તમે રસ્તામાં મોટા જમ્પ કેમ બનાવ્યા ? તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને ધકબુશટનો માર માર્યો હતો. જેથી ગામના રાજેશ સામત કોલી, શાંતિ ખેતા કોલી અને રમેશ મનજી કોલી સામે ભચાઉ પોલીસે ફરિયાદ નોંધી હતી. દરમિયાન આ કામના આરોપીઓ ફરિયાદી અને સાહેદોને મારવા માટે જતા હોઈ પોલીસને જાણ કરાઈ હતી. જેથી ભચાઉ પીએસઆઈ ડી.જે. ઝાલા અને પોલીસ ટીમ લુણવા ગામમાં ગઈ ત્યારે આરોપીઓ આ કામના ફરિયાદી પક્ષના માણસોને મારવાની કોશિષ કરતા હતા. પોલીસ વચ્ચે પડી ત્યારે આરોપીઓ પોલીસ પર તુટી પડ્યા હતા. અંદાજે ૯૦થી ૧૦૦ લોકો દ્વારા પોલીસ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો.વધુ વિગતો પોલીસ તપાસ બાદ આવશે.
અહેવાલ: ગની કુંભાર