97 કોલેજો પાસેથી બી.કોમ.ના રદ્ થયેલા પેપર પરત મંગાવાયા જેમાંથી 22 બોક્સ ખૂલ્લા નિકળ્યા
અબતક, રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક મામલે આજે વધુ એક ખુલાસો થયો છે. સમગ્ર શિક્ષણ જગતમાં પેપર લીકની જુદી-જુદી વાતો સામે આવી રહી છે ત્યારે બી.કોમ. અને બી.બી.એ.નું જે પેપર લીક થયું હતું. તે મામલે આજે રાજકોટ પોલીસ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પોલીસની ટીમે કોલેજોમાંથી પરત આવેલા પ્રશ્ર્નપત્રોની ચકાસણી હાથ ધરી છે. આ ઉપરાંત જે પ્રશ્ર્નપત્ર કોલેજો પાસેથી પરત મંગાવ્યા હતા તેમાં 22 કોલેજના પ્રશ્ર્નપત્રના બોકસ ખૂલ્લા નીકળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી.કોમ. અને બી.બી.એ.ના પેપર લીક મામલે વધુને વધુ રસપ્રદ બનતો જાય છે. 12 ઓક્ટોબરે મધરાત્રે પેપર લીક થયાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તંત્રએ તાકીદે પગલા લેવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ પરીક્ષા વિભાગ તંત્ર દ્વારા જે પેપર રદ્ થયા હતા તે તમામ પેપર કોલેજો પાસેથી રાતોરાત પરત મંગાવવામાં આવ્યા હતા. આ પેપર રાત્રે જ લીક થયા હોવાથી તંત્રએ પોલીસમાં અરજી કરી હતી. જો કે હજુ પોલીસ ફરિયાદ થઇ નથી ત્યારે જે-જે કોલેજો પાસેથી પ્રશ્ર્નપત્ર પરત આવ્યા છે તેમાં રાજકોટની એકપણ કોલેજ એવી નથી કે જેનો પ્રશ્ર્નપત્રના બોક્સનું સીલ તૂટ્યું હોય.
જે 22 કોલેજના બોક્સ ખૂલેલા જોવા મળ્યા હતા તે તમામ કોલેજ અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર અને મોરબીની હતી અને આ કોલેજોને થોડી મોડી જાણ થવાથી પ્રશ્ર્નપત્રનું બોક્સ ખોલ્યું હોય એવી પ્રાથમિક વિગતો મળી રહી છે. સમગ્ર મામલે પોલીસે ગઇકાલથી જ વધુ તપાસ હાથધરી છે.
ગઇકાલે અમરેલી ખાતે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હવે જ્યારે યુનિવર્સિટીમાં 97 કોલેજોએ પ્રશ્ર્નપત્ર પરત મોકલ્યા છે ત્યારે હવે આજે યુનિવર્સિટી ખાતે પોલીસના ધામા જોવા મળ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ થયો હતો ત્યારે હવે સમગ્ર મામલે શું ખૂલાસો થાય છે, કોણે પેપર લીક કર્યા?, ક્યાંથી પેપર લીક થયા? તેના જવાબની તો રાહ જોવી જ રહી.
જે કોલેજોના મોડી જાણ થઇ તેના બોક્સ ખૂલેલા જોવા મળ્યા: પરીક્ષા નિયામક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડો.નિલેશ સોનીએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે ગઇકાલે સાંજ સુધીમાં જ બી.કોમ. અને બી.બી.એ.ના પ્રશ્ર્નપત્રો યુનિવર્સિટી ખાતે પરત આવી ગયા હતા. કુલ 97 કોલેજો પાસેથી પ્રશ્ર્નપત્ર પરત આવ્યા છે. જેમાંથી 22 કોલેજોના બોક્સ ખૂલેલા જોવા મળ્યા હતા. પરંતુ તેનું કારણ એ જ હતું કે તે ગામડાંની કોલેજો છે તેમને જાણ મોડી થઇ હતી. જેથી પ્રશ્ર્નપત્રના બોક્સ ખૂલી ગયા હતા. આજે પોલીસની ટીમ યુનિવર્સિટી ખાતે પહોંચશે અને વધુ તપાસ હાથ ધરશે.