જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓનું સતત નિરીક્ષણ
ઉત્સવપ્રેમી રાજકોટની પ્રજા તમામ ઉત્સવો ઉજવવામાં અગ્રેસર હોય છે. તહેવાર કોઈપણ ધર્મ કે સંપ્રદાયનો હોય પરંતુ રાજકોટની ઉત્સવપ્રિય જનતા હર્ષ ઉલ્લાશ સાથે તમામ પર્વની ઉજવણી કરે છે. તેમાં પણ છેલ્લા બે વર્ષથી કોરોનારૂપી ગ્રહણ લાગ્યા બાદ અનેક તહેવારોની ઉજવણી સ્થગિત રાખવાની ફરજ પડ્યા બાદ હવે જ્યારે કોરોના મહામારી નિયંત્રણમાં છે ત્યારે સૌરાષ્ટ્રના પાટનગરનું બિરુદ ધરાવતા રાજકોટ ખાતે 31મી ડિસેમ્બરના ભવ્ય આયોજનો થવા જઈ રહ્યા છે. ત્યારે આ આયોજનોના રંગમાં ભંગ ન પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજકોટ પોલીસ સતત એક્શન મોડમાં આવી ગઈ છે. રાજકોટ પોલીસના જોઈન્ટ પોલીસ કમિશ્નર, ડીસીપી સહિતના અધિકારીઓ હાલ દરરોજ ફુટ પેટ્રોલિંગ કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.
બુધવારે સાંજે રાજકોટ પોલીસના જોઈન્ટ પોલીસ કમિશનર સૌરભ તોલંબિયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન – 1 એસ.વી. પરમાર, ડીસીપી ઝોન-2 સુધીરકુમાર દેસાઈ સહિતના અધિકારીઓએ રાજકોટના હાર્દસમાન યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં પોલીસ કાફલા સાથે ફુટ પેટ્રોલિંગ કર્યું હતું. તેમની સાથે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતની મહત્વની બ્રાન્ચના અધિકારી-કર્મચારીઓ પણ ફુટ પેટ્રોલિંગમાં હાજર રહ્યા હતા.
31મી ડિસેમ્બરના આયોજનો રંગે ચંગે યોજાય અને તેમાં કોઈ વિઘ્ન કે અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. જેના ભાગરૂપે 31 ડિસેમ્બરના રોજ થનારી ડીજે પાર્ટી, ડાન્સ પાર્ટી સહિતના આયોજનો માટે માર્ગદર્શિકા જાહેર કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર સીસીટીવી ફુટેજ સહિતના ધારાધોરણોનું ચુસ્તપણે પાલન થાય તેના માટે આયોજકો સાથે બેઠક કરીને કડક સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે.
ઉપરાંત રાજકોટ શહેરમાં થનારા લગભગ તમામ આયોજનોમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પોલીસ ખાનગી કપડામાં હાજર રહીને સતત નિરીક્ષણ કરનારી છે. ઉપરાંત આયોજનોમાં પોલીસની ’સી’ ટીમ પણ સતત ચાંપતી નજર રાખનારી છે. મહિલાઓ સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ’સી’ ટીમ સતત કટિબદ્ધ રહેશે.
શહેરના હિસ્ટ્રીશીટરો તેમજ પોલીસ ચોપડે નોંધાયેલા બુટલેગરોને પણ કોઈ પણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નહીં કરવા સૂચના આપવામાં આવી છે. તેમાં પણ જરૂરિયાત જણાય તો રાઉન્ડ અપ સહિતની કાર્યવાહી પણ કરવામાં આવી છે.
શહેરમાં થતા આયોજનોમાં કોઈ પણ શખ્સ નશીલા પદાર્થનું સેવન કરીને ઘુસી ન આવે અથવા કોઈ ધમાલ ન મચાવે તેના માટે પોલીસ ખાનગી રાહે નજર તો રાખશે જ પરંતુ સાથોસાથ આયોજકોએ પણ આ બાબતે ધ્યાન રાખવાનું રહેશે તેવી સૂચના આપી દેવામાં આવી છે. તમામ આયોજનોમાં આલ્કોહોલ ડિટેક્ટરથી ચેકીંગ સતત ચાલુ રાખવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
કાયદાનું પાલન કરીને ઉત્સવની ઉજવણી કરવા પ્રજાને અપીલ: સૌરભ તોલંબિયા(જોઈન્ટ પોલીસ કમિશનર)
અબતક સાથેની વિશેષ વાતચીતમાં જોઈન્ટ પોલીસ કમિશ્નર સૌરભ તોલંબિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર પોલીસે એક પ્રોપર સ્કીમ બહાર પાડી છે જેમાં ટ્રાફિક સંબંધની કામગીરી કરાઈ છે. કોઈપણ ડ્રગ્સ, દારૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિ નહીં ચલાવી લેવાય માટે પોલીસ સ્ટેશન કક્ષાએ જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે અને આ ટીમો સતત રેડની કામગીરી કરી રહી છે. જે લુખ્ખા તત્વો છે તેમની ઉપર પણ અમારી વોચ છે અને રાજકોટ શહેર પોલીસ તરફથી પ્રજાને વિનંતી કરું કે કોઈ પણ એવી ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાય તો 100 નંબર ઉપર પોલીસને માહિતી આપે. પોલીસ માહીતી આપનારની ઓળખ ગુપ્ત રાખશે અને કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. તેમણે નશીલા પદાર્થના દુષણ અંગે કહ્યું હતું કે, અત્યારે અમારી પ્રોહિબિસનની
ડ્રાઇવ ચાલુ છે. વિસ્તારમાં પોલીસ સ્ટેશન વાઈઝ ટીમ બનાવવામાં આવી છે. ગઈકાલે પણ અમે 100 થી વધુ રેઈડ કરી છે, મોટા કેસો અમારા તરફથી કરવામાં આવી રહ્યા છે અને કોઈપણ સંજોગોમાં 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય એના માટે અમારી શહેર પોલીસ એકદમ તૈયાર અને સજ્જ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આખા રાજકોટ શહેરમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી ફૂટેજ છે. અમારું કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર સીપી કચેરીમાં કાર્યરત છે જેમાં દરેક વાહન ઉપર નજર રાખવામાં આવી રહી છે.
આ સિવાય ખાનગીમાં રાજકોટ શહેર પોલીસ પેટ્રોલિંગ કરશે અને જે લુખ્ખા તત્વો છે, જે અસામાજિક તત્વો છે તેમની ઉપર વોચ રાખશે. અમારી ’સી’ ટીમ દ્વારા વિષેશ પ્રકારની મહિલાઓની સુરક્ષા માટે તૈયારી કરવામાં આવી છે. તેમણે પ્રજાને અપીલ કરતા કહ્યું હતું કે, રાજકોટ શહેર પોલીસ ઉત્સવમાં રાજકોટની પ્રજા સાથે છે. તમામ પોતાનું ઉત્સવ શાંતિપૂર્ણરીતે ઉજવે તેમાં પોલીસ પ્રજા સાથે ઉભી છે પરંતુ ઉત્સવની સાથે સાથે કાયદાનું પણ પાલન પ્રજા કરે, આયોજકો પણ કાયદાનું પાલન કરે તે પણ બહુ જરૂરી છે. તેથી હું તમામ આયોજકોને વિનંતી કરું છું કે આયોજકો આ બાબતે વિશેષ કાળજી લઇ પોતાને ત્યાં સીસીટીવી કેમેરા લગાવે તેમજ ગાઈડલાઈનનું પાલન કરે.
31 ડિસેમ્બરે ફક્ત દારૂ જ નહીં ડ્રગ્સ લીધેલાને ઝડપી લેવા પોલીસનો એક્શન પ્લાન
31 ડિસેમ્બર નજીક આવી રહી હોવાથી દારૂની સાથે ડ્રગ્સની પાર્ટીઓ પણ ચાલતી હોય છે. જોકે અત્યાર સુધી ડ્રગ્સ લીધેલાને ઝડપી લેવા માટે પોલીસ પાસે કોઈ સાધન નહોતું. પરંતુ હવે સરકાર દ્વારા પોલીસને આ માટે ખાસ કીટ ફાળવવામાં આવી છે. આ કીટ દ્વારા માત્ર 15 મિનિટમાં કોઈપણ વ્યક્તિ ડ્રગ્સ લીધેલી છે કે કેમ તે જાણી શકાય છે. ત્યારે હવે પોલીસ દ્વારા દારૂ જ નહીં ડ્રગ્સ લીધેલાને ઝડપી લેવા પોલીસનો એક્શન પ્લાન ઘડાયો છે. અને આ માટેનું ચેકીંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
બ્રીથ એનેલાઈઝરની સાથે સાથે ડ્રગ્સ ટેસ્ટીંગ કીટની પણ રાજકોટ પોલીસને આપવામાં આવી છે. જેથી કરીને ડ્રગ્સ પીધેલા પકડાય તો સ્થળ પર જ ટેસ્ટિંગ કરીને 15 મિનિટમાં જાણી શકાય અને તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ કીટ અંદાજે 50 લાખની છે અને માત્ર 4 મહાનગરપાલિકામાં આ કિટ આપવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું છે.ઉલ્લેખનીય છે કે, આ પહેલા જ્યારે ડ્રગ્સ પીધેલ કોઈ પણ પકડાય તો તેનું એફએસએલમાં ટેસ્ટિંગ કરવામાં આવતુ હતું.
જેનું પરિણામ ઘણા સમય પછી આવતુ હતું. પણ આ કિટથી માત્ર 15 મિનિટમાં જ જાણી શકાશે કે તેને ડ્રગ્સ લીધુ છે કે નહીં.આ કિટનો ઉપયોગ રાજકોટમાં પહેલી વખત 31 ડિસેમ્બરમાં કરવામાં આવશે. આમ જો કોઈ પણ વ્યક્તિ ડ્રગ્સ લેતુ ઝડપાશે તો તેની સામે સ્થળ પર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે અને તેને કાયદેસરની કાર્યવાહીનો સામનો પણ કરવો પડશે તે હવે નિશ્ચિત છે.