સાગર સંઘાણી
જામનગરના ચકચારી ગુજસીટોક પ્રકરણમાં જયંત સોસાયટી વિસ્તારમાં આવેલી યશપાલ-જશપાલ બંધુની મિલકત પોલીસ તંત્ર દ્વારા સીઝ કરવામાં આવી છે. શહેર વિભાગના ડીવાયએસપીની હાજરીમાં અંદાજે સાડા ત્રણ કરોડની જગ્યા પોલીસ તંત્ર દ્વારા ટાંચમાં લેવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જીલ્લાની છે જ્યાં ગુજસીટોકનું પ્રકરણ ફરીથી ચર્ચામાં આવ્યું છે, અને ગુજશીટોક પ્રકરણમાં પકડાયેલા યશપાલ-જશપાલ બંધુની જગ્યા ગૃહ વિભાગના આદેશના અનુસંધાને ટાંચમાં લેવાની પ્રક્રિયા હાથ કરવામાં આવી છે અને શહેર વિભાગના ડીવાયએસપીની હાજરીમાં જાહેર ચેતવણીનું બોર્ડ લગાવી અંદાજે સાડા ત્રણ કરોડની જમીન ટાંચમાં લેવામાં આવી છે.
વર્ષ ૨૦૨૦માં નોંધાયેલા ગુજસીટોક ગુન્હાના અનુસંધાને મિલકત કરાઈ સીઝ
જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ૨૦૨૦ ની સાલમાં રાજ્યનો સૌપ્રથમ ગુજસીટોક અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, અને તે પ્રકરણમાં કુખ્યાત જયેશ પટેલ સહિતના ૧૪ જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે ગુનાના કેસમાં પકડાયેલા આરોપીઓ પૈકીના બે બંધુઓ જશપાલ જાડેજા અને યશપાલ જાડેજા કે જેઓની માલિકીની જગ્યા જામનગરના જયંત સોસાયટી વિસ્તારમાં આવેલી છે, જે ૫,૪૬૦.૯૦ ચોરસ ફુટ છે, અને જેની હાલ બજાર કિંમત અંદાજે સાડા ત્રણ કરોડ જેટલી થવા જાય છે.
જે જગ્યામાં બાંધકામ પણ થઈ રહ્યું હતું, અને જે હાલ સ્થગિત કરાયેલું છે. ઉપરોક્ત જગ્યાને ટાંચ મા લેવાનો ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આદેશ થયો હતો, જે હુકમની અમલવારીના ભાગરૂપે આજે તપાસની અધિકારી જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વરુણ વસાવાની હાજરીમાં પોલીસ ટુકડીએ ઘટના સ્થળે પહોંચી જઈ, ત્યાં ચેતવણીનું બોર્ડ લગાવ્યું છે, અને ઉપરોક્ત મિલકત કે જે ગુજસીટોક અંગેના પ્રકરણમાં ટાંચમાં લેવામાં આવી છે. જે સ્થળે પોલીસ તંત્રની હાજરીમાં સૂચનાનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે.