કુવાડવા રોડ પર હેપ્પી બેનીક્યુટ ખાતે મોટી સંખ્યામાં એકઠાં થયેલા વેપારીઓની રજૂઆત
પોલીસ કમિશનરે સાંભળી: લાતી પ્લોટ ખાતે પોલીસ ચોકી બનાવવાની જાહેરાત
શહેરના લાતી પ્લોટ વિસ્તારના વેપારીઓને રંજાડતા લુખ્ખા ઇબ્રાહીમ ઉર્ફે ઇભલાના વિરૂધ્ધ લાતી પ્લોટ વિસ્તારના વેપારીઓ સાથે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતે કુવાડવા રોડ પર આવેલી હેપ્પી બેનીક્યુટ ખાતે લોક દરબાર યોજી લુખ્ખાઓને કાયદાનું ભાન કરાવવાની ખાતરી આપી લાતી પ્લોટમાં પોલીસ ચોકી બનાવવાની જાહેરાત કરી હતી.
શહેરના કરણપરા વિસ્તારમાં રહેતા ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણી વેપારી કૌશલભાઇ જૈનની લાતી પ્લોટ ખાતે આવેલી ઓફિસમાં ઘુસી મેબલો ઉર્ફે મહેબુબ અને સલીયો ઉર્ફે સલીમ સહિતના શખ્સોએ કૌશલભાઇને ઇભલા સાથે મોબાઇલમાં વાત કરાવી ગોડાઉન પડાવી લેવા ધમકી આપી હતી.જ્યારે સિતારામ પાર્કમાં રહેતા શંકરલાલ કલ્યાણજીભાઇ ભાનુશાળીને ઇભલો અને તેના સાગરીતોએ ધમકી દઇ સૌરાષ્ટ્ર ઓઇલ કંપની બળજબરીથી હડપ કરવા ધમકી દીધા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
ચામડીયા ખાટકીવાસના નામચીન ઇભલો ઉર્ફે ઇબ્રાહીમ કરીમ કાથરોટીયા સામે આ પહેલાં પણ ખંડણી પડાવવા વેપારીઓને ધાક ધમકી દીધાના ગુના નોંધાયા હોવાથી વેપારીઓ રોષે ભરાયા હતા અને ઇભલા ઉર્ફે ઇબ્રાહીમ કાથરોટીયા સામે કડક કાર્યવાહી કરવા માગ ઉઠી હતી.લાતી પ્લોટના વેપારીઓને ઇભલાની રંજાડ સામે બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા કુવાડવા રોડ પર હેપ્પી બેનક્યુટ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌત ડીસીપી બલરામ મીણા, એસઓજી પીઆઇ એસ.એન.ગડુ, ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ. એચ.એમ.ગઢવી, કોર્પોરેટર કિશોરભાઇ રાઠોડે લાતી પ્લોટના વેપારી અગ્રણી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વેપારીઓએ ઇભલા ઉર્ફે ઇબ્રાહીમ કાથરોટીયાની દાદાગીરી અંગે રજૂઆત કરી હતી ત્યારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતે વેપારીઓની રજૂઆત સાંભળી નામચીન ઇભલાને પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવવાની ખાતરી આપી હતી અને લાતી પ્લોટમાં તાકીદે પોલીસ ચોકી બનાવી કાયમી ધોરણે નિવારણ લાવવા જણાવી લોકોને દાદાગીરી સહન ન કરવા અને પોલીસની મદદ લેવા અનુરોધ કર્યો હતો. તેમજ લાતી પ્લોટ વિસ્તારમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહેલૌતે જાત નિરિક્ષણ કર્યુ હતું.