દરેક પોલીસ મથકે દુર્ગા શક્તિ ટીમ તહેનાત રહેશે: મોબાઇલ એપ્લીકેશનની મદદથી મહિલાઓને ત્વરીત મદદ મળશે: ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી અને મેયર બીનાબેન આચાર્યના હસ્તે સાયબર સુરક્ષિત મહિલા બુકનું વિમોચન
પોલીસ સ્ટાફ અને પરિવાર માટે યોજાયેલા ખેલ મહોત્સવના વિજેતાઓને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા અપાયા ઇનામ
હૈદરાબાદની ગેંગ રેપ અને હત્યાની શરમજનક ઘટના બાદ દેશભરમાં મહિલાઓની સુરક્ષા બાબતે બુધ્ધીજીવીઓ દ્વારા ચિંતા વ્યક્ત થઇ રહી છે અને કાયદાને વધુ અસરકારક બનાવવા માગ થઇ રહી છે. ત્યારે રાજકોટ પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષા અંગે ટેકનોલોજીની મદદથી મહિલાઓને તાત્કાલીક મદદ મળી રહે તે માટે મોબાઇલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે. એક જ ક્લિકની મદદથી એક સાથે ત્રણ સ્થળે મુશ્કેલી અંગેની માહિતી પહોચશે અને પોલીસ દ્વારા ત્વરીત એકશન લેવામાં આવશે તેમજ શહેરના દરેક પોલીસ મથકે દુર્ગા શક્તિ ટીમ બનાવવામાં આવી છે. મહિલાઓ સાયબર સુરક્ષિત બની રહે તે માટે તૈયાર કરાયેલી બુકનું વિમોચન અને પોલીસ સ્ટાફ તેમજ પોલીસ પરિવાર વચ્ચે યોજાયેલી વિવિધ રમોત્સવના વિજેતાઓને ઇનામ વિતરણ કાર્યક્રમ પોલીસ હેડ કવાર્ટર ખાતે યોજવામાં આવ્યો હતો.
પોલીસ હેડ કવાર્ટર ખાતે યોજાયેલા એપ્લીકેશન લોંચના કાર્યક્રમમાં ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈની, ડીસીપી ઝોન-૨ મનહરસિંહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગ દર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલી મહિલા સુરક્ષા એપ્લીકેશન અંગે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતુ કે, મહિલાઓ પોતાના મોબાઇલમાં સુરક્ષા એપ્લીકેશન ડાઉન લોડ કર્યા બાદ પોતાના નામ, મોબાઇલ નંબર, મુસાફરી શરૂ કરી તે સ્થળનું નામ અને મુસાફરી પુરી થઇ તે સ્થળનું નામ તેમજ વાહન નંબર ભરીને સબમીટ કરવામાં આવ્યા બાદ તુરંત મોબાઇલમાં મેસેજ મળી જશે તેમજ પોલીસની મદદની જરૂર હોય તેવો ત્યારે એપ્લીકેશનમાં હેલ્પ બટન ક્લિક કરવાથી શહેર પોલીસ કંટ્રોલ રૂમ તેમજ એપમાં રજીસ્ટર થયેલા ગાર્ડીયનના મોબાઇલમાં મેસેજ જતો રહેશે ત્યાર બાદ પોલીસ દ્વારા મુશ્કેલીમાં રહેલી મહિલાનું લોકેશન તાત્કાલીક મેળવી શકશે અને તાત્કાલીક મદદ પણ પોલીસ દ્વારા પુરી પાડવામાં આવશે જેના કારણે મહિલાઓની સુરક્ષા વધુ ઝડપી અને સારી રીતે થઇ શકશે તેમ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત મુશ્કેલીમાં રહેલી મહિલાઓને તાત્કાલિક પોલીસ રક્ષણ મળી રહે તે માટે દરેક પોલીસ મથકે દુર્ગા શક્તિ ટીમ બનાવવામાં આવી છે દુર્ગા શક્તિ ટીમ મહિલા પોલીસ સ્ટાફ સહિતના સ્ટાફ તહેનાત રહેશે અને એપ્લીકેશનની મદદથી મુશ્કેલીમાં રહેલી મહિલાઓના લોકેશન પર દુર્ગા શક્તિ ટીમ પહોચી જશે તેમ જણાવવામાં આવ્યું છે.
મહિલાઓ દ્વારા સ્માર્ટ ફોનનો ઉપયોગ થતો હોય છે ત્યારે તેમાં ઘણી વખત મહિલાઓ સાયબર ક્રાઇમનો ભોગ બને છે અને ફેક આઇડીના આધારે મહિલાઓને મુશ્કેલીમાં મુકાતી હોય છે ત્યારે મહિલાઓ સાયબર ક્રાઇમથી કંઇ રીતે બચે તે માટે રાજકોટ પોલીસ દ્વારા સાયબર મહિલા સુરક્ષિતા બુક તૈયાર કરવામાં આવી છે. સાયબર સુરક્ષિતા બુક નંબર-૨નું ભાજપના મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી અને મેયર બીનાબેન આચાર્યના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
પોલીસ સ્ટાફ કામના ભારણના કારણે તનાવ અનુભવતા હોવાથી પોલીસ સ્ટાફ અને પોલીસ પરિવાર વચ્ચે જુદી જુદી ટીમ બનાવી ક્રિકેટ, વોલીબોલ, બાસ્કેટ બોલ, બેડવીન્ટન, ચેસ, એથ્લેટીક જેવી રમતનું આયોજન કરવામાં આવ્યું હતુ. પોલીસના ખેલ મહોત્સવના વિજેતા પોલીસ સ્ટાફને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા ઇનામ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. પોલીસ હેડ કવાર્ટર ખાતે યોજાયેલા આ ક્રાર્યક્રમમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.