મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર જિલેટીન સ્ટિક્સ ભરેલો સ્કોર્પિયો મામલે પોલીસને મહત્વના સુરાગ હાથ લાગ્યા છે. આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસને સીસીટીવી ફૂટેજમાં એન્ટીલિયાની બહાર PPE કીટ પહેરેલા એક શંકાસ્પદ વ્યક્તિ જોવા મળ્યો છે.
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર સીસીટીવી ફૂટેજમાં જોવા મળતા શંકાસ્પદ વ્યક્તિ કારનો ડ્રાઇવર હોઈ શકે છે. શંકાસ્પદ વ્યક્તિએ સ્કોર્પિયો પાર્ક કરતા પહેલા મુકેશ અંબાણીના ઘરની નજીકમાં રેકી કરી હતી. ત્યાર બાદ સ્કોર્પિયો પાર્ક કરી અને ત્યાંથી ઇનોવામાં બેસીને ફરાર થઈ ગયો હતો. આ બંને કાર અંબાણીના ઘરની નજીક ક્યાંથી પહોંચી હતી તે તપાસ માટે મુંબઇ પોલીસ તમામ સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે.
મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલયે સોમવારે આ કેસની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) ને સોંપી છે. હવે એનઆઈએ આ સમગ્ર મામલાની તપાસ કરશે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એનઆઈએ તપાસની માંગ કરી હતી.