• જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી એક હોટલમાં બાળમજૂરી કરી રહેલા બે બાળકોને પોલીસે મુક્ત કરાવ્યા
  • સગીરવયના બાળકો પાસે કામ કરાવનાર હોટલના સંચાલક સામે ગુનો નોંધી અટકાયત કરાઈ

Jamnagar News : જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી એક ચાની હોટલમાં સગીરવયના બાળકો કામ કરતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો, અને બાળમજૂરી કરી રહેલા બે બાળકોને મુક્ત કરાવ્યા છે, અને તેના વાલીને સોંપી દીધા છે. જ્યારે હોટલ સંચાલકની સામે ગુનો નોંધી તેની અટકાયત કરી લેવામાં આવી છે.

બાતમીને આધારે પોલીસ કાર્યવાહી

જામનગરના પોલીસના એ.એચ.ટી.યુ. વિભાગના પોલીસ ઇન્સ્પેકટર એન.ડી. સોલંકી અને તેમના સ્ટાફને ચોક્કસ માહિતી મળી હતી, કે જામનગરમાં ખોડીયાર કોલોની નજીક મેહુલ નગર રોડ પર આવેલી કાનો માલધારી ટી સ્ટોલમાં નાના બાળકોને કામે રાખીને બાળમજૂરી કરાવી બાળકોનું શારીરિક તેમજ આર્થિક શોષણ કરવામાં આવે છે.

જે માહિતીના આધારે એ. એચ. ટી.યુ. ની પોલીસ ટીમે ગઈકાલે સાંજે દરોડો પાડયો હતો.

પોલીસના દરોડા

જે દરોડા દરમિયાન ૧૬ વર્ષથી નાની વયના બે સગીર બાળકો કામ કરી રહેલા મળી આવ્યા હતા. જેથી પોલીસ ટીમે બંને બાળકોના વાલીને સ્થળ પર બોલાવી લીધા હતા, અને તેઓનો કબજો વાલીને સોંપી દઇ ફરીથી બાળકોને કામે નહીં મોકલવા સૂચન કર્યું હતું.

ઉપરાંત હોટલના સંચાલક નિલેશ નથુભાઈ માડીયા સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ ૨૦૧૫ની કલમ ૭૯ મુજબ કાર્યવાહી કરી તેની અટકાયત કરાઇ.

આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એન.ડી. સોલંકી તેમજ સ્ટાફના એએસઆઈ રણમલભાઈ ગઢવી, રાજદિપસિંહ ઝાલા, કિરણબેન મેરાણી, અને ભાવનાબેન સાબડીયા વગેરે કરી હતી.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.