લૂંટ અને ચોરીની ઘટનાના ફરિયાદીને કાયદાની આટીઘૂંટી સમજાવી ફરિયાદ નોંધવાનું ટાળતી પોલીસ
લૂંટારા અને તસ્કરો ઝડપાય ત્યારે ગુનાની કબુલાત અને નોંધાયેલા ગુનાની વિગતમાં ભારે વિષંગતા
ચોરીની ઘટનામાં ઘરેણાની કિંમત ઓછી આંકવી અને ડીટેકશન સમયે ઘરેણાની કિંમત ઉંચી બતાવવાનું વિરોધાભાષી ગણિત
મિલકત વિરૂધ્ધના ગુના નોંધવામાં પોલીસ સ્ટાફમાં એક બીજાને અપાતી ખો: પ્રજા અને પોલીસ વચ્ચે વધતુ અંતર
મિલકત વિરૂધ્ધના ગુનાની ફરિયાદ કરવા આવનાર સાથે પોલીસ આરોપી જેવું વર્તન કરી ગુનો નોંધવાનું ટાળે છે
ચોરીના ગુનામાં કાચી ફરિયાદ નોંધી ગુનાનું થતું બર્કીંગ
પ્રજાના જાન અને માલનું રક્ષણ કરવાની પોલીસની પ્રાથમિક ફરજ અને નૈતિક જવાબદારી રહી છે. જાન એટલે શરીર સંબંધી ગુના અટકાવવા અને માલ એટલે પ્રજાને ચોર અને લૂંટારાથી બચાવી તેની કિંમતી મિલકતનું રક્ષણ કરવાની જવાબદારી રાજકોટ પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સાઇડ લાઇન કરી નાખી હોય તેમ મિલકત વિરૂધ્ધ ગુના છુપાવી ગુનાનું બર્કીંગ કરી પ્રજા સાથે દ્રોહ કરી પોલીસ તેની મુળભૂત ફરજ જાણી જોઇ બજાવવામાં ઉણા ઉતર્યા છે. ક્રાઇમ રેટ ઓછો બતાવવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા દરેક પોલીસ મથકના ઇન્ચાર્જને મિલકત વિરૂધ્ધના ગુનાનું બર્કીગ કરવાની છુટ આપવામાં આવી હોય તેવું જણાય રહ્યું છે.
સોનાના ચેનની ચીલ ઝડપ, વાહન ચોરી, ઘરફોડ ચોરી અને લૂંટ જેવા ગુના મિલકત વિરૂધ્ધના ગુના ગણવામાં આવે છે. મિલકત વિરૂધ્ધના ગુનામાં સંડોવાયેલા શખ્સોની પોલીસ દ્વારા ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલાય ત્યારે તેની વાહ વાહ થવી જોઇએ પણ ગુનો બન્યો હોવા છતાં ક્રાઇમ રેટ ઓછો બતાવવાના એક માત્ર ઇરાદાથી ગુના ન નોંધી ઉચ્ચ અધિકારીઓને ખુશ કરવામાં પોલીસ સ્ટાફ પોતાની મુળ ફરજ અને નૈતિક જવાબદારી ચુકી રહ્યા છે.મિલકત ગુમાનાર વ્યક્તિ પોલીસ પાસે કેટલી બધી અપેક્ષા લઇને ફરિયાદ કરવા જતા હોય છે ત્યારે તેને કાયદાની આટીઘૂટી સમજાવી ફરિયાદ નોંધવાનું ટાળવામાં આવે છે.
આમ છતાં કોઇ ફરિયાદી પોતાની ફરિયાદ માટે મક્ક રીતે રજૂઆત કરે અને ફરિયાદ નોંધાવવાનો આગ્રહ રાખે ત્યારે તે વ્યક્તિ પોલીસનો દુશ્મન હોય તેવું વર્તન કરી કેટલા ટોણા મારી ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરે છે અને તેમાં પણ સોનાના ઘરેણાની અત્યારની કિંમત ન ગણાય તેના બીલ છે તેવા વિચિત્ર સવાલ કરી ચોરીમાં કોઇ પરિવારની જ વ્યક્તિની સંડોવણી હશે તેમ કહી ફરિયાદીને મુંઝવણ ઉભી કરી ફરિયાદી સાથે આરોપી જેવું વર્તન કરવામાં આવતું હોવાથી પોલીસના કારણ વિનાના ટોર્ચરીંગથી કંટાળી ફરિયાદ નોંધવાનું ટાળી મિલકત પોતાના નશીબમાં નહી હોય તેવો નિશાસો નાખી જતાં રહે છે. ત્યારે ગુનાનું બર્કીંગ કરનાર પોલીસ ફરિયાદીને કેવો મુર્ખ બનાવ્યો તેમ કહી પોલીસ સ્ટાફમાં પોતાની આવડત પોતે જ વાહ વાહ કરે છે.
વિધાનસભામાં ક્રાઇમ રેટ અંગેના વિરોધ પક્ષ દ્વારા સવાલ કરી સતાધારી પક્ષને ભીડવવા પ્રયાસ કરવામાં આવતા હોવાથી પોલીસ સ્ટાફ સરકારનો હાથો બની ક્રાઇમ રેટ ઓછો બતાવવા ખાસ કરી મિલકત વિરૂધ્ધના ગુનાનું બર્કીગ કરવાની સરકાર દ્વારા પોલીસને છુટ મળી હોય તેમ સમજી ફરિયાદીને કાયદાની આટીઘૂટી સમજાવી કાચી ફરિયાદ લખી કોઇ પ્રકારની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવતી જ નથી.
જ્યારે ચોરીના આરોપી પકડાય ત્યારે પોલીસ દ્વારા ફરિયાદીને શોધવા નીકળે અને તે પોતાની મિલકત જણાવે તેના કરતા સોનાની કિંમત વધુ દર્શાવી ચોરીની ફરિયાદ બેશરમ બની છ માસ કે એક વર્ષ બાદ નોંધી પોતે ચોરીનો ભેદ ઉકેલી ઉચ્ચ અધિકારી પાસે વાહ વાહ મેળવી ઇનામ મેળતા હોય છે. એટલું જ નહી પણ પોતાની બહાદુરીના ફોટા અખબારમાં છપાવે છે.
જે તે સમયે મિલકત વિરૂધ્ધનો ગુનો કયાં પોલીસ મથકના ઇન્ચાર્જે છુપાવ્યો અને તેને શા માટે ગુનાનું બર્કીગ કર્યુ તે અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખુલાસો પૂછવામાં આવે તો પણ ગુનાનું બર્કીંગમાં ઘટાડો થાય અને ખરા અર્થમાં પોલીસે પોતાની ફરજ અદા કરી ગણાય પણ ઉચ્ચ અધિકારીઓ જ ગુનાના બર્કીંગમાં ઇનડાયરેકટ સંડોવણી હોય ત્યારે તેઓ કયાં થાણા ઇન્ચાર્જનો ખુલાશો પુછી શકે તેવો પણ સવાલ થઇ રહ્યો છે.
અગાઉના પોલીસ સ્ટાફ પાસે મિલકત વિરૂધ્ધના ગુનાના ડીટેકશન માટે બાતમીદારનું નેટવર્ક સારૂ હતુ અત્યારે પોલીસ પાસે બાતમીદારના બદલે સીસીટીવી ફુટેજ અને મોબાઇલ લોકેશનના આધારે મિલકત વિરૂધ્ધના ગુનાની તપાસ થાય છે. આધૂનિક ટેકનોલોજીની મદદથી મિલકત વિરૂધ્ધના ગુનાની તપાસ થાય તે સારી બાબત છે. પણ પોલીસ માટે બાતમીદારનું નેટવર્ક હોવું જરૂરી છે. અત્યારના પોલીસ સ્ટાફ પાસે દારૂ અને જુગારના ગુનાના બાતમીદારનું નેટવર્ક છે અને આવા પ્રકારના ગુનાની પોલીસ દ્વારા ત્વરીત કામગીરી પણ થતી હોય છે. જ્યારે મિલકત વિરૂધ્ધના ગુનાના બાતમીદાર ગણ્યા ગાઠયા પોલીસ સ્ટાફ પાસે જ છે.
કાયદામાં કાચી ફરિયાદ જેવી કોઇ જોગવાઇ જ નથી તેમ છતાં ઘરની ધોરાજી ચલાવતી પોલીસ અરજી લે છે
પોલીસ મથકે મિલકત વિરૂધ્ધના ગુનાની ફરિયાદ નોંધાવવા જતી તમામ વ્યક્તિઓને પોલીસ દ્વારા પ્રથમતો કાયદાની આટીઘૂટી સમજાવી ફરિયાદ નોંધવાનું ટાળવામાં આવે છે તેમ છતાં ફરિયાદ નોંધવી જ પડે તેમ હોય ત્યારે પોલીસ ફરિયાદીને કાચી ફરિયાદ નોંધી લીધાનું કહી રવાના કરે છે.
કાચી ફરિયાદ જેવી કોઇ જોગવાય જ ન હોવા છતાં પોલીસ સ્ટાફ પોતાની ઘરની ધોરાજી ચલાવી કાચી ફરિયાદ એટલે કે મિલકત વિરૂધ્ધના ગુનામાં અરજી અથવા માત્ર નોંધ કરી પોલીસ મથકેથી રવાના કર્યા બાદ તસ્કર ઝડપી લેવામાં આવે ત્યારે છ માસ કે એકાદ વર્ષે ફરિયાદીને શોધી તેની ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરે છે. જેનો કાયદાકીય લાભ આરોપીને મળતો હોવાનું પોલીસ સ્ટાફ જાણતા હોવા છતાં ઉચ્ચ અધિકારીઓને ખુશ રાખવા અને ક્રાઇમ રેટ ઓછો બતાવવા મિલકત વિરૂધ્ધના ગુનામાં છુપાવવામાં આવે છે.