- મહિલા સહીત બે વિરુદ્ધ એટ્રોસિટી જયારે સામાપક્ષે મારામારીની ફરિયાદ નોંધાવાઈ
રાજકોટ શહેરના રામનાથપરા પોલીસ લાઈનમાં કચરો ફેંકવાની સામાન્ય બાબતમાં પોલીસ પરિવાર બાખડ્યાનો મામલો સામે આવતા એ ડિવિઝન પોલીસે એક મહિલા સહીત બે વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ જયારે સામા પક્ષે એક મહિલાઓ વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હંસાબેન કાળાભાઈ દાફડા નામની 32 વર્ષીય મહિલાએ એ ડિવિઝન પોલીસ મથકમાં યશોદાબા જયેન્દ્રસિંહ ઝાલા અને મયુરસિંહ જયેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ તેમજ જાનથી મારી નાખવાની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ જણાવ્યું છે કે યશોદાબા જયેન્દ્રસિંહ ઝાલાએ ફરિયાદીના ઘરના દરવાજા આગળ કચરો ફેંકવા બાબતે ઝઘડો કરી આરોપી યશોદાબાએ ફરિયાદીને જ્ઞાતિ બાબતે અપમાનજનક શબ્દો કહી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. જ્યારે મયુરસિંહ જયેન્દ્રસિંહ ઝાલાએ ફરિયાદીને ગાળો આપી તલવાર વડે ફરિયાદીના ઘરના દરવાજા પર ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપવી હતી.
રામનાથપરા પોલીસ લાઈનમાં કચરો ફેંકવાની સામાન્ય બાબતમાં પોલીસ પરિવાર વચ્ચે આ ડખો થતા પોલીસ મેળામાં પણ ભારે ચકચાર નથી જવા પામી છે હંસાબેન દાફડાએ યશોદાબા જયેન્દ્રસિંહ ઝાલા અને મયુરસિંહ જયેન્દ્રસિંહ ઝાલા વિરોધ એટ્રોસિટી એક્ટ તેમજ જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, જયેન્દ્રસિંહ ઝાલા પોતે પોલીસ કર્મચારી છે.
જ્યારે સામા પક્ષે સુશીલાબા મદારસિંહ ઝાલા નામની 65 વર્ષીય પ્રોઢાએ હંસાબેન કાળાભાઈ દાફડા વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી છે. સુશીલાબાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત તારીખ 16 જૂનના સવારના સાડા અગિયાર વાગ્યાની આસપાસ હંસાબેન દાફડાએ ફરિયાદીના પૌત્રી યશોદાબાને તું શું કામ અમારા ક્વાર્ટર પાસે કચરો નાખશ તેમ કહી બેફામ ગાળો આપી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હતી.
ત્યારબાદ હંસાબેન દાફડાએ ઉશ્કેરાટમાં આવીને યશોદાબાનો હાથ ખેંચી ફરિયાદીને ધક્કો મારી માથાના ભાગે તથા ડાબા હાથમાં ઇજા પહોંચાડી હતી.
સુશીલાબાએ નોંધાવેલી ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, હંસાબેન અને તેના પતિએ અમારા ક્વાર્ટરનો દરવાજો ખખડાવતા મારી પૌત્રી યશોદાબાએ દરવાજો ખોલતા હંસાબેનએ મારી પૌત્રી સાથે કચરો ફેંકવાની બાબતે ઝઘડો શરૂ કરી દીધો હતો અને કહ્યું હતું કે તમે દરબાર બહુ ચગી હાલ્યા છો અને તમે હવે અહીં કેવી રીતે રહો છો એ હું જોઉં છું. હું તમારી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરીશ તેવું કહીને હુમલો કરી દીધો હતો.
હાલ એ ડિવિઝન પોલીસે સામસામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે કાયદાનું રક્ષણ કરવાની જવાબદારી સંભાળતા પોલીસકર્મીના પરિવારજનો જ જ્યારે સામાન્ય બાબતોમાં ઝઘડી પડે ત્યારે સામાન્ય પ્રજા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની મહત્વતા કેવી રીતે સમજે તે પણ એક મોટો સવાલ છે.