પાટડીમાં નવા દરવાજા ચાર રસ્તા પાસે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક કાર શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે તેની તપાસ કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વધુ તપાસ કરતા પાટડીમાં દારૂના વેચાણ માટે જથ્થો ઉતાર્યા હોવાનું જાણવા મળતા વધુ તપાસ હાથધરી છે. તો બીજી તરફ દારૂ સાથે એક આરોપી અને બે કાર કબ્જે કરી છે જ્યારે બે આરોપી ફરાર થઈ જતા તેની શોધખોળ હાથધરી છે.
બે કાર અને દારૂનો જથ્થો મળી કુલ રૂ. 16.91 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પાટડી પોલીસને મળેલી બાતમીના આધારે નવા દરવાજા ચાર રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતા ત્યારે વિષ્ણજી સોમાજી મકવાણા નામનો શખ્સ પોતાની જીજે-38-બીએ-2550 નંબરની આઈ-10 કાર મૂકી ભાગવા લાગતા પોલીસે તેનો પીછો કરી દબોચી લીધો હતો. પોલીસે તેની કારની તપાસ કરતા તેમાંથી રૂ.36,900નો દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછતાછ કરતા આ દારૂનો જથ્થો રાજસ્થાનનો મારવાડી ઉર્ફે પટેલ આપી વ્યાનુ અને નવરંગપુરા પાસે દારૂ પોતાની ગાડીમાં ભર્યો હોવાનું જણાવ્યું હતું.
જેથી પોલીસે અન્ય એક શંકાસ્પદ કાર રોકી તેની તલાશી લેતા તેમાંથી પણ રૂ.1.19 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પરંતુ પોલીસ પેટ્રોલિંગ જોઈ જતા આરોપી મારવાડી ઉર્ફે પટેલ અંધારાનો લાભ લઇ નાસી ગયો હતો. પોલીસે આરોપીની જીજે-18-બીકે-5935 નંબરની ક્રેટા કાર પણ કબ્જે કરી હતી. આ અંગે આરોપી વિષ્ણજીની વધુ પૂછતાછ કરતા પોતે આ દારૂ વહેંચવા માટે લાવ્યો હોવાની કબૂલાત આપી હતી. એટલું જ નહીં એ જથ્થામાંથી હજુ પાટડીના રાકેશ દશરથ ઠાકોર નામના શખ્સને દારૂ આપવાની પણ કેફિયત આપતા પોલીસે તેની પણ શોધખોળ હાથધરી છે.
નવરંગપુરાથી દારૂનું કટિંગ કરીને આવતા એક શખ્સને ઝડપી પાડી અન્ય આરોપીની શોધખોળ કરીને પોલીસે જંગી દારૂના જથ્થા અને બે કાર સાથે કુલ રૂ.16,91,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.