વિડીયો કોન્ફરન્સની કવોલીટી નબળી હોવાને કારણે પણ આરોપીને ઓળખવો મુશ્કેલ
ભારતીય ન્યાયપ્રણાલી લાંબી અને કોર્ટોમાં કેસોનું ભારણ વધુ હોવાને કારણે કોર્ટમાં તારીખ પે તારીખ પડતી હોય છે. ૨૦૦૮માં થયેલા બોમ્બ બ્લાસ્ટને કારણે કેટલાય લોકોના મોત થયા હતા. આ ઘટનાને ૧૦ વર્ષ થઈ ચુકયા છે.
હાલ આ બોમ્બ બ્લાસ્ટના ત્રણ આરોપીઓ સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદ છે. આ કેસ અંગેના ત્રણ આરોપીઓનું ઈન્વેસ્ટીગેશન ૧૦ વર્ષ પહેલા ભચના ડીવાયએસપી વિનય શુકલાએ કર્યું હતું. ત્યારે આ કેસને ન્યાય આપવા માટે વિનય શુકલાને કોર્ટે વિડીયો કોન્ફરન્સ દ્વારા આરોપીઓને ઓળખવાનું કહ્યું હતું પણ તેઓ નિષ્ફળ ગયા હતા.
શુકલાએ કોર્ટને કહ્યું હતું કે, ૨૦૦૮માં જયારે મેં બ્લાસ્ટના આરોપીની અટકાયત કરી હતી તેને ૧૦ વર્ષ થઈ જતા આરોપીની બોડી લેંગ્વેજ બદલાઈ ગઈ છે. તેનો વજન વધી ગયો છે અને હવે આરોપી દાઢી રાખવાની સાથે ચશ્મા પણ પહેરે છે.
જયારે મેં આરોપીનું ઈન્વેસ્ટીગેશન કર્યું હતું તેનાથી તે ખુબ જ અલગ લાગે છે માટે તેને ઓળખી શકવુ મુશ્કેલ છે. સ્પેશિયલ કોર્ટમાં ક્રોસ એકઝામીનેશન દરમ્યાન ડીવાયએસપીએ આ રીતે જવાબો આપ્યા હતા. ૨૬મી જુલાઈ ૨૦૦૮નાં બોમ્બ બ્લાસ્ટ દરમ્યાન પોલીસ ઈન્સ્પેકટર વિનથ શુકલાની પોસ્ટીંગ એલીસબ્રીજ પોલીસ તરીકે કરવામાં આવી હતી. અમદાવાદમાં થયેલા આ બ્લાસ્ટમાં ૫૬ લોકોના મોત અને ૨૦૦ લોકો ઘાયલ થયા હતા. શુકલાએ આરોપી ઈમરાન ઈબ્રાહીમ શેખ, શામશુદીન શેખ અને જાહીદ શેખની ઓળખ કરવાની હતી પરંતુ વિડીયો કોન્ફરન્સ દરમ્યાન વિડીયોની કવોલીટી પણ નબળી હોવાનું ડીવાયએસપીએ જણાવ્યું હતું.