બે દિવસ રજા પર રહેલા થોરાળાનાં પોલીસમેેને આપઘાત કરી લેતા પરિવારમાં કરૂણકલ્પાંત: જીવન ટૂંકાવી નાખનાર પોલીસમેન હોકીના સારા ખેલાડી હતા
રાજકોટના રેસકોર્ષ પાસે આવેલા પોલીસ હેડ કવાર્ટરમાં રહેતા કોન્સ્ટેબલે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.આશાસ્પદ વિપ્ર યુવાનનું અકાળે અવસાન થતા પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો છે.
બનાવ અંગેની વિગત મુજબ થોરાળા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને પોલીસ હેડકવાર્ટરમાં મારૂતીનગર બ્લોક નં.૪ રૂમ ન. ૫૨માં રહેતા આશીષભાઈ દિપકભાઈ દવે ઉ.૨૫ નામના પોલીસમેને ગઈકાલે મોડીરાત્રીનાં પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની જાણ ૧૦૮ને કરવામાં આવતા ૧૦૮ ઈ.એમ.ટી. ચિરાગભાઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા તેઓએ તપાસ કરતા કોન્સ્ટેબલ આશીષભાઈ દવેનું મોત થયું હોવાનું જાહેર કરતાવિપ્ર પરિવારમાં કરૂણ કલ્પાંત સજાર્યો હતો. બનાવ અંગેની જાણ પ્ર.નગર પોલીસ મથકે કરવામાં આવતા પીએસઆઈ બી.વી. બોરીસાગર, એ.એસ.આઈ. સુરેશભાઈ જોગરાણા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.
પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતુ કે આપઘાત કરી લેનાર આશિષભાઈ દવે પહેલા રેલનગરમાં રહેતા હતા.અને હેડ કવાર્ટરમાં ૨૦ દિવસ પહેલા જ રહેવા આવ્યા હતા તેના પિતા અગાઉ એસ.આર.પી.માં ફરજ બજાવતા હતા હાલ તેઓ હયાત નથી આશિષભાઈ દવે બેભાઈમાં નાના હતા અને તેઓનાં લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા છે. આશીષભાઈ હાલ થોરાળા પોલીસ સ્ટેશનમાં ડી. સ્ટાફમાં ફરજ બજાવે છે. પોલીસની ફરજની સાથે સાથે આશીષભાઈ હોકીની રમતમાં સારા ખેલાડી હોય તેઓ પોલીસની હોકીની ટીમમાં નેશનલ લેવલની રમત રમી ચૂકયા છે. આશીષ દવે એ કયા કારણોસર આપઘાત કરી જીવન ટુકાવી નાખ્યું તે અંગે કારણ શોધવા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.