- સાંસદના સોશિયલ મીડિયા એકાઉન્ટના એક્સ પ્લેટફોર્મ પર વીડિયો કલીપ મૂકી રાષ્ટ્ર કક્ષાએ બે કોમ વચ્ચે વૈમનસ્ય પેદા થાય તેવું કૃત્ય કરવા અંગે ગુનો નોંધાયો
જામનગરમાં વર્તમાન કોર્પોરેટર અને વિરોધ પક્ષના પૂર્વ નેતા અલ્તાફ ખફીના જન્મદિવસ નિમિત્તે સંજરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમુહ સાદી નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની ઓડિયો વીડિયો ક્લિપ ના બેકગ્રાઉન્ડ માં ઉશ્કેરણી જનક સંવાદો સાથેનું ગીત વગાડવા અંગે રાજ્યસભાના સાંસદ અને સ્થાનિક કોર્પોરેટર સામે પોલીસ માં ફરિયાદ નોંધાવાતાં ચકચાર જાગી છે.
ગત તા.29 ના રોજ જામનગર મા કોંગ્રેસના કોર્પોરેટર એવા અલ્તાફ ખફી ના જન્મદિવસે સંજરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ શાદી નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્ય સભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ અને સ્થાનિક કોર્પોરેટર ની સમુહસાદીમાં એન્ટ્રી સમયે નો વિડીયો બનાવ્યો હતો. જેને સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો છે. તેના બેક ગ્રાઉન્ડમાં હૈ ખૂન કે પ્યાસો બાત સુનો…… વાંધા જનક અને ઉશ્કેરણીજનક ગીત વગાડવામાં આવ્યું હતું. આ ઓડિયો-વીડિયો ક્લિપ વાયરલ થયા પછી મામલો ગરમાયો હતો, અને જામનગરના એક આગેવાન દ્વારા આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં એક સમાજની લાગણી દુભાય, અને બે કોમ વચ્ચે ઉશ્કેરાટ ફેલાય અને વૈમનસ્ય ઊભુ થાય તેવી ભાષાનો પ્રયોગ થયો હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
આ ફરિયાદના આધારે પોલીસે રાજ્ય સભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢી અને સમુહ શાદિ નાં આયોજક એવા કોર્પોરેટર અલ્તાફ ખફી સામે ગુનો નોંધ્યો છે. તેમજ સમૂહ શાદી સાથે જોડાયેલા અન્ય વ્યક્તિ સહિતનાઓ કે તપાસમાં જેઓના નામો ખુલે તેઓની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
મહારાષ્ટ્રના રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢી, તેમજ જામનગરના કોર્પોરેટર અલ્તાફ ખફી કે જેઓની સામે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 196, 197(1),302,299, 57, 3(5), મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં બી.એન.એસ.57 ની કલમ લગાવવામાં આવી છે, જે 10 કે તેથી વધુ વ્યક્તિઓને ઉશ્કેરણી કરે અને તેના આધારે કોઈ પણ ગુનો કરવા માટે પ્રેરાય તે રીતે તેમજ સમાજમાં વૈમન્શ્ય પેદા થાય તેવી ઉશ્કેરણી કરવા બદલ 7 વર્ષની સજાને પાત્ર છે.
આ સમગ્ર મુદ્દે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, અને આગામી સમયમાં આ મુદો વધુ ચર્ચા નું કેન્દ્ર બને તેમ પણ જાણવા મળી રહ્યું છે.જામનગરના સીટી એ. ડિવિઝનના પી.આઈ. એન.એ. ચાવડા દ્વારા સમગ્ર મામલાની તપાસ ચલાવવામાં આવી રહી છે.
વિવાદિત ક્લિપને એક જ દિવસમાં 1 લાખ 17 હજાર વ્યૂ મળ્યા
મહારાષ્ટ્રના રાજ્ય સભાના સાંસદ ઇમરાન પ્રતાપ ગઢી કે જેઓ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પોતાના ફોલોઅર્સ સાથે જોડાયેલા છે, અને તેઓના સોશિયલ મીડીયા પ્લેટફોર્મ એક્સ પર આશરે 16 લાખથી વધુ ફોલોઅર્સ છે, અને તેઓ દ્વારા મૂકવામાં આવેલી વિવાદીત પોસ્ટ કે જેને 1 લાખ 17 હજાર વ્યૂ મળ્યા હતા, તેમજ 783 લોકોએ આ પોસ્ટને રિપોસ્ટ કરી છે, તેમજ 18 લોકોએ આ પોસ્ટને ક્વોટ કરેલ છે. તેમજ 6,921 લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. જે સમગ્ર માહિતી પણ ફરિયાદ કરનારે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદની સાથે રજૂ કરી છે. જોકે હજુ સુધી આ પોસ્ટ હટાવાઇ નથી એટલે તેના વ્યુવર્સ નો ગ્રાફ ઘણો ઊંચો ગયો હશે.