રાજકોટ મીડિયા ક્લબ, રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસ આયોજીત મીડિયા ટુર્નામેન્ટનો શાનદાર પ્રારંભ

મીડિયા ઈલેવન તરફથી આશિષ નાગએ 40 બોલમાં 82 અને રક્ષિત વ્યાસએ 62 બોલમાં 87 રન ફટકાર્યા

પોલીસ કમિશનર ઈલેવન વતી સુભાષ ઘોઘારીએ 20 બોલમાં ફટકારેલા 62 રન ગેમ-ચેન્જર સાબિત થયા

રાજકોટ મીડિયા ક્લબ, રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ આયોજીત મીડિયા ક્રિકેટ ટુર્નામેન્ટ- 2023નો આજે રવિવારે તારીખ 15નાં રોજ કલેકટર અરૂણ મહેશ બાબુ અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના હસ્તે દબદબાભેર પ્રારંભ થયો હતો. ઉદ્ઘાટન મેચ પોલીસ કમિશનર ઈલેવન અને રાજકોટ મીડિયા ઈલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં અનેક ઉતાર-ચઢાવ અને રોમાંચક ટ્વિસ્ટ પછી પોલીસ કમિશનર ઈલેવનનો 12 રને વિજય થયો હતો.

પોલીસ કમિશનર ઈલેવને ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી અને નિર્ધારીત 20 ઓવરમાં 7 વિકેટના ભોગે 215 રન બનાવ્યા હતાં. જેમાં સુભાષ ઘોઘારીનાં 62 રન (20 બોલ, 7 સિકસર, 2 ચોક્કા) તથા શૌક્ત ખોરમનાં 34 બોલમાં 51 રન મુખ્ય હતા. જ્યારે જવાબમાં મીડિયા ઈલેવને પણ જોરદાર પ્રદર્શન કરતાં 20 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે 203 રન બનાવ્યા હતાં. જેમાં રક્ષિત વ્યાસનાં 62 બોલમાં નવ ચોક્કા અને ત્રણ સિકસર સાથે 87 રન તથા આશિષ નાગનાં 40 બોલમાં 80 નોટઆઉટ (6 સિકસર, 8 ચોગ્ગા) રન મુખ્ય હતાં. અંતે જીત અને મીડિયા કલબની ટીમ વચ્ચે 12 રનનું છેટું રહી ગયું હતું.

Screenshot 8 8

ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી પોલીસ કમિશનર ઈલેવનની ટીમે બી. ટી. ગોહિલ (6 રન) અને યુવરાજસિંહ જાડેજા (0 રન)ની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. એ પછી પણ કોઈ બેટ્સમેન ખાસ પ્રભાવ દર્શાવી શક્યા ન હતા. પરંતુ ઓપનર શૌક્ત ખોરમનાં 51 રન અને નવમા ક્રમે ઉતરેલા સુભાષ ઘોઘારીનાં શાનદાર 62 રનની મદદથી તેઓ 215 રનનો જંગી સ્કોર ખડકવામાં સફળ થયા હતા. સુભાષ ઘોઘારીએ તો મીડિયા ઈલેવનના બોલરોને રીતસર પોલીસ કમિશનર કચેરીનાં લીમડાનો સ્વાદ ચખાડતા હોય તેમ તેમની ધોલાઈ કરી હતી. અનિરૂદ્ધ નકુમ (4 ઓવરમાં 30 રન, 2 વિકેટ) સિવાય કોઈ બોલર પ્રભાવશાળી દેખાવ કરી શક્યા ન હતા.

215ના પહાડ જેવા સ્કોર સામે મેદાને ઉતરેલી મીડિયા ઈલેવનની ટીમે નિરવ રાજ્યગુરુ (3 રન) અને દિપેન પારેખ (8 રન)ની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. પરંતુ ઓપનર રક્ષિત વ્યાસ અને ચોથા ક્રમે આવેલા આશિષ નાગએ વિરોધી ટીમનાં બોલરોની બિનજામીનપાત્ર ધોલાઈ કરીને રીતસર રિમાન્ડ લઈ, થર્ડ ડીગ્રી અપનાવી હતી. આશિષ નાગની ઝેરી ફૂંફાડા જેવી બેટીંગ સામે પોલીસ કમિશનર ઈલેવનનાં બોલરોએ રીતસર શરણાગતિ સ્વીકારવી પડી હતી. તેણે 40 બોલમાં નોટઆઉટ 82 રન 205ની સ્ટ્રાઈક રેટથી બનાવ્યા હતા. પરંતુ પોલીસ કમિશનર ઈલેવનનાં બોલર યુવરાજસિંહ સરવૈયા (4 ઓવરમાં 21 રન, 1 વિકેટ) અને બી. ટી. ગોહિલની કરકસરથી છલોછલ બોલીંગ (4 ઓવરમાં માત્ર 16 રન)ને કારણે મીડિયા ઈલેવનનો પરાજ્ય થયો હતો.

કલેકટર અરૂણ મહેશ બાબુ અને કમિશનર રાજુ ભાર્ગવના હસ્તે ઉદ્ઘાટન

રાજકોટ મીડિયા ક્લબ, મહાનગરપાલિકા અને રાજકોટ પોલીસ દ્વારા આયોજીત આ શાનદાર ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ટોસ ઉછાળાવીને કરાવ્યું હતું અને કલેકટર અરૂણ મહેશ બાબુ પણ ઉદ્ઘાટનમાં જોડાયા હતા. આ બેઉ મહાનુભાવો સ્વયં ખેલપ્રેમી છે, અરૂણ મહેશ બાબુ તો ઉમદા સ્પોર્ટ્સમેન છે. આમ જેને ખરેખર લાયક ગણાય તેવા મહાનુભાવોના હસ્તે આ સ્પોર્ટ્સ ઈવેન્ટનું ઉદ્ઘાટન થયું હતું.

25 માર્ચે શાનદાર ડે નાઈટ ફાઈનલ મેચ

મીડિયા ટુર્નામેન્ટનાં બે સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ 25 માર્ચના રોજ રમાશે. આ રાત્રી પ્રકાશ મેચમાં શહેર પોલીસ, કલેકટર તંત્ર, મહાનગરપાલિકા, ઉદ્યોગ ક્ષેત્ર, બિલ્ડર ક્ષેત્ર સહિત અનેક ક્ષેત્રોનાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તે સાથે રાજકોટ મીડિયા જગતનાં મિત્રો પણ હાજર રહેશે. મેચ બાદ શાનદાર ભોજન સમારંભનું આયોજન પણ છે.

આયોજકોની તનતોડ મહેનત: પોલીસ વતી પીઆઈ બી. ટી. ગોહિલે ઊંડો રસ લીધો

મીડિયા ક્લબ તરફથી આયોજનમાં કોઈ જ કચાશ રાખવામાં આવી ન હતી. ક્લબનાં તુષાર રાચ્છ, કુલદીપસિંહ રાઠૌર, કમલેશ ગુપ્તા, ભીખુ રાઠોડ સહિતનાં આયોજકો આયોજન નિર્વિઘ્ને પાર પડે તે માટે ખડેપગે રહ્યા હતા અને મેચને સફળ બનાવી હતી. તેમનાં આયોજનની મહાનુભાવોએ પણ પ્રશંસા કરી હતી. બીજી તરફ પોલીસ કમિશનર ઈલેવનનું સમગ્ર સંકલન ક્રાઈમ બ્રાન્ચનાં પી.આઈ. બી. ટી. ગોહિલે કર્યું હતું. તેમણે આ મેચ સફળ બનાવવા ઊંડો રસ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.