57.08 મિનિટના ફેસબુક લાઈવમાં અઢળક રજુઆતો સાંભળી: શહેરીજનોએ 213 જેટલી કમેન્ટ્સ કરી પ્રતિભાવ આપ્યા
શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે બુધવારે સાંજે 6 ક્લાકે શહેરીજનો સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સીધો સંવાદ કર્યો હતો. કુલ 57.08 મિનિટના ફેસબુક લાઈવ મારફત પોલીસ કમિશ્નરે અઢળક રજુઆતો સાંભળી હતી. શહેરીજનોએ કુલ 213 જેટલી કમેન્ટ્સ કરીને પોતાના પ્રતિભાવ આપ્યા હતા. રાજકોટની જનતા સાથે સીધો સંવાદ કરી રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે જનતાની સમસ્યા કોમેન્ટ્સના માધ્યમથી સાંભળી હતી અને સાથે સાથે તેનો સંતોષકારક જવાબ પણ આપ્યો હતો. ફેસબુકના માધ્યમથી લાઈવ વાર્તાલાપ કરતા વ્યક્તિગત કોમેન્ટ્સ વાંચીને દરેકને જવાબ આપ્યા હતા.
પોલોસ કમિશ્નર જયારે ફેસબૂકના માધ્યમથી લોકો સાથે જોડાયા ત્યારે રાજકોટની જનતાએ મુખ્યત્વે ટ્રાફિકને લગતી સમસ્યાઓ રજૂ કરી હતી. જેમાં સોની બજાર, પારેવડી ચોક, ગ્રીનલેન્ડ ચોકડી, માધાપર ચોકડી, કોટેચા ચોક વગેરે વિસ્તારના ટ્રાફિકની સમસ્યાને દુર કરવા પગલા લેવાનું સૂચવ્યું હતું. આ ઉપરાંત જ્યાં જ્યાં સીસીટીવી કેમેરા બંધ છે તે વિસ્તારના કેમેરા શરુ કરવા વિનંતી કરી હતી.
સ્વામીનારાયણ મદિર કાલાવડ રોડ સામે અક્ષર માર્ગ બાજુના રસ્તા તરફનું ડીવાઈડર ખોલવા બાબતે જયારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે ટેકનીકલી અને લોકોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને એ ડીવાઈડર નહિ ખુલી શકે તેવો જવાબ આપતાં કોટેચા ચોક ખાતે ડિવાઈડર ખોલી નાખવામાં આવ્યું છે તેવો સંતોષકારક જવાબ આપ્યો હતો. જેમાં ઉંદર બ્રીજ પાસેથી સ્પીડમાં વાહનો આવતા હોવાથી સ્વામિનારાયણ મંદિર પાસે ડિવાઈડર ખોલવું શક્ય નથી તેવું તેમણે જણાવ્યું હતું.
શહેરીજનોએ ટ્રાફિક વોર્ડન દ્વારા કરવામાં હેરાનગતી અંગે તોડ સહિતના મુદ્દે પણ રજુઆતો કરી હતી. ત્યારે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે ટ્રાફિક વોર્ડન ટ્રાફિક નિયમન સિવાય અન્ય કોઈ પ્રવૃત્તિ કરી શકે અને તે અંગે અનેકવાર સૂચનો પણ આપી દેવામાં આવ્યા છે તેમ છતાં વધુ એકવાર સૂચના આપી દેવામાં આવશે અને જો કોઈના ધ્યાનમાં ટ્રાફિક વોર્ડન દ્વારા તોડ કર્યાની માહિતી આવે તો તાત્કાલિક ધ્યાન દોરવા પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું.
ઉપરાંત શહેરના અનેક વિસ્તારમાં રીક્ષા ચાલકો દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોય, રોંગ સાઈડ રોમિયો, વ્યાજખોરી સહીતની બાબતોમાં રજુઆતો કરવામાં આવી હતી.
રાજકોટવાસીઓને ફાંકીનું સેવન બંધ કરવા પોલીસ કમિશનરનું સૂચન
પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે પોતાના સંબોધનમાં રાજકોટવાસીઓને ફાંકીનું સેવન બંધ કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, શહેરીજનો ફાકી ખાવાનું બંધ કરે, જાહેરમાં ગાડી પર બેસીને મોડી રાત સુધી મોબાઈલનો વપરાશ, ચા-પાન ક્લચરને ઘટાડવાની જરૂરિયાત છે કારણ કે, ઘણીવાર આ બધી બાબતોને લીધે પાન બનાવો બનતા હોય છે. જો કે, તેમણે એવુ પાન જણાવ્યું હતું કે, રાજકોટના લોકો જીવનની મજા માણે છે અને પોલીસને સહકાર પણ આપે છે.
શહેરીજનોને ધુળેટી પર્વની શુભેચ્છાઓ આપી
પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે શહેરીજનોને ધુળેટી પર્વની શુભેચ્છાઓ આપતાં ઓર્ગેનિક કલરનો ઉપયોગ કરવો તેમજ કોઈને પણ હેરાનગતિ થાય તેવી રીતે ધુળેટી નહિ ઉજવવા અપીલ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ પણ પોલીસ અને પ્રેસ પરિવાર સાથે ધુળેટીનો પર્વ ઉજવે છે પણ આ ઉજવણી ડ્યુટી ફર્સ્ટના સૂત્ર સાથે કરવામાં આવે છે.
‘અબતક’ મીડિયાનો આભાર વ્યક્ત કરતા રાજુ ભાર્ગવ
રાજુ ભાર્ગવે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે સીધો સંવાદ કરવાનો જે નવતર અભિગમ દાખવ્યો તે અભિગમને કમેન્ટના માધ્યમથી ’અબતક’ મીડિયાએ બિરદાવ્યો હતો. ત્યારે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે આ તકે ’અબતક’ મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.
‘અબતક’ મીડિયાના કવિતા સિદ્ધપુરાના સજેશનને સીપીએ ગ્રાહ્ય રાખ્યું
’અબતક’ મીડિયાના સનિષ્ઠ કર્મચારી કવિતા સિધ્ધપુરાએ પોલીસ કમિશ્નરના લાઈવ દરમિયાન સજેશન આપ્યું હતું કે, તેઓ અવાર નવાર આ પ્રકારે ડિજિટલ મીડિયાના માધ્યમથી પ્રજા વચ્ચે આવતા રહે જેથી શહેરીજનો તેમની રજુઆત અને પ્રતિભાવો સીધા જ તેમને આપી શકે જે સૂચન પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે ગ્રાહ્ય રાખતા કહ્યું હતું કે, તેઓ ચોક્કસ આ વાતને ધ્યાને રાખીને અવાર નવાર લોકો વચ્ચે આવાનો પ્રયત્ન કરશે.