રાષ્ટ્ર વ્યાપી અને રાજય વ્યાપી પસરેલા નશીલા પર્દાથોની હેરાફેરી કરતા ડ્રગ્સ માફિયા ઝડપી લેવાની ચાલતી ઝુંબેશ અંતર્ગત રાજકોટ પોલીસ એકશનમાં
યુવાધનને બરબાદ થતા બચાવવા સ્કૂલ, કોલેજ અને પીજી હોસ્ટેલ પર પોલીસનું સતત ચેકીંગ રહેશે
અમદાવાદના ડ્રગ્સ માફિયા દ્વારા ચાલતા ઓનલાઇન ડ્રગ્સના વેચાણનો એટીએસની ટીમ દ્વારા કરાયેલા પર્દાફાસમાં રાજકોટમાં ડ્રગ્સનું ધુમ વેચાણ થતું હોવાનો ઘટ્ટસ્ફોટ થતા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે રાજકોટના યુવાધનને બરબાદ થતા અટકાવવા અને ડ્રગ્સ પેડલરો પર તુટી પડવા પોલીસ સ્ટાફને આદેશ કર્યો છે.
રાજકોટમાં ગાંજો, ચરસ અને એમ.ડી.ડ્રગ્સનું વેચાણ કરતા શખ્સો અવાર નવાર પોલીસ દ્વારા પકડવામાં આવે છે. તાજેતરમાં જ એસઓજી સ્ટાફે મનહરપ્લોટ અને કુવાડવા રોડ પરથી એમ.ડી.ડ્રગ્સ સાથે નામચીન મહિલા સહિત ત્રણની ધરપકડ કરી છે. ત્યારે ડ્રગ્સના ઓનલાઇન વેચાણના થતું હોવાની એટીએસની તપાસમાં ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી એટલું જ નહી રાજકોટના ઉચ્ચ કક્ષાના મહિલા અધિકારી પણ ડ્રગ્સનું સેવન કરવા મગાવ્યાનું બહાર આવતા સનસનાટી મચી ગઇ છે.
ઓનલાઇન ડ્રગ્સના ખરીદીમાં મહિલા નાયબ મામલતદાર અને અનેક માલેતુદારની સંડોવણીનો એટીએસે ઘટ્ટસ્ફોટ કર્યો
એટીએસ દ્વારા ડ્રગ્સ અંગે કરાયેલી કામગીરીના પગલે રાજયભરની પોલીસ એલર્ટ બની ગઇ છે. ડ્રગ્સના દુષણને નાથવા રાજયભરની પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાના ગૃહ વિભાગના આદેશ અનુસાર રાજકોટમાં પણ ડ્રગ્સના દુષણને અટકાવી યુવાધનને બચાવવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા એસઓજી સહિતના પોલીસ સ્ટાફને ડ્રગ્સ માફિયા પર તુટી પડવા આદેશ કર્યો છે. ડ્રગ્સ પેડલરો વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવી નેટર્વક ચલાવતા હોવાથી પોલીસ દ્વારા સ્કૂલ, કોલેજ અને હોસ્ટેલ પર ખાસ ચેકીંગ કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું છે.
એજ્યુકેશનમાં સૌરાષ્ટ્રનું રાજકોટ હબ બન્યું છે ત્યારે જુદા જુદા શહેરો અને ગામોમાંથી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ આવી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા હોય તેઓને ડ્રગ્સ પેડલરો માદક પર્દાથનું સેવન કરાવી નશાના રવાડે ચડાવ્યા બાદ નશાના આદી બનાવી તેઓને ડ્રગ્સના વેચાણમાં સામેલ કરતા હોવાથી વિદ્યાર્થીઓ ખોટા રસ્તે ન જાય અને તેની જીંદગી બરબાદ થતી અટકાવવી જરૂરી હોવાથી પોલીસ દ્વારા ડ્રગ્સ પેડલરો સામે કડક કાર્યવાહી કરી ડ્રગ્સ કયાંથી આવ્યું અને કોની કોની સંડોવણી છે તેના મુળ સુધી પહોચી સખ્ત કાર્યવાહી કરવાનો પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે નિર્દેશ આપી આપી વિદ્યાર્થીઓ અને યુવાનોમાં ડ્રગ્સ બાબતે જાગૃતિ આવે તે અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
અમદાવાદના ત્રણ શખ્સોને એટીએસની ડ્રગ્સ સાથે ધરપકડ કરી કરેલી ઉંડી પૂછપરછ દરમિયાન રાજકોટ, અમરેલી અને રાજુલામાં ડ્રગ્સનું ઓનલાઇન વેચાણ કરવામાં આવતું હોવાની વિગતો બહાર આવી છે. સાથે સાથે ડ્રગ્સ માફિયા દ્વારા મોબાઇપલ ટેપ ન થાય તેની તકેદારી રાખી વેબસાઇડ બનાવી હોવાનો અને ડ્રગ્સની ડીલીવરી ઇ કોમર્સ કંપનીના ડીલીવરીમેન દ્વારા કરવામાં આવતી હોવાનો ઘટ્ટસ્ફોટ થયો છે.