મહત્વની ગણાતી ક્રાઇમ બ્રાન્ચમાં મેહુલ ગોંડલીયા જયારે આર્થિક ગુન્હા નિવારણ શાખાના પી.આઈ. તરીકે જે એમ કૈલાની નિમણુંક
રાજકોટ શહેર પોલીસ બેડામાં આંતરિક બદલીની મોસમ ખીલી છે. રાજ્યના 235 જેટલાં પીઆઈની બદલી બાદ શહેરની મહત્વપૂર્ણ શાખાઓના પીઆઈની પણ જગ્યા ખાલી થઇ હતી ત્યારે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે 13 જેટલાં નવા-જૂના પીઆઈની આંતરિક બદલીનો ઘાણવો કાઢ્યો છે.
આંતરિક બદલીની જો વાત કરવામાં આવે તો શહેરની અત્યંત મહત્વપૂર્ણ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વાય બી જાડેજા અને બી ટી ગોહિલની બદલી થતાં બંને પીઆઈની જગ્યા ખાલી પડી ગઈ હતી ત્યારે અગાઉ તાલુકા પોલીસ સ્ટેશન જેવા મોટા વિસ્તાર ધરાવતા પોલીસ મથકની જવાબદારી બખુબી સાંભળનાર અને હાલ સુધી પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના પીઆઈ તરીકે કાર્યરત મેહુલ ગોંડલીયાની ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ તરીકે નિમણુંક કરવામાં આવી છે.
શહેરની અન્ય મહત્વપૂર્ણ બ્રાન્ચ ગણાતી એસઓજી શાખાના પીઆઈની જગ્યા પણ જે ડી ઝાલાની બદલી થયાં બાદ ખાલી પડી હતી. જે જગ્યાનો ચાર્જ શહેરમાં નવી બદલી પામીને આવેલા પીઆઈ જે એમ કૈલાને આપવામાં આવ્યો છે. જે એમ કૈલાની હાલ આર્થિક ગુન્હા નિવારણ શાખાના પીઆઈ તરીકે નિમણુંક કરવામાં આવી છે.
આ ઉપરાંત અગાઉ રાજકોટ રૂરલ એસઓજી અને સુરેન્દ્રનગર એસઓજીમાં પીઆઈ તરીકે ફરજ બજાવી ચૂકેલા એસ એમ જાડેજાને બી-ડિવિઝન, એ ડિવિઝન પીઆઈ ડી એમ હિરપરાને તાલુકા પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પીઆઈ રવિ બારોટને એ-ડિવિઝન પોલીસ સ્ટેશન, થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઈ ભાર્ગવ ઝણકાટની પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે.
માલવિયાનગર પોલીસ મથકના પીઆઈ એ બી જાડેજાને આજીડેમ પોલીસ સ્ટેશન, બી ટી અકબરી (મહિલા) પીઆઈને ગાંધીગ્રામ પોલીસ, ટ્રાફિક શાખાના એન જી વાઘેલાને થોરાળા પોલીસ સ્ટેશન, યુનિવર્સીટી પીઆઈ તરીકે એન વાય રાઠોડ, માલવિયા નગર પીઆઈ તરીકે જે આર દેસાઈ, જયારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પીઆઈ એમ જી વસાવા અને યુનિવર્સીટી પીઆઈ બી પી રજિયાને ટ્રાફિક શાખામાં મુકવામાં આવ્યા છે. ઉપરાંત એસ એસ રાણેને પીસીબી જયારે કે જે કરપડાને એમઓબી શાખામાં મુકવામાં આવ્યા છે.
એસઓજી જેવી મહત્વપૂર્ણ બ્રાન્ચનો વહીવટ ’હવાલા’થી ચલાવી લેવાશે?
એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ તરીકેનો ચાર્જ હાલ પૂરતો આર્થિક ગુન્હા નિવારણ શાખાના પીઆઈ જે એમ કૈલાને આપવામાં આવ્યો છે. ત્યારે શું આ મહત્વપૂર્ણ બ્રાન્ચનો વહીવટ ’હવાલો’ આપીને ચલાવવામાં આવશે કે પછી હજુ આ પદ પર સંપૂર્ણકાલીન પીઆઈની નિમણુંક કરવામાં આવશે તેવો સવાલ ઉભો થયો છે.
ચર્ચાનો મુદ્દો : ક્રાઇમ બ્રાન્ચના સેક્ધડ પીઆઈની પસંદગીનો કળશ કોની માથે ઢોળાશે ?
ક્રાઇમ બ્રાન્ચના બંને પીઆઈ વાય બી જાડેજા અને બી ટી ગોહિલની બદલી બાદ જગ્યાઓ ખાલી થઇ જતાં પ્રદ્યુમ્નનગર પીઆઈ મેહુલ ગોંડલીયાની ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ તરીકે નિમણુંક આપવામાં આવી છે તેમ છતાં ક્રાઇમ બ્રાન્ચમાં હજુ એક પીઆઈની જગ્યા ખાલી રહેતા સેક્ધડ પીઆઈ તરીકે કોને મુકવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. હજુ અમુક પોલીસ સ્ટેશનના પીઆઈ અને અમુક વહીવટી બ્રાન્ચમાં ફરજ બજાવતા પીઆઈની પણ બદલી કરવામાં આવી નથી ત્યારે હવે ક્રાઇમ બ્રાન્ચના બીજા પીઆઈ તરીકેનો કળશ કોની માથે ઢોળાશે તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
પીઆઈ બાદ પીએસઆઈ-એએસઆઈ અને જમાદારોની બદલીનો ઘાણવો ઉતરશે?
લાંબા સમયથી શહેર પોલીસમાં આંતરિક બદલીની ચર્ચા ચાલી રહ્યા બાદ પીઆઈની આંતરિક બદલી થતાં હવે લોકસભા ચૂંટણી અનુંસંધાને પીએસઆઈ, એએસઆઈ અને જમાદારોની બદલીનો ઘાણવો ક્યારે ઉતરશે તેની ચર્ચાઓ પણ શરૂ થઇ ગઈ છે. હવે ટૂંકા સમયમાં જ લાંબો સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા કર્મચારી-અધિકારીઓની બદલી થાય તેવું પણ જાણકારો કહી રહ્યા છે. જો કે, હવે આ બાબતમાં ’ટીમ લીડર’ના નિર્ણયની રાહ જોવાઈ રહી છે.