ઉજાગરા કરતા યુવાનોના વાહન ચેક કરી મોડી રાતે બિનજરૂરી રખડતા યુવાનોને પોલીસે ઘર ભેગા કર્યા
જયા પાર્વતી નિમિતે યુવતીઓને ગતરાતે આખી રાતનું જાગરણ હોવાથી પોલીસ દ્વારા શહેરના હરવા ફરવાના જાહેર સ્થળો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બંદોબસ્તમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ જોડાયા હતા અને તેઓએ પોલીસ બંદોબસ્તનું જાત નિરિક્ષણ કર્યુ હતું.જાગરણ નિમિતે આજી ડેમ, રેસકોર્ષ રીંગ રોડ, 150 ફુટ રીંગ રોડ પર યુવતીઓ મોડીરાતે પરિવાર સાથે ફરવા જતી હોવાથી યુવતીઓની છેડતી કે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.પોલીસ બંદોબસ્તમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, તમામ એસીપી, તમામ પોલીસ મથકના પી.આઇ. ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ અને મોટી સંખ્યામાં પીએસઆઇ સહિતનો પોલીસ સ્ટાફ જાહેર જગ્યા પર સઘન ચેકીંગ કાર્યવાહી કરી હતી.
પરિવાર સાથે ન હોય તેવા બાઇક પર ફરતા યુવાનો બીન જરૂરી રીતે રાત ઉજાગરા કરતા હતા તેઓને ઘરનો રસ્તો બતાવ્યો હતો. લુખ્ખા તત્વોને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા હતા. તેમજ મોડી રાતે બીન જરૂરી રીતે નશો કરી રખતા શખ્સો સામે કાયદાકીય કાર્યવાહી કરી હોવાથી શહેરમાં જાગરણ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.