રાત્રીના ૯ થી સવારના ૫ સુધી તમામ વાહન ચાલકોની પુછપરછ અને પોલીસનું સઘન પેટ્રોલીંગ રહેશે: પોલીસની જુદી જુદી ટીમો બનાવી લોકડાઉનનો કરાવાશે કડક અમલ
કોરોના મહામારીના પગલે સમગ્ર દેશમાં જ્યારે લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું છે ત્યારે આર્થિક રીતે લોકો હાલાકી ન ભોગવે તે હેતુસર લોકડાઉનમાંથી છુટછાટ આપવામાં આવી છે. પરંતુ રાત્રીના ૯ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી ચુસ્તપણે લોકડાઉનનું પાલન થાય તેવી રાજ્યના પોલીસવડા દ્વારા તાકીદ કરવામાં આવી છે. અગાઉ લોકોને આ સમયગાળા દરમિયાન પણ છુટછાટો આપવામાં આવતી હતી. તે સમયગાળા દરમિયાન પણ ફક્ત વાહન ડિટેઈનની કાર્યવાહી કરી હાજર દંડ વસુલી લોકો પર રહેમરાહ રાખવામાં આવતી હતી પરંતુ સાંપ્રત સ્થિતિને ધ્યાને લઈ રાજ્યના પોલીસવડા દ્વારા રાજ્યમાં રાત્રીના ૯ થી સવારના ૫ વાગ્યા સુધી ચુસ્તપણે લોકડાઉનનું પાલન કરાવવા સુચના આપવામાં આવી છે. જેના પગલે હાલ રાજકોટ શહેર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે.
આ અંગે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કહ્યું હતું કે, આશરે અઢી મહિના સુધી લોકોએ ચુસ્તપણે લોકડાઉનનું પાલન કર્યું છે. જે બાદ લોકડાઉનમાંથી મહદઅંશે મુક્તિ આપવામાં આવી છે. જેના ભાગરૂપે રાત્રીના ૯ થી સવારના ૫ વાગ્યા સુધી ઘરની બહાર બિનજરૂરી નિકળતા લોકોના વાહનો ડિટેઈન કરી તેમને સબક શિખવાડવામાં આવી રહ્યું હતું. પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ હવે રાજકોટ શહેર પોલીસ દ્વારા દરરોજ રાત્રીના ૯ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી લોકડાઉનની કડક અમલવારી કરવામાં આવશે. જેટલા પણ લોકો ઘરની બહાર રાત્રીના ૯ વાગ્યા બાદ બિનજરૂરી નિકળતા જણાશે તે સૌના વાહન ડિટેઈન કરવાની સાથે જાહેર નામાભંગનો કેસ કરી ધરપકડ કરવામાં આવશે. આ તકે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ‘અબતક’ મીડિયાના માધ્યમથી લોકોને રાત્રીના ૯ થી સવારના ૫ વાગ્યા સુધી ઘરમાં જ રહીને પોલીસને સહયોગ આપવા અપીલ કરી હતી.
લોકડાઉનની અમલવારી ચુસ્તપણે થાય તે હેતુસર રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે નાયબ પોલીસ કમિશનર ઝોન-૧ પ્રવિણકુમાર મીણા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ અને પુછપરછ હાથ ધરવામાં આવી હતી. લોકોને સુચના આપવામાં આવી હતી કે, જો તેઓ લોકડાઉનનું પાલન નહીં કરે તો તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ શહેરના બી-ડીવીઝન પોલીસ મથક હેઠળના વિસ્તારમાં મદદનીશ પોલીસ કમિશનર ઉત્તર વિભાગ એસ. આર. ટંડેલ દ્વારા સઘન ચેકિંગ અને પુછપરછ હાથ ધરવામાં આવી હતી. આ તકે એસીપી ટંડેલ દ્વારા થોકબંધ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા. તેમજ તમામ લોકોને રાત્રીના ૯ થી સવારના ૫ વાગ્યા સુધી ઘરમાં રહેવા સુચના આપવામાં આવી હતી. એસીપી આર.એસ. ટંડેલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્યના પોલીસ વડા દ્વારા લોકડાઉનનું ચુસ્તપણે અમલવારી થાય તે પ્રકારના નિર્દેશ કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગોમાં સઘન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. તેમજ કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, તમામ લોકોને અમે સમજણ આપીએ છીએ કે આ નિર્ણય પ્રજાહિતમાં છે. તો તેમાં જન ભાગીદારી અતિ આવશ્યક છે. લોકો સ્વયંભૂ સમજીને ઘરની બહાર નહીં નીકળે તો કોરોનારૂપી મહામારીને ડામી શકાશે.
માસ્ક વિના સોશિયલ સાઈટસમાં સેલ્ફી ફોટો અપલોડ કરશો તો થશે દંડ
રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ‘અબતક’ સાથે વાતચીત દરમિયાન નિવેદન આપતા કહ્યું હતું કે, રાજકોટ શહેરમાં માસ્ક પહેરવું ફરજિયાત છે. ત્યારે હવે જાહેર સ્થળ પર સેલ્ફી ફોટો માસ્ક વિના પાડી સોશિયલ સાઈટસ પર અપલોડ કરવામાં આવશે તો તે બદલ પણ દંડ ફટકારવામાં આવશે. આ કાર્યવાહી માટે સાયબર સેલની ટીમને કામે લગાડવામાં આવી છે. સાયબર સેલની ટીમ આઈવે પ્રોજેકટ દ્વારા સમગ્ર શહેરમાં બાજ નજર રાખી માસ્ક વિના ઘરની બહાર નીકળતા લોકોને પણ ઈ-મેમોના માધ્યમથી દંડ ફટકારશે.