રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ આજે અબતક મીડિયાના અતિથિ બન્યા હતા.આજરોજ અબતક મીડિયાના ઓનર સતીશકુમાર મહેતાના જન્મદિવસ નિમિતે તેઓને શુભેચ્છા રૂપે મોમેન્ટો આપી, મોઢું મીઠું કરાવી જન્મદિવસના અભિનંદન પાઠવ્યા હતા. સાથેજ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આપી કોરોનાની બીજી લહેરમાં પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલ કામગીરીની ” સેક્ધડ વેવ” બુક પણ સતીશભાઈને અર્પણ કરી હતી.
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે રાજકોટ શહેરમાં પોલીસ કમિશ્નર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ 3 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં શહેર પોલીસની ટીમ લોકોની મદદે ખડે પગે રહી છે.શહેરને ટેક્નોસેવી પોલીસ કમિશ્નર મળ્યા છે ત્યારે ટેકનોલોજી દ્વારા વિવિધ એપ્લિકેશનોના ઉપયોગ વડે ગુન્હાખોરી પર અંકુશ મેળવાયો છે તેમજ અનેક ગુન્હેગારોને પકડવામાં આવ્યા છે.સુરક્ષિતા એપ્લિકેશન, સુરક્ષા કવચ, સેફ રાજકોટ , રાજકોટ ટ્રાફિક પોલીસ સહિતની વિવિધ એપ્લિકેશનો દ્વારા સ્માર્ટ વર્ક કરી પ્રજાનો પ્રેમ કમિશ્નર અગ્રવાલ સહિતની ટીમે જીત્યો છે.શહેરમાં હર હંમેશ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય છે ત્યારે રાજકોટમાં કોવિડ19 ની પ્રથમ અને બીજી લહેરમાં દિવસરાત મહેનત કરીને પોલીસે કોરોનાનાં કેસો એક સોસાયટીમાંથી બીજી સોસાયટીમાં પ્રસરતો અટકાવ્યો છે.
જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમની રચના કરી સુપર સ્પ્રેડર્સને વેક્સિનેટ કરાયા
રાજકોટ શહેર પોલીસ મનોજ અગ્રવાલના માર્ગદર્શનથી રાજકોટ શહેરમાં કોરોના વાઈરસ સંદર્ભે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ ક્ધટેઈમેન્ટ ઝોનમાં નિયમોનું પાલન થાય અને ક્વોરન્ટાઈન કરેલ લોકો બહાર ન નીકળે તે માટે જે.ઈ.ટી. (જોઈન્ટ એન્ફોર્સમેંટ ટીમ)ની રચના કરવામાં આવેલ છે. ટીમમાં દરેક વોર્ડના ઈન્ચાર્જ તરીકે પોલીસ સબ ઈન્સ્પેકટર કક્ષાના અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. કુલ 18 વોર્ડમાં 18 ટીમ બનાવી સતત કોરોના દર્દીઓ પર વોચ રાખવામાં આવી હતી. પીએસઆઈ પોતાના વોર્ડના પ્રભારી સાથે મળીને ક્વોરન્ટાઈન કરેલ લોકો નિયમ ભંગ ન કરે તે અંગેની તકેદારી રાખે છે અને તેઓના ફોનમાં સેફ રાજકોટ એપ્લીકેશન ડાઉનલોડ કરી જીપીએસ સીસ્ટમ મારફત સતત તેઓની દેખરેખ રાખવામાં આવે છે. જો લોકો નિયમ ભંગ કરે તો તેઓ વિરુધ્ધ ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે અને વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરે તો તે સમરસ ક્વોરન્ટાઈન સેન્ટર ખેત શિફટ કરવાની કામગીરી કરવામાં આવે છે.
મહિલાઓની વિશેષ સુરક્ષા માટે દુર્ગા શક્તિ ગૃપની સ્થાપના કરાઇ સુરક્ષિતા એપ્લીકેશન મારફત અનેક મહિલાઓને ત્વરીત ન્યાય અપાયો
રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શનથી આજથી દોઢ વર્ષ પહેલાં રાજકોટ શહેરની મહિલા પોલીસનો ઉપયોગ કરી દુર્ગા-શક્તિ ટીમની રચના કરવામાં આવેલ હતી. મહિલાઓની સુરક્ષા અને સ્વાભિમાન માટે આ ટીમ હંમેશા કાર્યરત રહે છે કોરોના કાળમાં દુર્ગા-શક્તિ ટીમ દ્વારા ‘પ્રોજેક્ટ નમન’ સીનીયર સીટીઝનને મદદ કરવામાં અભૂત-પૂર્વ ઉદાહરણ પૂરા પાડ્યા છે.
માલવીયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક વૃધ્ધને પૈસા પરત મેળવવા માટે દુર્ગા-શક્તિ ટીમ દ્વારા મદદ કરવામાં આવી છે. આ વૃધ્ધ દ્વારા દુર્ગા-શક્તિ ટીમને આર્શિવાદ આપવામાં આવ્યા હતાં. જ્યારે એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક વૃદ્વના ઘરનો દરવાજો વાવાઝોડા દરમિયાન તૂટી ગયો હતો જે દુર્ગા-શક્તિ ટીમ દ્વારા રીપેર કરી આપવામાં આવ્યો હતો અને માનવતાનું ઉદાહરણ પુરું પાડવામાં આવ્યું હતું.
કોરોના કેસો ભલે નહીંવત હોઈ, લોકોએ તકેદારી રાખવી ખુબજ જરૂરી: મનોજ અગ્રવાલ
અબતક મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પ્રજાજોગ સંદેશો પાઠવતા જણાવ્યું હતું કે હાલ રાજકોટ શહેરમાં કોરોનાનાં કેસો ભલે નહીંવત હોઈ પરંતુ લોકોને સાવચેત રહેવું ખુબજ જરૂરી છે.ત્રીજી લહેર ને ધ્યાને લઈ કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે .લોકોએ પોતાનું તથા પરિવારજનોનું ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે.
પોલીસ કમિશ્નર અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે શહેરની જનતાએ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં પોલીસને ખુબજ સાથ સહકાર આપ્યો છે.લોકોને વિનંતી છે કે હજુ પણ માસ્ક પહેરજો, સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરજો અને કોરોનાની તમામ ગાઈડલાઈન ને અનુસરજો.હાલમાં વેક્સીન જ રામબાણ ઈલાજ હોઈ શહેરની જનતાને વેક્સીન સમયસર લેવા માટે વિનંતી કરી છે.