- પીઆઈ વસાવા અને ગામિતને ટ્રાફિક, આઈ.એન.સાવલીયાને એરપોર્ટ, એસ.આર.મેઘાણીને લીવ રિઝર્વ, એચ.એન.પટેલને યુનિવર્સિટી પોલીસમાં મુકાયા
રાજકોટમાં પોલીસ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી બદલીનો દોર ચાલી રહ્યો છે ત્યારે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા શહેરમાં ફરજ બજાવતા વધુ પાંચ પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે.
રાજકોટના ચકચારી અગ્નિકાંડ બાદ રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની તાત્કાલિક ધોરણે બદલી કરી તેના સ્થાને નવનિયુક્ત પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાને રાજકોટ પોલીસ કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. ચાર્જ સંભાળ્યાના થોડા સમય બાદ જ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કર્યા હોય તેમ પીઆઇ, પીએસઆઇ અને કોન્સ્ટેબલ સહિતના જવાનોની અરસપરસ બદલી કરી હતી.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા જે બદલીઓ કરવામાં આવી હતી તે બાબતનો હજુ પોલીસ બેડામાં ગણગણાટ શરૂ છે. ત્યાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા રાજકોટ શહેરમાં ફરજ બજાવતા વધુ પાંચ પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં યુનિવર્સિટી ના પીઆઈ એમ.જી.વસાવા ટ્રાફિકમાં, ટ્રાફિકના પીઆઇ આઈ.એન.સાવલીયાને એરપોર્ટ પોલીસ મથકમાં, ટ્રાફિક શાખાના પીઆઈ એસ.આર.મેઘાણીને લીવ રિઝર્વમાં, રીડર શાખાના પીઆઈ એચ.એન.પટેલને યુનિવર્સિટી પોલીસ મથકમાં અને એરપોર્ટના પીઆઇ જે.એસ.ગામીતની ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે.
શહેર પોલીસના 11 કોન્સ્ટેબલની બઢતી સાથે બદલી
શહેર પોલીસમાં ફરજ બજાવતા 11 કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન આપી બદલીનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. એસઓજીના વિરદેવસિંહ જાડેજાને યુનિવર્સીટી, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સાગર માવદિયાને એ ડિવિઝન, માલવિયાનગરના ગિરિરાજસિંહ ઝાલાને યુનિવર્સીટી, યુનિવર્સીટીના દિવ્યરાજસિંહ જાડેજા, ટ્રાફિક શાખાના શ્રદ્ધાબેન રામાણીને એ ડિવિઝન, પ્ર.નગરના બ્રિન્દાબેન ગોહેલ, મહિલા પોલીસ સ્ટેશનના ખુશાલી ગોહેલને એ ડિવિઝન, ટ્રાફિક શાખાના વિજય નકુમને એ ડિવિઝન, બી ડિવિઝનના હરેશકુમાર સારદિયાને યુનિવર્સીટી, ભક્તિનગરના રાહુલ ઠાકુરને યુનિવર્સીટી અને પીસીબીના કુલદીપસિંહ જાડેજાને બઢતી આપવામાં આવી છે.