રાત્રી કફર્યુમાં કામ વગર બહાર નીકળતો તો પોલીસનો ભેટો થશે: પોલીસને જાહેરનામાનો કડક અમલ કરાવવા આદેશ
શહેરમાં નાતાલ પર્વ,થર્ટી ફસ્ટ અને નવા વર્ષની ધમાકેદાર લોકો ઉજવણી કરવાના છે. પરંતુ આ તહેવાર દરમિયાન કોરોનાનું સંક્રમણ ઘટે તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ તહેવારોમાં લોકોએ ટોળે ન વળવું કારણ કે ટોળે વળવાથી કોરોના સંક્રમણ ફેલાવાની ભીતિ રહે છે. રાત્રી કફર્યુ દરમિયાન બિન જરૂરી રીતે બહાર નીકળનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. લગ્ન કે ઉજવણી પ્રસંગે ૧૦૦થી વધુ લોકો એકઠા નહીં થઈ શકે અને આ માટે ગુજરાત પોર્ટલ પર પોલીસની મંજૂરી મેળવવી જરૂરી છે. આ ઉપરાંત શાકમાર્કેટ, શાકભાજીના હરરાજીના સ્થળો, ખાણીપીણીના સ્થળો, સોપીંગ મોલ્સ, બસ સ્ટેન્ડ સહિતની જગ્યાઓ પર લોકોને ટોળે વળવા પ્રતિબંધ ફરમાવાયો છે. આ સાથે જ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પાર્ટી પ્લોટસ, જાહેર સ્થળો કે બાગ-બગીચામાં ભેગા થનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
રંગીલા રાજકોટની જનતાને અનલોક-૧ થી અનલોક-૭ દરમિયાન શહેર પોલીસને ખુબજ સહકાર આપેલ છે. આગામી તહેવારોના સમયે પણ સાથ સહકાર આપે તેવી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેર જનતાને અપીલ કરી છે.
નવેમ્બર માસમાં ૪૬૨૬ લોકો રાત્રી કફર્યુમાં નિકળતા દંડાયા
શહેરમાં ગત ૨૧ નવેમ્બરથી ૨૧ ડિસેમ્બર સુધીમાં શહેર પોલીસે રાત્રી કફર્યુમાં ખુલ્લેઆમ ભાટકતા ૪૬૨૪ લોકો સામે જાહેરનામા ભંગના કેસ કર્યા છે. રાત્રી કફર્યુ સમયે પણ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવનાર લોકો સામે ૨૩૩ કેસ કરાયા છે. આ ઉપરાંત રાત્રી કફર્યુમાં કામ વગર બહાર નીકળનાર લોકોના ૪૦૦૫ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે. અનલોક-૭ દરમિયાન માસ્ક અને થુંકવાના ૧૬૮૮૮ કેસ કરવામાં આવ્યા છે.