રાજકોટ શહેરમાં તા.15 થી 24 દરમિયાન નવરાત્રી પર્વ નિમિતે યોજાતા પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થીતી જાળવવા માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા ગરબા આયોજકો સાથે હેમુ ગઢવી હોલ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરમાં 30 જેટલા અર્વાચીન રાસોત્સવ અને 550 જેટલી પ્રાચીન ગરબીનું આયોજન થાય છે. આ ઉપરાંત વેલકમ નવરાત્રી અને બાય બાય નવરાત્રી જેવા વન-ડે રાસોત્સવના આયોજન થતા હોય છે. ધાર્મિક ઉત્સવની મર્યાદા અને કાયદો-વ્યવસ્થા જાળવવાના હેતુ સર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા યોજાયેલી બેઠકમાં 55 થી 60 જેટલા ગરબા આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. યોગ્ય માત્રામાં માઇક સીસ્ટમ રાખવી અને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રાત્રે બાર વાગે માઇક બંધ કરવા ફરજીયાત છે. આ અંગે ગરબા આયોજકો અને પોલીસ વચ્ચે સંકલન જળવાય રહે તે માટે તમામ આયોજકોએ પોલીસને સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
રાતે બાર વાગ્યે લાઉડ સ્પીકર બંધ કરવા, પાર્કીંગમાં સીસીટીવી ફરજિયાત અને મેડિકલ ઈમરજન્સી અંગેની તમામ વ્યવસ્થા કરવા તાકીદ
અવાર્ચીન રાસોત્સવમાં મોટી ભીડ થતી હોવાથી ત્યાં ટ્રાફિક નિયમન અને યોગ્ય પાર્કીંગ વ્યવસ્થા જરુરી છે. વાહન પાર્કીગ સ્થળે સીસીટીવી કેમેરા લગાવવા, ગરબા આયોજકોએ સીઆરપી ટ્રેનિંગ લેવી અને ગ્રાઉન્ડમાં મેડિકલ ઇમરજન્સી અંગે ખાસ વ્યવસ્થા રાખવા અપીલ કરી છે. આ અંગે પોલીસ દ્વારા પરમીશન આપવામાં આવશે ત્યારે ગરબા આયોજકો પાસેથી બાહેધરી લેવામાં આવશે તેમ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું છે.
હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલી ગરબા આયોજક અને પોલીસ વચ્ચેની બેઠકમાં જોઇન્ટ પોલીસ કમિસનર વિધી ચૌધરી, ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝેન-1 સજજનસિંહ પરમાર, ડીસીપી ઝોન-2 સુધિરકુમાર દેસાઇ, ક્રાઇમ બ્રાન્ચ એસીબી બી.બી.બસીયા, સાયબર ક્રાઇમ એસીપી વિશાલકુમાર રબારી, ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ. વાય.બી.જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.