કોટક કન્યા વિદ્યામંદિરમાં શાળા પ્રવેશોત્સવની નમૂનેદાર ઉજવણી
કાર્યક્રમથી પ્રભાવિત પોલીસ કમિશનરશ્રી ગેહલોતે તમામ નવાગંતુક બાળાઓને પેન અને સ્કેચપેન સેટ ભેટ આપ્યા
વિદ્યાર્થી જ્યારે, એક શાળામાંથી બીજી શાળામાં પ્રવેશ મેળવે ત્યારેતેમને નવી શાળાના માહોલ-પરિવેશમાં અનુકૂલન સાધવા સમય લાગતો હોય છે. નૂતન સત્રારંભે બાળકને નવા મિત્રો અને શિક્ષકો સાથે સંકલન કેળવવું પડે છે.
પણ, જો તેને એક અનોખા એટલે કે મનપસંદ વાતાવરણ સાથે જ આવકારવામાં આવે તો તે વિદ્યાર્થી શાળા પરિવારમાં સરળતાથી અનુકુળ થઇ જાય છે.
એવું જ બન્યું કોટક કન્યા વિદ્યામંદિરમાં. શાળા પ્રવેશોત્સવની અહીં શાનદાર ઉજવણી કરવામાં આવી અને તે પણ એવી રીતે તે નવાગંતુક છાત્રાઓને મજ્જા પડી જાય !! અહીં શાળા પ્રવેશોત્સવ તેમના માટે ઉજાણી બની ગઇ.
ધોરણ નવમાં પ્રવેશ મેળનારી છાત્રોઓને આવકારવા ‘સિનિયર સ્ટુડન્ટ’નું શાનદાર સ્ટેજ પર્ફોમન્સ
રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની આ વખતની ૧૬માં ચરણમાં તેનું ફલક વિસ્તારવામાં આવ્યું છે અને માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.
તે અંતર્ગત શહેરના મોટી ટાંકી ચોક પાસે આવેલી કોટક કન્યા વિદ્યામંદિરમાં તેની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન હતા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત.
કાર્યક્રમનો પ્રારંભ મનુષ્ય ગૌરવ ગાન સાથે થયો. પણ, તેની પ્રસ્તુતી એવી અદ્દભૂત રીતે થઇ કે તેને જોઇ એવું ચોક્કસ લાગે કે આ સિનિયર સ્ટુડન્ટ્સે આ માટે ઘણા દિવસની મહેનત કરી છે.
ને…છાત્રાઓને ચિચિયારી અને હર્ષોલ્લાસ સાથે ‘જુનિયર સ્ટુડન્સ’ને આવકારી
તે બાદ સ્વાગત ગીત રજૂ થયું. ગીતના શબ્દો હતા મંગલ ઘડી આઇ. છાત્રાઓએ ઉત્સાહપૂર્વક પર્ફોમન્સ કર્યું કે પ્રેક્ષક છાત્રાઓ હર્ષોલ્લાસ સાથે ઝૂમી હતી અને ધોરણ-૯ની કતારબદ્ધ બેઠેલી વિદ્યાર્થિનીઓ આનંદિત થઇ ઉઠી.
એ બાદની કૃતિ હતી યોગાસનો. અહીં કોટક સ્કૂલની છાત્રાઓએ મહિષાસુર મર્દિની સ્ત્રોત્ર સાથે એવા ફ્યુઝન યોગાસનો રજૂ કર્યા કે પોલીસ કમિશનરશ્રી ગેહલોતને એમના પ્રવચનમાં એવું કહેવું પડ્યું કે યોગાસનો રજૂ કરવાની ગુણવત્તા ઓલમ્પિક જેવી હતી.
ટીવી એંકરને પણ ઝાંખા પાડી દે તે રીતે દીકરીઓ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરાયું
શાળા પ્રવેશોત્સવના સમગ્ર કાર્યક્રમમાં ઉદ્દઘોષણા છાત્રો દ્વારા જ કરવાની હોય છે. અહીં આ શાળાની રાબિયા તથા ઋત્વિ નામની બે છાત્રાઓએ કોઇ ટીવી એંકરને પણ ઝાંખા પાડે એ પ્રકારે સમગ્ર કાર્યક્રમનું નેરેશન કર્યું.
તો બીજી બાજું પર્યાવરણ, જળ બચાવો જેવા વિષયો પર પ્રવચન આપનાર દીકરીઓએ પણ પોતાની સવાઇ વકતૃત્વ કલાનું નિર્દેશન કર્યું. તેમના પ્રવચન દરમિયાન સ્વરના આરોહ-અવરોહ, શબ્દો પરની પક્કડ કોઇ સારા ભાષણકારને શરમાવે એવું હતું.
આ કાર્યક્રમથી પોલીસ કમિશનરશ્રી એવા પ્રભાવિત થયા કે તેમણે ધોરણ નવની તમામ બાળાઓને એકએક પેન અને એકએક સ્કેચપેનનો સેટ ભેટ સ્વરૂપે આપ્યો.
આ વેળાએ શાળા પરિવારના શ્રી નવીનભાઇ ઠક્કર, શ્રીમતી અલ્કાબેન કામદાર, શ્રીમતી વિણાબેન પાંધી, શ્રીમતી દેવીબેન ભાસ્કર, શ્રીમતી માલાબેન કુંડલિયા, શ્રીમતી વંદનાબેન બદિયાળી, શ્રી મુકેશભાઇ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.