ટોળા સામે રાયોટિંગની અને તેજાબી વકતા કાજલ હિન્દુસ્તાની સામે ગુનો નોંધાયો: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો
રામનવમીના દિવસે ભડકાઉ ભાષણ કરતા તંગદીલી સર્જાય હતી
ગીર સોમનાથના ઉનામાં રામનવમી પર પ્રખર વક્તા કાજલ હિન્દૂસ્તાનીના ભાષણ બાદ પ્રવર્તેલ પરિસ્થિતિ વચ્ચે બંને જૂથે પોલીસની હાજરીમાં સમાધાન કર્યાના ગણતરીના કલાકો બાદ શનિવારે મોડી સાંજે શહેરમાં બે સ્થળોએ ટોળાએ કરેલ પથ્થરમારાના પગલે તંગદીલી પ્રસરી હતી. જો કે, રાત્રીના જ જૂનાગઢથી રેંજ આઈજી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઉના દોડી આવી કોમ્બીગ હાથ ધરીને 60 જેટલા તોફાની તત્વોને રાઉન્ડઅપ કરી પરિસ્થિતિ કાબુમાં લઈ લીધી છે.
આ સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસે એક કાજલ હિન્દુસ્તાની સામે ભડકાઉ ભાષણ અંગે તથા બીજો પથ્થરમારા અંગે તોફાની તત્વો સામે રાયોટીંગ સહિતની કલમો હેઠળ બે ગુનાઓ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હાલ સમગ્ર ઉનામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ઉનામાં શનિવારે પોલીસે બોલાવેલ શાંતિ સમિતિની બેઠકમાં થયેલ ઘર્ષણ બાદ સમાધાનના ઘટનાક્રમ પછી ગણતરીના કલાકોમાં જ શહેરમાં ફરી તંગદીલીભર્યો માહોલ સર્જાયો હતો. જેમાં શહેરના કુંભારવાડા અને ભોંયવાડા બે વિસ્તારોમાં બંન્ને કોમના લોકો સામસામે આવી જતાં પથ્થરમારાની ઘટના બની હતી.
આ જૂથ અથડામણની ઘટનાની જાણ થતા જ ગીર સોમનાથ જિલ્લાનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં ઉપરથી આદેશો છૂટતા જ રેન્જ આઈ.જી. તથા જૂનાગઢના પોલીસવડા પણ ઉના દોડી આવ્યા હતા. આ સાથે એસ.આર.પી.એફ. ટૂકડી પણ બંદોબસ્ત માટે તૈનાત કરાઈ હતી.
બાદમાં મોડી રાત્રીના જ ઉનાના અસરગ્રસ્ત અને સંવેદનશીલ વિસ્તારોમાં મોટા પોલીસ કાફલાએ કોમ્બિગ હાથ ધરીને 60થી વધુ તોફાની તત્વોને ઝડપી પાડયા હતા. આ કાર્યવાહીમાં પોલીસને મોટી માત્રામાં પથ્થરો, તલવાર, લોખંડના પાઈપો, સોડા બોટલો, લાકડીઓ સહિત જીવલેણ હથીયારો પણ મળી આવ્યા છે. બેકાબુ ટોળાએ મકાન અને વાહનમાં તોડફોડ કરી છે.
આ સમગ્ર ઘટનાક્રમ અંગે ઉના પોલીસમાં ભડકાઉ ભાષણ કરવા બદલ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ આઈ.પી.સી.ની કલમ 153(એ) અને 295 (એ) હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. જયારે પથ્થરમારા અને અથડામણની ઘટના અંગે 76 લોકોના નામજોગ સહિત 200 લોકોના ટોળા સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.