સરહદી તનાવના કારણે દ્વારકા અને સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરાયો: સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું સઘન ચેકીંગ: રાજયની તમામ ચેક પોસ્ટ પર વાહનનું ચેકીંગ: રેલવે, બસ સ્ટેશન અને એરપોર્ટ પર પોલીસની બાજ નજર
ભારતે એર સ્ટ્રાઇક કરી આંતકી અડ્ડાઓ નષ્ટ કરતા આંતર રાષ્ટ્રીય સરહદ પર સર્જાયેલા તનાવના પગલે રાજયમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસે રાજયના સંવેદનસીલ ગણાતા શહેરોમાં સઘન પેટ્રોલિંગ, સોમનાથ અને દ્વારકા મંદિરની સુરક્ષામાં વધારો કરવા ઉપરાંત રેલવે-બસ સ્ટેશન અને એરપોર્ટ પર પોલીસ દ્વારા ચેકીંગ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
એર સ્ટ્રાઇકના કારણે પાકિસ્તાન છમકલું કરે તેવી દહેશત સાથે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.પાકિસ્તાન સરહદે બનાસકાંઠા અને કચ્છનો કેટલોક વિસ્તાર જમીન માર્ગે જોડાયેલો છે. ત્યારે જામનગર અને કચ્છનો વિસ્તાર દરિયાઇ માર્ગે જોડાયેલો હોવાથી પાકિસ્તાન વળતો હુમલો કરે તેવી દહેશત સાથે જામનગર અને કચ્છમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. જામનગર જિલ્લામાં સુપ્રસિધ્ધ દ્વારકા મંદિર અને જામનગર એરપોર્ફનું મથક હોવાથી જામનગર જિલ્લાના પોલીસ તંત્રને સુરક્ષાની તમામ તકેદારી રાખવા હુકમ કરાયો છે.
અમદાવાદના કાલુપુર અને દરિયાપુર વિસ્તાર સંવેદનશીલ હોવાથી કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે બંને વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત સોમનાથ મંદિર પર વધારાની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને સમગ્ર રાજયના બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને એરપોર્ટ ખાતે પોલીસે ચેકીંગ કાર્યવાહી કરી હતી. રાજયના ભીડભાડવાળા વિસ્તારમાં સલામતિ માટે કોઇ શંકાસ્પદ વસ્તુ ધ્યાને આવે તો પોલીસનું ધ્યાને લાવવા અનુરોધ કર્યો છે.