“પોલીસદળના જવાનો કેટલીક વાર પોતાના સ્વબચાવ અને હિતો માટે પણ બેદરકાર હોય છે
ધરમ કરતા ધાડ પડે
પોરબંદર જીલ્લામાં બગવદર ખાતે જ્યારે ફોજદાર જયદેવની નિમણૂંક થઇ ત્યારે બગવદરમાં ફોજદારી ક્વાર્ટર ખાલી ન હતુ અને ગામમાં પણ કોઇ સારુ મકાન મળે તેમ ન હતું. તેથી જયદેવે પોરબંદર ચોપાટી પાસે આવેલા સ્ટેટના લાલ બંગલા પાસે મકાન ભાડે રાખેલુ અને બગવદરી મોટર સાયકલ ઉપર અપ-ડાઉન કરતો હતો.
આ રીતે એક દિવસ બપોરના એક દોઢ વાગ્યે તે બગવદરી પોરબંદર આવી હનુમાન ગુફા પોલીસ ચોકી પાસેથી પસાર થઇ ચોપાટી તરફ જતો હતો. હનુમાન ગુફા ચોકી સામે જ ચાર રસ્તા પડે છે. ત્યાં આવતા જયદેવે દૂરી જ જોયુ તો એક ત્રણ સવારી બુલેટ મોટર સાયકલને ચોકીના કોન્સ્ટેબલે રોકેલુ અને એન.સી. ફરિયાદ લખવાની કોશિષ કરતો હતો ત્યાં ત્રણે જણાએ મોટર સાયકલ ઉભુ રાખી નીચે ઉતરી કોન્સ્ટેબલને ઘેરી લીધેલો અને એક જણે તો તેનો હાથ પણ પકડી લીધેલ અને લગભગ કોન્સ્ટેબલને મેથી પાક આપવાની જ તૈયારી હતી.
જયદેવ પોતાનું મોટર સાયકલ ત્યાં જ લીધુ અને મોટર સાયકલમાંથી જ ન્યાયદંડ કાઢી ત્રણે જણાની આકરી સરભરા કરી. કોન્સ્ટેબલને હાશકારો થયો અને કહ્યુ સાહેબ આજે તમારા હિસાબે હું બચી ગયો નહિં તો મારી હાલત ખરાબ જ થવાની હતી.
જયદેવે આ ત્રણે ઇસમોને હનુમાન ગુફા પોલીસચોકી લીધા અને તેને ખબર હતી કે કોન્સ્ટેબલને કાંઇ આવડતુ નહિં હોય અને કાયદેસર કરશેપણ નહિં તેથી પોતે જ કોરા કાગળો કાઢીને કોન્સ્ટેબલની સરકારી ફરજમાં રુકાવટ અને હુમલાની એફઆઇઆર લખી આપવા ત્રણેના નામ કામ અને મોટર સાયકલના નંબરો નોંધ્યા અને એફઆઇઆર લખવાનું શરુ કર્યુ ત્યાં જ આ ત્રણે ઇસમોએ આજીજી કરી હવે ભૂલ નહિં થાય તેમ કહી કરગરવા લાગ્યા.
આથી આ કોન્સ્ટેબલ ગઢવી એ જ જયદેવને વિનંતી કરી કે સાહેબ “કીડીને કોેશનો ડામ રહેવા દયો. હું પોતે જ આમના વિરુધ્ધ મોટર વ્હીકલ એક્ટ મુજ એન.સી. ફરિયાદ મૂકી દઉ છું. જયદેવને પણ ભૂખ બરાબર લાગી હતી તેણે કાગળો પાછા પોર્ટ ફોલીયામાં મૂકી દીધા. અને ગઢવીને કહ્યું કે જો જો એન.સી. ફરિયાદ અવશ્ય મુકાઇ જવી જોઇએ અને તે રવાના થયો.
બીજે દિવસે સાંજે કોર્ટ ડ્યુટી કોન્સ્ટેબલનો પોરબંદરી જયદેવ ઉપર બગવદરટેલીફોન આવ્યો કે આજે તમારા વિરુધ્ધ અને હનુમાન ગુફા ચોકી કોન્સ્ટેબલ ગઢવી વિરુધ્ધ માર મારવાની ફરિયાદ કોર્ટમાં દાખલ થયેલ છે. ફરિયાદી પક્ષ જૂનાગઢ જીલ્લાનો નામાંકીત અને ગર્ભશ્રીમંત પરિવાર સમેજી બ્રધર્સ છે.
આ લોકો સાથે સીપીઆઇ પણ હતા. આ સમેજા પાર્ટીએ એક આઇ.પી.એસ અધિકારી વિરુધ્ધ ફરિયાદ કરેલ અને તે ઉચ્ચ પોલીસ અધિકારીને જુનાગઢ સેસન્સ કોર્ટમાં સજા પણ થયેલી પરંતુ આખરે મહામહેનતે અને ભોગે હાઇકોર્ટમાં સમાધાન થયેલું તે જ પાર્ટી હતી.
તેથી જયદેવનેધ્રાસ્કો પડ્યો કે હવે તો પાર્ટી સાથે એક પોલીસ અધિકારી પણ છે તો હવે મામલો ગંભીર બની ગયો. જયદેવે કોર્ટ ડ્યુટી કોન્સ્ટેબલને પૂછ્યુ કે તપાસ કોણ પોલીસ અધિકારીને આપેલ છે. તેથી તેણે સરકારી વકીલને પૂછીને કહ્યું કે સીપીઆઇ પોરબંદરને જ તપાસ સોંપેલ છે. જયદેવને થયુ ભારે કરી આ તો ગુનેગારોને જ ‘ઘરના ભુવા અને ઘરના ડાકલા’ વાળી સુવિધા અને ‘મોસાળમાં જમણ અને તેમાં પણ પીરસનારીમાં પોતે’ હોય તેવી અનુકૂળતા થઇ ગઇ. વળી આ પાર્ટી સમાધાન પણ કરતી નથી તેથી ખૂબ મુશ્કેલી થઇ.આ તો કોન્સ્ટેબલ ગઢવીને મદદ કરવા જતા પોતે ફસાયાનો અહેસાસ થયો.
આ બનાવ હનુમાનગુફા ચોકીએ બનેલો તે સમયે જયદેવ બગવદર સ્ટેશન ડાયરીમાં ચોરીની તપાસમાં પાલખડા અને રાતડી હતું. પરંતુ બીજુ અગત્યનું કામ આવી જતા જયદેવ રાતડી, પાલખડા જઇ શકેલો નહિં. પરંતુ આ તેના વિરુધ્ધની કોર્ટ ફરિયાદનાસમાચાર મળ્યા એટલે જયદેવજીપ લઇને બીજે જ દિવસે ડીસ્ટાફને લઇ બરાબર અગીયાર વાગ્યે તે ગામડાઓમાં પહોંચી ગયો અને જે નિવેદનો લેવાના હતા તે એક-એક વ્યક્તિને બોલાવી નિવેદનો લીધા.
જયદેવ બહાર ક્યાંય જમતો નહિં હોવા છતા રાતડીના સમુદ્ર તટે આવેલ એક ફાર્મહાઉસમાં જમવાનું ગોઠવી ત્યાં જ નિવેદનો લીધા અને બીજા ગામડાઓમાં જઇ નિવેદનો લીધા. રાતડી આવી દરિયાકાંઠે મહેમાન ગતી માણી ડી.સ્ટાફ સાથે જમીને ત્રણેક વાગ્યે રવાના થયા. પરંતુ આ કાર્યક્રમી ચોરીના ફરિયાદી અને ફાર્મહાઉસવાળા પણ ખુશ થઇ ગયા હતાં.
આ બાજુ સીપીઆઇએ જયદેવને આ ખાનગી ફરિયાદ અંગે ખબર ન પડે તે માટે પાકી તકેદારી રાખેલી. જયદેવને થયુ હનુમાન ગુફા ચોકીના કોન્સ્ટેબલે ગઢવીએ એન.સી. ફરિયાદ મૂકી કેમ ? તેની ખાત્રી કરવી જોઇએ. તેથી જયદેવે પોરબંદર આવી ગઢવીને આ અંગે પૂછ્યુ તો ગઢવી કહ્યુ કે ‘સાહેબ તમે ગયા પછી આ ત્રણે જણા મને પગે લાગ્યા માફી માગી કરી ગયા તેથી મેં તેમને એન.સી. ફરિયાદ મુક્યા સિવાય જવા દીધેલ છે. જયદેવને આંચકો તો લાગ્યો પણ કહ્યું કે કાંઇ વાંધો નહિં હવે એન.સી. ફરિયાદ મૂકી દ્યો તો તેણે કહ્યુ સાહેબ મને તેમના નામ આવડતા નથી અને મોટર સાયકલના નંબર પણ યાદ નથી
તેમ કહી ગઢવી રડવા જેવો થઇ ગયો. જયદેવે કહ્યું ચિંતા નહિ અને પોતાનું પોર્ટફોલીયું ખોલી તેમાં જે તે વખતે એફ.આઇ.આર તૈયાર કરવા જે ત્રણે ઇસમોના નામ, ઠામ અને નંબર લેખલો ટાંચણ કાગળ પડ્યો હતો. તે કાઢીને ગઢવીને આપ્યો. આમ રદી કાગળ પણ “સંઘર્યા સાપ પણ કામ લાગે તેમ કામ લાગ્યો. આથી ગઢવીએ જે તે સમયની જ મોટર વ્હીકલ એક્ટ મુજબની એન.સી. ફરિયાદ તૈયાર કરી અને જયદેવ જ ગઢવીને લઇ શીતલા ચોક એ ડીવીઝન પોલીસ સ્ટેશને ગયો અને સાથે રહીને જ પબ્લીક એન.સી. રજીસ્ટરમાં નોંધ કરાવી એન.સી. ફરિયાદ કોર્ટમાં તેને જ રુબરુ આપવા માટે રવાના કર્યા.
તે કોર્ટમાં એન.સી. ફરિયાદ આપીને આવ્યા પછી જયદેવે તેને ભવિષ્યે કેવી રીતે નિવેદન આપવુ તે સમજાવી દીધા બે એક મહિના બાદ સીપીઆઇએ આ સી.આર.પી.સી. કલમ-૨૦૨ મુજબ આવેલ તપાસ શરુ કરી. સૌ પ્રથમ હનુમાન ગુફા કોન્સ્ટેબલ ગઢવીનું નિવેદન લીધું. ગઢવીએ પોતે કરેલ કાર્યવાહી અંગે જણાવીને મુકેલ એમ.વી. એક્ટ મુજબની એન.સી. ફરિયાદની નકલ પણ રજૂ કરી. સીપીઆઇએ ગઢવીને કહ્યું કે તમે તો બહુ હોશિયાર લાગો છો !
તે પછી સીપીઆઇએ પત્ર લખી બગવદર ફોજદાર જયદેવની વિકલી ડાયરીની નકલાેમાંગી. જયદેવે ગામાથાએ કરેલ તેની તેની કેસ ડાયરીની નકલ પણ સીપીઆઇને મોકલી આપી. આથી સીપીઆઇએ રાતડી અને અન્ય ગામે જયદેવે લીધેલ નિવેદનો વાળી વ્યક્તિઓને પૂછપરછ કરી આ તમામ લોકોએ કહ્યું કે હા બરાબર બે મહિના પહેલા એક દિવસ બગવદર ફોજદાર જીપ અને ડી સ્ટાફ સાથે આવેલા અને અગીયાર વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી ફોજદાર જયદેવ ડી સ્ટાફના ઓડેદરા તથા જોષી સાથે જ અહિં હતા અને જમવાનો કાર્યક્રમ પણ અહિં રાખ્યો હતો. આમ સીપીઆઇ પોતાના જૂના સંબંધ મિત્રતાની રુપે સમેજા બંધુઓને ફાયદો કરાવી શક્યા નહિં. પરંતુ જયદેવે તે દિવસથી નોંધ લીધીકે પારકી આશા સદાય નિરાશા. કેમ કે પોલીસ કર્મચારીઓ પોતાના હીત બાબતમાં પણ ઘણા બેદરકાર હોય છે તેવું અનુભવે જણાયું છે.
બીજા એક બનાવમાં બપોરના ચારેક વાગ્યે જયદેવ તપાસમાં ગામડાઓમાં જવા માટે તૈયાર તો હતો ત્યાં જ પોલીસ સ્ટેશનમાં ગામ લોકોનું એક ટોળુ આવ્યુ આ ટોળામાં એક સાધુ જેવો સફેદ કપડાધારી બાવો પણ હતો. આ બાવો હિન્દી ભાષામાં શ્રાપ આપતો હતો કે દુષ્ટો ભગવાન તુમ કો માફ નહિં કરેગા સબ દુ:ખી હો જાઓગે વિગેરે. આ ટોળામાં તમામ બોલતા હોય ગણ ગણાટ અને દેકારો જ સંભાળતો હતો કોઇ સ્પષ્ટ હકીકત સમજાતી ન હતી. જયદેવે તમામને વડના ઝાડ નીચે બેસાડ્યા અને બંને પક્ષોને અલગ-અલગ સાંભળવાનું નક્કી કર્યુ.
મુળ બાબત એવી હતી કે બગવદરમાં એક પ્રાથમીક શાળાના શિક્ષક રહેતા હતા તેમનું વતન પણ તેજ હતું અને ખાતેદાર ખેડૂત પણ હતા. આ શિક્ષક પરિવાર તેમના વંશ પરંપરાગત રીતે ધાર્મિક અને પરોપકારી સ્વભાવના હતા. શિક્ષકના પિતાના સમયથી આ બાવો તેમના ઘેર આવતો અને બે-ચાર દિવસ મહેમાનગતી કરી દક્ષિણા લઇ જતો રહેતો. શિક્ષકના પિતા ગુજરી ગયા પછી આ દેવાનંદ કટવાળા બાવાએ તેનો આવવાનો કાર્યક્રમ ચાલુ જ રાખેલો કેમ કે ગામડાના લોકો માણસવલા અને મહેમાનવલા વધારે હોય પુરુ માન પાન આપતા.
આમ તો ‘સાધુ ચલતા ભલા’ અને સંન્યાસી સામાન્યરીતે એક રાત્રિથી વધારે ક્યાંય મુકામ કરે નહિં. અને મુકામ વધુ કરે તો બને ત્યા સુધી કોઇ ધર્મ સ્થાનો. મંદિરો કે ધર્મશાળામાં રોકાય પણ કોઇ સુખી ગૃહસ્ને વધારાનું મકાન ઉતારા પ્રકારનું હોય તેમાં મુકામ કરે. પરંતુ સાચો સંત સંન્યાસી ગૃહસ્ના ઘરમાં રોકાય નહિં. પરંતુ આ મૂર્તિ તો તેના ભક્ત શિક્ષક ગૃહસ્થીને ઘેર જ મુકામ કરતા અને વળી પોતે એકલવીર હતાં.
આપણા ગુજરાતીઓ અને તેમાં પણ ગ્રામ્ય વિસ્તારના લોકોને જો કોઇ વ્યક્તિ હિન્દીમાં લહેકાી વાત કરી બે-ત્રણ રામાયણની ચોપાઇઓ અને શાોની બે-ત્રણ વાતો કરે એટલે ઓછા-ઓછા થવા લાગે. તેમાં પણ એમ કહે કે પોતે અમુક વર્ષ હિમાલયમાં તપ કરેલ છે કે પોતાના ગુુરુ હિમાલયમાં સિધ્ધ સંત હોવાની વાત કરતા જ અહો ભાવી મહેમાન ગતી તો શું આખુ ઘર શરણેધરી દેતા હોય છે.
અને પછી જે નાટકો અને ભવાડા થાય અને જ્યારે આવી બાબતો સમાચાર પત્રોમાં કે લોકચર્ચામાં આવે અને ભોપાળા બહાર આવે ત્યારે સમાજમાં ચકચાર તો મચી જાય છે. પરંતુ આને કારણે ઘણા નબળા મનના લોકોની ધર્મ પ્રત્યે શ્રધ્ધા અને આસ પણ તૂટે છે. આથી આવા તક સાધુઓને કારણે નાસ્તીકતા ઉત્પન્ન થાય અને નાસ્તીકતાને કારણે સામાજીક આચાર વ્યવસ તૂટતા, વ્યભિચાર, વિશ્વાસઘાત, ચોરી વિગેરે બનાવો બને છે.
અને આ તમામ પાપોના કારણે આ ઠગ ભગત જ હોય છે. ધર્મનું પણ કાયદા જેવુ છે, કાયદાનો જાણકાર જેમ વધુ જવાબદાર અને ગંભીર ગુનેગાર ગણાય તેમ આવા ધર્મના ઓઠાનીચે હલકા કાર્યો કરનાર વધુ પાપી અને નીચ ગણાય તેવુ જયદેવ માનતો હતો.
આવા તક-ઠગ સાધુઓ માટે બરડા ડુંગરમાં થઇ ગયેલા મહાન સંતશ્રી ત્રિકમાચાર્યજીએ તેમના “જ્ઞાન-પ્રકાશમાં જણાવેલ છે કે “સંતના તત્વજ્ઞાન ગ્રંથ :
તે ફેરવ્યા પાખંડી પેટ ભરવા,
શાકહે કળીયુગના :
મર્મ ધર્મ પાખંડ વર્તાશે,
આવા ઠેકેદાર દંભી ધાર્મિકો અને આશ્રમોવાળા ગુરુઓને કારણે હવે બુધ્ધિજીવી ધાર્મિકો અને શ્રધ્ધાળુઓની મનોસ્થિતિ પણ “દૂધનો દાજ્યો છાશ ફુંકીને પીવે તેવી થઇ ગઇ છે. જો કદાચ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે વસુદેવ શ્રી ક્રિષ્ણ પણ જો જાતે આવે તો લોકો તેમને પણ હવે તે પોતે હોવાના પૂરાવા રજૂ કરવા પડે તેવી પરિસ્થિતિ થઇ ગઇ છે. જયદેવના મતે તો સાચા સંત અને સાધુ પોતાના માટે નહિ પણ આ ઇશ્વર સર્જીત સમાજ માટે જ સમર્પિત હોય છે.
ફોજદાર જયદેવે પ્રથમ એક બે પીઢ આગેવાનોને પોતાની ચેમ્બરમાં રજૂઆત માટે બોલવ્યા ત્યાં જ પેલા બાવાએ વાંધો રજૂ કર્યો “નહિં પહેલે મેરી ફરિયાદ લેલો આથી જયદેવ આગેવાનોને બેસાડી પહેલા બાવાને ચેમ્બરમાં બોલાવ્યો. બાવાએ આવતા વેંત જ જયદેવ ને કહ્યું કે મારી ઉપર હુમલો કરી લૂંટી લેવા પ્રયત્ન કર્યાની ફરિયાદ લખી લો. જયદેવને નવાઇ લાગી કે જે કુટુંબ બે પેઢીથી આશરો આપી સંત તરીકે પુજા કરી દાન દક્ષિણા આપતુ હોય તે કુટુંબની શિક્ષિત વ્યક્તિ હુમલો કરી લૂંટી લેવા પ્રયત્ન કઇ રીતે કરી શકે ?
જયદેવે આ બનાવ કઇ રીતે અને ખરેખર શું બન્યો તે જાણવા માટે આ બાવાને વિગતે પુછપરછ કરી. બાવાએ સીધુ જ કહ્યું કે મેરે પાસ દક્ષિણા કે પાંચ હજાર રુપિયે હૈ વો ભગત (શિક્ષક)ને મેરે પાસ સે છીનને કે કોશિષ કી હૈ. આથી જયદેવે ડી સ્ટાફને બોલાવીને કહ્યું કે તમે આને પી.એસ.ઓ. પાસે લઇને બેસો અને શિક્ષકને ચેમ્બરમાં મોકલવા જણાવ્યુ. ભગત શિક્ષકે કહ્યું “સાહેબ મારે આજે જ પગાર થયો છે. એટલે મેં ઘેર આવી મારી પત્નીને આ મારાજ ની હાજરી માં જ પગારનું કવર આપી કબાટમાં મુકી દેવા કહ્યું .
મારી પત્નીએ કબાટમાં જ મુક્યું. મને મનમાં તો શંકા ઇ પણ સંકોચને કારણે બોલ્યો નહિં કે પગાર કબાટમાં તાળા ચાવીમાં રાખ. મારાજ આમ તો માળા ફેરવતા હતા પણ તેમનું ધ્યાન અમારી વાતો ઉપર હતું અને બધુ જોતા હતા. તે પછી હું બારુમમાં નહાવા માટે ગયો અને થોડીવારમાં જ પાછો આવ્યો ત્યાં ભગવાનના ગોંખમાં રાખેલું પગારનું કવર ગુમ હતું તેથી મેં તુરત જ મારી પત્નીને પુછ્યુ તો તેણે કહ્યું કે તમારી નજર સામે જ મેં તે ભગવાનના ગોંખમાં મુક્યું હતું. કોઇ ઘરમાં આવ્યુ પણ નથી.
આ વાત-ચીત ચાલતી હતી ત્યારે આ મારાજ આંખો બંધ કરી માળા ફેરવવાનો ઢોંગ કરતા હતા. આથી મે આ કવર અંગે મારાજને જ ૫ૂછતા તેઓ સિધ્ધા જ ઉશ્કેરાઇ ગયા અને કહ્યું “ક્યા તુમ મેરે કો ચોર લુંટેરા સમજતે હો ? તેમ બોલી રાડારાડ થતા પડોશીઓ એકઠા થઇ ગયા. આથી આ બાવો ખૂબ ગુસ્સે થઇ ગયો અને તમામ માસણોની હાજરીમાં જ તેણે કહ્યું કે “મૈં અભી પુલીસ થાને જાતા હું ઔર દરોગા ભગત તો કમ્પલેન કરતા હું કી મેરે ઉપર ગલત ઇલજામ લગાકે બેઇજ્જત કર રહે હૈ તેમ કહી તેઓ અહિં આવતા અમે તમામ પણ અહિં આવ્યા છીએ
જયદેવે શિક્ષકને પૂછ્યુ કે તમારોપગાર કેટલો હતો ? તેણે કહ્યું સાહેબ જૂના પગાર ધોરણ મુજબ તો પાંચ હજાર હતો પણ નવા પગાર ધોરણ અને ઉચ્ચત્તર પગાર ધોરણને કારણે હાલ દસ હજાર ઉપર પગાર મળે છે. જયદેવે મનમાં તાળો મેળવ્યો કે બાવો તો પાંચ હજારનું કહેતો હતો.
તેથી જયદેવે શિક્ષકને જ પૂછ્યુ કે અગાઉ આ બાવા સાથે પગાર અંગે કાંઇ ક્યારેય વાતચીત થયલી ? તો તેણે કહ્યું છે મારાજ થોડા વર્ષો પહેલા આવેલા અને ત્રણ-ચાર દિવસ રોંકાયેલા તેથી તેમની સાથે સંતથી શું છુપાવવું તેમ માની ઘરની તમામ વાતો કરતા તે વખતે તેમણે જ પૂછેલું કે ભગત પગાર કેટલો આવે ? તેથી મેં કહેલ કે પાંચ હજાર આથી જયદેવને આ કોયડાનો ઉકેલ મળતો હોય તેમ લાગ્યું.
આથી જયદેવે પાંચેક આગેવાનોને બાવા સાથે ચેમ્બરમાં બોલાવ્યા અને તમામની હાજરીમાં વાતચીત કરી બાવાને પૂછ્યુ શું છે બાપુ ? તો બાવા એ એ જ જૂની કેસેટ વગાડી કે “મેરે પાસ દક્ષિણા કે પાંચ હજાર રુપિયે થે વો ભગતને છીનને કી કોશિષ કી હૈ જયદેવે તમામને ચૂપ રહેવાનું કહ્યું અને બાવા પાસેથી કહેવાતી દક્ષિતાનું કવર કાઢી લીધું. અને બાવાને જ પૂછ્યુ કે આ પાંચ હજાર રુપિયામાં કેટલા-કેટલા દરની નોટો છે ?
આથી બાવો મુંઝાયો અને ઉશ્કેરાને બોલ્યો તો ક્યા હમ કો જો દક્ષિણા મીલતી હૈ વો કીતને કીતને દર કી નોટ હૈ વો ભી હમકો યાદ રખની પડેગી ? ગીન લો પાંચ હજાર રુપિયે હૈ- જ્યાદા તર તો સોસો કે દર કી નોટ હોંગી. જયદેવે બાવા તથા તમામ લોકોની હાજરીમાં જાદુગરની અદાથી પગારનું કવર ખોલ્યુ તો તેમાં રુપિયા એક હજારના દરની બે નોટ, પાંચસો રુપિયાના દરની નોટ નંગ સોળ અને રુપિય સાથે ના દરની નોટ ફક્ત એક જ નીકળતા બાવો જાહેરમાં ખોટો પડ્યો આથી તે ઉશ્કેરાઇ ગયો અને ધ્રૂજવા લાગ્યો અને બોલવા લાગ્યો કે “કલી કાળ આ ગયા હૈ કીસી કે હદય મેં રામ નહિં હૈ જયદેવે બાવાને પૂછ્યુ હવે ?તેણે કહ્યું મેરી બેઇજ્જતી કી હૈ અપમાન કીયા હૈ ભગવાન માફ નહિં કરેગા મેરી બે ઇજ્જતી કી ફરિયાદ લેલો જયદેવે શિક્ષકને કહ્યું ભાઇ ભગા તું હવે ચોરીની ફરિયાદ આપી દે.
પરંતુ શિક્ષકે ધાર્મિકતા અને લોક લાજે અવા આ ધર્મના ઠેકેદારના શ્રાપના ભયે બાવાને માફ કર્યાનો દંભ કર્યો. પરંતુ બાવાએ તો પોતાની ધાર્મિક બેઇજ્જતી કર્યાની ફરિયાદ લખાવવાનો જ આગ્રહ રાખ્યો પણ એવો કોઇ ફોજદારી ગુન્હો બનતો નહિં. લોકોએ જ કહ્યું હવે બાવાને જ રવાના કરી દેવો. જયદેવે પોલીસ જવાનોને કહ્યું આ બાવાને જામખંભાળીયા તરફ જતા ટ્રકમાં બેસાડી રવાના કરી.
પરંતુ પોલીસ કમર્ીઓએ રોડ ઉપર જઇ જે પહેલો ટ્રક આવ્યો તેમાં બેસાડી દીધો તે ટ્રક પોરબંદર જતો હતો. બાવાએ પોરબંદર આવી પોતાના અન્ય કોઇ આવા લાગણીશીલ આશિક ભગત ને મળી પોતાને પોલીસે અન્યાય કર્યાની ફરિયાદ કરી. વળીઆ ભગત પણ ર્આકિ સધ્ધર હતા તેમણે બાવાને વકીલ જ પોતાના ખર્ચે રોકી દીધો. વકીલે બાવાની વાત સાંભળી કહ્યું કે આમાં કોઇ પોલીસ વિરુધ્ધ ફરિયાદ થાય નહિં છતા આશિક ભગતના આગ્રહી તેના ખર્ચે અને જોખમે ફક્ત ફોજદાર જયદેવ વિરુધ્ધ જ કોર્ટમાં ખોટી માર-મારવાની અને ગોંઘી રાખ્યાની ફરિયાદ દાખલ કરાવી. આમ આ બાવા એ જ બસ્સો વર્ષ પહેલાની કવિ અખાની મર્મ વાણી સાચી ઠેરવી. અખાએ પોતાની ધાર્મિક ભાષા છપ્પામાં જણાવે છે કે
‘લીલા વૃક્ષની ઓઠે રહે, જેમ પારઘી પશુને ગ્રહે,
એમ હરીને ઓઠે ધુતારા ઘણા, ઉપાય કરે કનક કામીની તણા :
અખાએ ગુરુ શું મુકે પાર, જેના શિષ્ય ગદર્ભ અને ગંવાર.’
જયદેવ વિરુધ્ધનો આ કેસ પોરબંદર ન્યાયાલયમાં આઠ વર્ષ સુધી ચાલેલો. જે તારીખે જયદેવ કોર્ટમાં આવે તે જ દિવસે આ બાવો કાં તો તેના વકીલ બીજી મુદ્ત માંગી લે. આખરે બુધ્ધી જીવી વકીલે જ પોતાની ફાઇલ બાવાને પાછી આપી દીધી. બાવો ત્રણેક મુદ્ત ગેરહાજર રહેતા કેસમાંથી જયદેેવનો છુટકારો થયેલો. પણ બાવાએ આ અદાલતી ચુકાદા સામે સેસન્સ કોર્ટમાં ર્વ્ય અપીલ પણ કરેલી અને તેનો બે-ત્રણ વર્ષે નિકાલ યેલ. આમ શિક્ષક ભગતને તો ધરમ કરતા ધાડ પડેલી. પરંતુ જયદેવને આ બંને કિસ્સામાં સહકાર-મદદ કરતા સંકટ જ ઉભુ યેલું.