- રાજકોટના જંગલેશ્ર્વર વિસ્તારમાં કુખ્યાત ડ્રગ્સ પેડલરના ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કરી દેવાયું
- હવે પોલીસ પર હુમલો કરનાર ભાણુનો વારો: ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવી દેવા તૈયારીઓ
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 100 કલાકમાં વારંવાર ગુનો કરવાની ટેવ ધરાવતા અસામાજિક તત્વોની યાદી કરવા તૈયાર કરવા આદેશ આપ્યા બાદ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાની આગેવાની હેઠળ રાજકોટ શહેર પોલીસ દ્વારા 756 ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી હતી અને આ યાદી જાહેર કર્યાની ગણતરીની કલાકોમાં જ શહેર પોલીસ દ્વારા ડ્રગ પેડલરના જંગલેશ્વર સ્થિત મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. હજુ આગામી દિવસોમાં અનેક કુખ્યાત ગુનેગારોની ગેરકાયદે મિલકત પર બુલડોઝર ફેરવી તેમની કમ્મર તોડી નાખવા પોલીસે તૈયારી શરૂ કરી દીધાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે રાજકોટ શહેર પોલીસની ટીમ સાથે બે વાર ઝપાઝપી કરનાર કુખ્યાત માજીદ ભાણુંના ગેરકાયદેસર મકાન ઉપર પણ બુલડોઝર ફેરવવા તંત્ર દ્વારા તખ્ત તૈયાર કરી લેવામાં આવ્યો છે.
શહેરના જંગલેશ્વર વિસ્તારમાં બુધવારે સાંજે સાડાપાંચ વાગ્યે પોલીસના ધાડા ઉતરી પડ્યા હતા. આ વિસ્તારમાં અનેક ગુનેગારો રહેતા હોય કોઇ મોટી રેડ હશે તેવું ત્યાંના લોકો વિચારી રહ્યા હતા તે વખતે જ જેસીબી સાથે મહાનગરપાલિકાની ટીમ પહોંચી હતી તો સાથે પીજીવીસીએલનો સ્ટાફ પણ હાજર થઇ ગયો હતો. જંગલેશ્વર શેરી નં.6માં આવેલા કુખ્યાત રમાના પતિ જાવિદ જુણેજાએ બનાવેલા બે માળના મકાન પાસે જેસીબી ઊભું રહી ગયું હતું, બે માળના મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર ચાર ઓરડી અને ઉપરના માળે ચાર ઓરડી બનાવેલી હતી અને તે તમામમાં ભાડુઆતો રહેતા હતા, પોલીસે ભાડુઆતોને બહાર કાઢ્યા હતા. પીજીવીસીએલની ટીમે વીજ કનેક્શન કાપી નાખ્યું હતું અને તે સાથે જ મહાનગરપાલિકાની ટીમના સભ્યો મકાનની અગાસી પર પહોંચી ઘણ મારવા લાગ્યા હતા મકાનને ખોખલું કર્યા બાદ જેસીબીએ પળવારમાં જ મકાનને ધરાશાયી કરી દીધું હતું.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર છ મહિના પહેલા એસઓજીની ટીમે દરોડો પાડી આ મકાનમાંથી 51 કિલો ગાંજા સાથે જાવિદ જુણેજા અને તેના સાગરીતોને પકડ્યા હતા અને તે તમામ આરોપીઓ જેલમાં છે. રમા અને તેના પતિ જાવિદનું પોલીસના હિટલિસ્ટમાં નામ આવતા જ પોલીસે મંગળવારે મહાનગરપાલિકાને જાણ કરી ડિમોલિશનની નોટિસ આપવા કહ્યું હતું. મનપાએ મંગળવારે વધુ એક વખત નોટિસ આપી હતી અને બુધવારે પોલીસે રમાના પતિ જાવિદ જુણેજાના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવી દીધું હતું.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ જણાવ્યું હતું કે, પોલીસવડાની સૂચના મુજબ શહેર પોલીસ હરકતમાં આવી ગઇ હતી અને એકથી વધુ ગુનામાં સંડોવાયેલા ગુનેગારોની યાદી તૈયાર કરી હતી. તેમાંથી 756 ટોપમોસ્ટ ગુનેગારની ફાઇનલ યાદી તૈયાર કરી દેવાઇ છે, આ યાદીમાં સામેલ ગુનેગારોની તમામ બાબતની તપાસ કરી નિયમાનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે. જંગલેશ્વરમાં જાવિદ જુણેજાના મકાનનું ડિમોલિશન કરી દેવાયું છે. આગામી ગણતરીની કલાકોમાં ભીસ્તીવાડના માજિદ ભાણુના મકાન પર પણ બુલડોઝર ફરી વળશે. તેના ગેરકાયદે મકાન અંગે મહાનગરપાલિકાએ નોટિસ આપી દીધી છે હવે પોલીસ સાથે રહીને મકાનને ધરાશાયી કરી દેશે. હવે કુખ્યાત માજીદ ભાણુના ગેરકાયદે મકાન પર પણ બુલડોઝર ફેરવી દેવા તખ્ત તૈયાર કરી લેવામાં આવ્યો છે.
રાજકોટ રેન્જના પાંચ જિલ્લામાં 1917 લુખ્ખાઓની યાદી તૈયાર કરી 224ના અટકાયતી પગલાં લેવાયા
રાજકોટ રેન્જ આઇ.જી અશોક કુમાર યાદવના નેતૃત્વમાં રાજકોટ રેન્જ હેઠળ આવતા પાંચ જિલ્લામાં કુલ 1917 લુખ્ખા તત્વોની યાદી તૈયાર કરી સો કલાકમાં જ 224 ઇસમોના અટકાયતી પગલા લઈ લેવામાં આવ્યા છે. ઉપરાંત ચાર જીપી એક્ટ હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે. વધુમાં રેન્જ હસ્તકના પાંચ જિલ્લામાં છ ખનન માફિયાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ઉપરાંત નવ ગુંડા તત્વોના ગેરકાયદે બાંધકામ ઉપર પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. પાંચ જિલ્લામાં અસામાજિક તત્વોના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર વીજ જોડાણ લઈ વીજ ચોરી કરવામાં આવતી હોય તેની ખરાઈ કરી 71 ઈસમોના મકાન ઉપર ચેકિંગ હાથ ધરી 50ને વીજ ચોરી કરતા ઝડપી લઇ રૂ. 25.27 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે આઠ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવ્યા છે અને બે વિરુદ્ધ એલ.સી ગુના પણ દાખલ કરવામાં આવ્યા છે.
વધુ 35 અસામાજિક તત્વો વિરુદ્ધ ધોકો ઉગામતી રાજકોટ ગ્રામ્ય પોલીસ
રાજકોટ રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની આગેવાની હેઠળ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા વધુ 35 અસામાજિક તત્વો વિરુદ્ધ ધોકો પછાડી આકરી કાર્યવાહી કરવામાં આવી છે. જે કાર્યવાહી અંગે વાત કરવામાં આવે તો કોટડા સાંગાણી પોલીસના પીઆઈ આર એમ રાઠોડ દ્વારા અવારનવાર મિલકત સંબંધી તથા શરીર સંબંધી તેમજ દારૂ-જુગારના ગુના આચરતા આરોપીઓનું હિટ લિસ્ટ તૈયાર કરી તેમના ગેરકાયદે વીજ કનેક્શનની તપાસ હાથ ધરી ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વીરપુર પોલીસ દ્વારા આ પ્રકારે કાર્યવાહી હાથ ધરી બે ગુનેગારોના વીજ કનેક્શન કાપી રૂ. 70 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે ભાડલા પોલીસ દ્વારા પણ બે ગુનેગારોના ગેરકાયદેસર વીજ જોડાણ રદ કરી રૂ. 30,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. ધોરાજી તાલુકા પોલીસ દ્વારા લીસ્ટેડ બુટલેગર રમેશ ભીખા મકવાણા રહે સુપેડી વાળાને ત્યાં દડો પાડી ઇંગ્લિશ દારૂની 58 બોટલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ રમેશ ભીખા મકવાણા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે બીજી બાજુ ભાડા કરાર નહીં કરનાર
નીરવ રમેશ દુધાત્રા વિરુદ્ધ પણ એલ આર ગોહિલની ટીમે ગુનો દાખલ કર્યો છે. વિછીયા પોલીસ દ્વારા કુલ 32 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. જે તત્વોના રહેણાંક અને બિન અધિકૃત વીજ કનેક્શનની ખરાઈ કરતા બે શખ્સો ગેરકાયદે વીજ જોડાણ ધરાવતા હોય તેમનું જોડાણ રદ કરી રૂ. 19,000નો દંડ ફટકારી ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત વિછીયા પોલીસ દ્વારા ફક્ત 100 કલાકમાં એક તત્વને પાસા, એકને હદપારી કરવામાં આવી છે જ્યારે દારૂના 14 કેસો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 90 વાહનો ચેક કરી રૂ.4500 નો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉપલેટા પોલીસ દ્વારા કોમ્બિંગ નાઈટ યોજી 4 વાહનો ડીટેઇન કરી 5,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે ગેરકાયદે ખનીજ વહન કરતા ચાર ડમ્પરને ઝડપી લઇ અંદાજીત સાત લાખથી વધુનો દંડ ફટકારવા કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી આકરી કાર્યવાહીથી ગુનેગાર આલમમાં અપરાધ મચી જવા પામ્યો છે.
ડીસીપી ઝોન-2 જગદીશ બંગરવાની અધ્યક્ષતામાં રૈયાધાર વિસ્તારમાં કોમ્બિંગ
અસામાજિક તત્વો પર ધોસ બોલાવા તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા મામલે જ્યારે પોલીસ દ્વારા આકરી કાર્યવાહીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ શહેર ડીસીપી ઝોન-2 જગદીશ બંગરવાની અધ્યક્ષતામાં યુનિવર્સિટી પોલીસની ટીમો દ્વારા રૈયાધાર વિસ્તારમાં ફલેગમાર્ચ અને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વારંવાર ગુના આચરતા તત્વોના મકાન અને વીજ જોડાણ સહિતની બાબતોની પણ ખરાઈ કરવામાં આવી હતી. આ ફ્લેગમાર્ચ દરમિયાન ડીસીપી જગદીશ બંગરવાની સાથે યુનિવર્સિટી પોલીસના પીઆઈ એચ એન પટેલ અને તેમની ટીમ તેમજ એલસીબી ઝોન-2ના કર્મચારીઓ હાજર રહ્યા હતા.