લ્યો બોલો.. ચોરી કરી કીમતી દસ્તાવેજો પસ્તીમાં દઈ દીધા
લાખો-કરોડોના જમીન કૌભાંડો છુપાવવા રેકર્ડની ચોરી કરાયાની ચર્ચા વચ્ચે બે તસ્કરોએ મોજ શોખ માટે ચોરી કર્યાની કબૂલાત આપતા ચકચારી પકરણ પર પડદો પાડી દીધાની ચર્ચા
રાજકોટ નજીકના વાવડીમાં આવેલી મનપાની વોર્ડ ઓફિસની ઉપર ગ્રામ પંચાયતની કચેરી પણ બેસતી હતી. જ્યાં રાખવામાં આવેલ રેવન્યુ રેકર્ડની ચોરી થતાં અનેક પ્રકારની શંકાઓ ઉભી થઇ હતી. લાખો-કરોડોના જમીન કૌભાંડો છૂપાવવા આ ચોરી કરાવાયાની શંકા વ્યક્ત થઇ હતી. હાલ ચાર મહિના પહેલાની ચોરીનો તાલુકા પોલીસે ભેદ ઉકેલવાનો દાવો કરી મનપામાં કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર કામ કરતા બે આરોપીઓ પ્રકાશ સુરેશ મકવાણા (ઉ.વ.૩૬, રહે. ઠક્કરબાપા આવાસ, ડો. યાજ્ઞિક રોડ) અને મનુ કાનાભાઈ બેરડીયા (ઉ.વ.૪૦, રહે. નટરાજનગર મફતીયાપરા, સાધુ વાસવાણી રોડ)ની ધરપકડ કરી છે.
વિગતો મુજબ પોલીસે જણાવ્યા પ્રમાણે બંને આરોપીઓ વાવડી વોર્ડ ઓફિસમાં કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર નોકરી કરતા હતા. બંને ગટર સાફ કરવાનું કામ કરતા હતા. એટલું જ નહીં કોઇ ફરિયાદ મળે તો છોટા હાથી લઇને ગટર સાફ કરવા જતા હતા. બાકીનો સમય વાવડીની ઓફિસના નીચેના ભાગે બેસી રહેતા હતા. ઉપરના માળે જ્યાં રેવન્યુ રેકર્ડ રાખવામાં આવતું હતું ત્યાં બંને આરોપીઓ જમવા પણ બેસતા હતા. રવિવારે અને બુધવારે જ્યારે નીચે સેનિટરી ઇન્સ્પેક્ટરની ઓફિસમાં કોઇ હાજર ન હોય અને કોન્ટ્રાક્ટર એક કલાક માટે જમવા ગયો હોય ત્યારે બંને આરોપીઓ કબાટમાંથી રેવન્યુ રેકર્ડ ચોરી તેને પોતાના છોટા હાથીમાં નાખી વાવડી ૪૦ ફૂટના રોડ ઉપર આવેલા પસ્તી ભંગારના ડેલામાં આપી આવતા હતા.આ રીતે બંને આરોપીઓએ પાંચેક વખત રેવન્યુ રેકર્ડની ચોરી કરી હતી. તેમાંથી અંદાજે બેથી અઢી હજાર જેવી રકમ મળી હતી. જે મોજશોખ પાછળ ખર્ચ કરી નાખી હતી. વાવડી વિસ્તારમાં જમીન બાબતેના મોટાપાયે વાંધા ચાલતા હતા. આ સ્થિતિમાં કોઇ મોટા કાવતરાના ભાગરૂપે રેવન્યુ રેકર્ડની ચોરી કરાયાની શંકા જાણકારો વ્યક્ત કરતા હતા. પરંતુ ચર્ચાનો વિષય તે છે કે આ પોલીસ તપાસમાં સાવ નવી વિગતો જ બહાર આવી છે. જેથી ચકચારી પકરણ પર પડદો પાડી દીધાની હાલ ચર્ચા થઈ રહી છે.
ઉલ્લેખનિય છે કે,ગઇ તા.૧૮ માર્ચના રોજ તાલુકા મામલતદાર કે.કે. કરમટાએ આ ચોરી અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે વાવડી ગામના ઇન્ચાર્જ રેવન્યુ તલાટી મનીષ ગીધવાણીએ વાવડી ગામના ગામ નમૂના નંબર ૬ના હક્કપત્રક મેન્યુઅલ નોંધના સાધનિક કાગળો વાવડીમાં મનપાની વોર્ડ ઓફિસની ઉપર આવેલી ગ્રામ પંચાયતની કચેરીનાં કબાટમાં મૂક્યા હતાં. છેલ્લે તેણે ફરિયાદ કર્યાના સાત મહિના પહેલા આ કાગળો જોયા હતા.ગઇ તા. ૭ માર્ચના રોજ તપાસ કરતાં કાગળો ગુમ મળ્યા હતા. જેથી મામલતદારને આ બાબતનો રિપોર્ટ આપ્યો હતો. ફરિયાદ નોંધાયાના ચાર માસ બાદ આ ગુનો ડીટેક્ટ થયાનો પોલીસે દાવો કર્યો છે.