બન્ને લૂંટનો સંપૂર્ણ માલ રિકવર કરાયો : બે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું ખુલ્યું
વાંકાનેર નજીક રાણેકપર પાટિયા પાસે બે ટેન્કર ચાલકોને લૂંટી લેનાર ત્રણ શખ્સોની ટોળકીને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી છે. સાથે પોલીસે લૂંટનો સંપૂર્ણ મુદામાલ પણ રિકવર કર્યો છે. ત્રણ આરોપી પૈકી બે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ ગત તા. ૨૭ના રોજ વાંકાનેરના રાણેકપર ગામના પાટિયા નજીકથી અકબરશા ઉમરશા શેખ અને હરેશભાઇ બન્ને પોતાના ટેન્કરો લઈને જતા હતા.
બન્ને ટેન્કર ચાલકઓને ત્રણ શખ્સોની ટોળકીએ માર મારીને રૂ.૭૦૦૦ની લૂંટ ચલાવી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરીને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. બાદમાં પોલીસે લૂંટ ચલાવનાર દયારામ ભૂરાલાલ મોહનીયા ઉ.વ.૩૯, દુલાભાઈ મેતુભાઈ પણદા ઉ.વ.૪૦, સંજુભાઈ કટિયાભાઈ પણદા ઉ.વ.૩૦ રહે. બધા મહાછીલા તા.જી.જાબવા (એમ.પી.) ને પકડી પાડ્યા છે.
દયારામ મોહનિયા અગાઉ લૂંટ વિથ મર્ડર કેસમાં પાંચ વર્ષ જેલમાં રહી એક માસ પહેલાજ ઇન્દોર જેલમાંથી છુટેલ છે તેમજ દુલા પણદા પણ અગાઉ લૂંટના કેસમાં છ વર્ષ જેલમાં રહી ૧૦ માસ પહેલા બરોડા જેલમાંથી છુટેલ છે. આમ બે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પ્રથમિક તપાસમાં ખુલ્યું છે.
આ કામગીરીમાં વાંકાનેર સીટી પોલીસના ઇન્સ્પેકટર બી.ટી. વાઢીયા, સબ ઇન્સ્પેકટર એમ.જે.ધાધલ, પ્રો. સબ ઇન્સ્પેકટર આર.પી.જાડેજા, એ.એસ.આઈ. નરશીભાઈ, હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ, મનસુખભાઇ, કોન્સ્ટેબલ અરવિંદભાઈ, વિરેન્દ્રસિંહ, હરેશભાઇ, સંજયસિંહ, મહેન્દ્રભાઈ, જયપાલસિંહ, રમેશભાઇ તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મુકેશભાઈ, હરપાલસિંહ, તેજપાલસિંહ અને ચમનભાઈ રોકાયેલ હતા.