યુવતી સાથે લગ્ન કરાવવાનું તરકટ રચી પાંચેય શખ્સોએ રૂ.૧૦ લાખનો તોડ કરવાનો પ્રયાસ કરી રૂ.૨ હજારની લૂંટ ચલાવી
લોધિકા તાલુકાના નગરપિપળીયાના પટેલ યુવાનને લગ્નની લાલચ દઇ મહિલાને મોકલી પાછળથી રાજકોટના ત્રણ શખ્સોએ મોબાઇલમાં ફોટા પાડી પોલીસના સ્વાંગમાં કેસ કરવાની ધમકી દઇ રૂ.૧૦ લાખનો નતોડથ કરવાનો પ્રયાસ કરી રૂ.૨ હજારની લૂંટ ચલાવવાના ગુનામાં સંડોવાયેલી યુવતી સહિત છ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નગરપિપળીયાના ગોરધન ચનાભાઇ નામના પટેલ યુવાને રાજકોટના રમેશ લખમણ રામાણી, મનસુખ કુળજી લીંબાસીયા અને જયપાલ રવજી, એક અજાણી મહિલા સહિત પાંચ શખ્સો સામે પોલીસના સ્વાંગમાં ખોટા કેસમાં ફસાવવા ધમકી દઇ રૂ.૧૦ લાખનો તોડ કરવા પ્રયાસ કર૪ રૂ.૨ હજારની લૂંટ ચલાવ્યાની લોધિકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ગોરધન પટેલનો ભત્રીજો દિનેશ અપરિણીત હોવાથી તેને યુવતી સાથે લગ્ન કરાવવાનું જણાવી નિકાવા મળવા બોલાવી યુવતીના બદલે એક મહિલા સાથે વાત ચીત કરવા જણાવ્યા બાદ મોબાઇલમાં ફોટા પાડી લીધા હતા.પાછળથી રાજકોટના ત્રણ શખ્સો પોલીસના સ્વાંગમાં ઘસી આવી કેસ કરવાની ધમકી દઇ ખિસ્સામાંથી બે હજાર રોકડા પડાવી લીધા બાદ રૂ.૧૦ લાખની માગણી કરી હતી અને રકઝકના અંતે રૂ.૪.૭૫ બે દિવસમાં આપવાનું નક્કી કર્યા બાદ કાકા-ભત્રીજાને જવા દીધા હતા.
જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદ, ગોંડલ ડીવાય.એસ.પી. દિનેશસિંહ ચૌહાણ, પી.એસ.આઇ. એચ.પી.ગઢવી અને ગજુભા જાડેજા સહિતના સ્ટાફે ગોરધનભાઇની ફરિયાદના આધારે પોલીસના સ્વાંગમાં તોડ કરતી ગેંગના મોરબી રોડ સત્યમ પાર્કજકાત નાકા પાસે રહેતા રણજીત રતિલાલ મકવાણા, રેલનગરના જયપાલસિંહ વનરાજસિંહ જાડેજા, પોપટપરા રામદેવપીર મંદિર પાસે રહેતા વિજયસિંહ રણજીતસિંહ મકવાણા, પડધરીના ઇશ્ર્વરીયા ગામના મનસુખ કુળજીભાઇ લીંબાસીયા, નગરપીપળીયા ગામના રમેશ લખમણ રામાણીઅને જંકશન પ્લોટની ફાલ્ગુની દિલીપ જોબનપુત્રાની ધરપકડ કરી હતી.
રમેશ અને તેનો ભાણેજ મનસુખે ગોરધનભાઇના ભત્રીજા દિનેશના લગ્ન ન થયા હોવાથી લગ્નનું તરકટ રચી પોલીસના સ્વાંગમાં પૈસા પડાવવાનો પ્લાન બનાવ્યો હતો. ત્યારે રણજીત રતિલાલ મકવાણા અને જયપાલસિંહ વનરાજસિંહ જાડેજા નકલી પોલીસ બની મોબાઇલમાં ફોટા પાડી કેસ કરવાની ધમકી દઇ પૈસા પડાવવાનો પ્લાન બનાવી તા.૧ જાન્યુઆરીએ પ્રથમ ફોન કર્યા બાદ બીજા દિવસે ફરી ફોન કરી નિકાવા ખાતે મળવા બોલાવી રૂ.૨ હજારની લૂંટ ચલાવી રૂ.૪.૭૫ લાખ બે દિવસમાં આપવાનું નક્કી કર્યુ હતી. ફાલ્ગુની જોબનપુત્રા નિવૃત પી.એસ.આઇ.ના પુત્ર વિજયસિંહ મકવાણાની પરિચિત હોવાથી તે લાવ્યા હોવાનું બહાર આવ્યું છે. પોલીસના સ્વાંગમાં અન્ય કેટલાને શિકાર બનાવ્યા તે અંગેની પૂછપરછ માટે તમામને રિમાન્ડ પર લેવા પોલીસે તજવીજ હાથધરી છે.