જામનગર તા.૯ : જામનગર નજીકના નાઘેડીમાં રહેણાંક મકાનમાંથી શનિવારે પોલીસે નાલ આપી જુગાર રમતા ચાર શખ્સો તેમજ મકાન માલિકને પકડી ગુન્હો નોંધ્યો છે. જ્યારે બેડેશ્વરમાંથી બે શખ્સો એકીબેકીનો જુગાર રમતા પકડાયા છે.
જામનગર તાલુકાના નાઘેડી ગામમાં આવેલા એક મકાનમાં ગઈકાલે બપોરે જુગાર રમાતો હોવાની બાતમી મળતા ડિવિઝનના પીએસઆઈ જે.બી. ખાંભલા તથા સ્ટાફે ત્યાં આવેલા ભારાભાઈ કરશનભાઈ સંધિયાના રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો. આ સ્થળે ભારાભાઈને નાલ આપી ત્યાં ગંજીપાના વડે તીનપત્તી રમી રહેલા આલાભાઈ સામતભાઈ કનારા, હરીશ ભાઈશંકર ખેતિયા, દાવાભાઈ જેઠાભાઈ ગઢવી, રામદેભાઈ પીઠાભાઈ આહિર નામના ચાર શખ્સો મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ.૨૦૪૪૦ રોકડા, બે મોટરસાયકલ, પાંચ મોબાઈલ મળી કુલ રૂ.૫૨૯૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે અને પાંચેય શખ્સો સામે જુગારધારાની કલમ-૪, પ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી સંજય મીલ પાસેથી શનિવારે બપોરે પોલીસે અબ્દુલ દાઉદભાઈ દલ, હુસેન હાજીભાઈ સંઘવાણી નામના બે શખ્સોને ચલણી નોટના નંબર પર એકીબેકી રમતા પકડી પાડયા છે. તેઓના કબજામાંથી રૂ.૧૦૫૦ રોકડા ઝબ્બે લેવાયા છે.