દર્દીઓના સંબંધીઓને નજર ચૂકવી પાકીટ અને મોબાઈલ સેરવવાની પેરવી કરતા 20ની અટકાયત
સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે કેન્દ્ર સ્થાન પર રહેલી સિવિલ હોસ્પિટલ ઘણા સમયથી તસ્કરો માટે પણ જાણે એપી સેન્ટર બન્યું હતું. જેના પગલે પોલીસ અને સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી એજન્સી સજાગ થઈને કામગીરી કરી રહી છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી દર્દીઓને તેની સાથે આવતા સંબંધીઓની નજર ચૂકવી તસ્કરો મોબાઇલ અને પાકીટ ચોરી રહ્યાની અનેક ઘટનાઓ સામે આવી હતી. ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તસ્કરોને નાથવા માટે એસીપી પી.કે. દિયોરા સહિતના પોલીસ અધિકારી અને હોસ્પિટલ તંત્રના સ્ટાફે આગળની કામગીરી માટે બ્લુ પ્રિન્ટ બનાવી હતી.
જેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં પોલીસનું વારંવાર ચેકિંગ અને સિક્યુરિટી એજન્સી દ્વારા પણ સજાગતાના પગલે હોસ્પિટલમાં કામ વગર આટા ફેરા કરતા અને તસ્કરીને અંજામ આપતા 20 જેટલા શખ્સોની અટકાયત કરવામાં આવી હતી.
પોલીસ અને સિવિલ સિક્યુરિટીની સજાગતાના કારણે સિવિલ હોસ્પિટલમાં રોજ રાત્રે પેટ્રોલિંગ કરી લુખ્ખા તત્વોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમ જ ગઈકાલે પોલીસે હોસ્પિટલમાં ગઢ જમાવીને બેઠેલા આવારાતત્વોને ત્યાંથી બહાર કાઢવાની કામગીરી પણ કરી હતી. તો આજરોજ સિવિલમાં દારૂ પીને રખડતા બે શખ્સોને પણ સિવિલ સિક્યુરિટીએ દબોચી લીધા હતા.