૧૬ ડમ્પર, બે ટ્રેક્ટર સિહત એક ડઝન શખ્સો પકડાયા, ઊંડ ડેમ સાઈટ પર ખાણ ખનીજ ખાતાએ હાથ ધરી સર્વે કામગીરી: કરોડો રૂપીયાની ખનીજ ચોરી પ્રકાશમાં આવશે
જામનગર જીલ્લામાં રેતી ખનીજ ચોરીને લઈને બદનામ જોડિયા પંથકની અનેક ફરિયાદો બાદ આજે જામનગર ગ્રામ્ય ડીવીજન પોલીસ અને ખાણ ખનીજ તંત્રની જુદી જુદી ટીમોએ ઊંડ નદીમાં વ્યાપક દરોડા પાડ્યા હતા. તંત્રની વહેલી સવારની કામગીરીના પગલે ખનીજ ચોરોમાં દોડધામ મચી ગઈ હતી. તંત્રએ ખનીજ ચોરી કરતા સોળ ડમ્પર અને બે ટ્રેક્ટર સહીત લાખો રૂપિયાની મશીનરી સાથે એક ડઝન સખ્સોને પકડી પાડ્યા છે. બીજી તરફ ખનીજ ચોરીનો તાગ મેળવવા તંત્ર દ્વારા માપણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
છેલ્લા ઘણા વર્ષોથી જોડિયા પંથકની ઊંડ નદીમાંથી બેફામ રેતી ચોરી થતી હોવાની ફરિયાદો વ્યાપક બની છે. દેશની આવકમાં બાધારૂપ આ ખનીજ સંપદાની ચોરી અંગે તમામ જવાબદાર તંત્રે આંખ આડા કાન કરતા આજે ખનીજ માફિયા માલેતુજાર બની ગયા છે અને પોલીસ સહિતના કોઈ પણ તંત્રને ગણકારતા જ નથી.
જવાબદાર તંત્ર પર પોલીસ સહિતના તંત્રની મીઠી નજરના કારણે જ આ પ્રવૃતિ અને ખનીજ માફીયાઓને વેગ મળ્યો હોવાની આમ જનતામાં છાપ ઉભી થઇ છે ત્યારે ગ્રામ્ય ડીવાયએસપીની જવાબદારી હેઠળના આ વિસ્તારમાં એએસપી સંદીપ ચોધરી, પંચકોશી એ ડીવીજન, જોડિયા અને ધ્રોલ પોલીસે ખાણ ખનીજ ખાતાની ટીમને સાથે રાખી આજે વહેલી સવારે જોડીયાના બાદનપર ગામમાં આવતા ઊંડ નદીના પટમાં ધમધમતી ખનીજ ચોરીને રોકવા માટે દરોડા પાડ્યા હતા.