બોલેરો ટોઈંગ કરવા જતા થઈ બબાલ: રોષે ભરાયેલુ ટોળુ પોલીસ વાનની ચાવી કાઢી લીધી
શહેરના ભગવતીપરા વિસ્તારમાં રોડ પર પાર્ક બોલેરો કારને ટોઈંગ કરવા જતાં પોલીસ અને કારના માલીક વચ્ચે બોલાચાલી થતા કારનો માલીક તવીથો લઈ પોલીસની સામે થઈ ગયો હતો. માથાકુટના પગલે ભગવતીપરા વિસ્તારમાં ટોળા એકત્ર થઈ ગયા હતા. ત્યારબાદ કોઈએ પોલીસ પર પથ્થરમારો કરી ટોળામાંથી કોઈએ ટોઈંગ વાહનની ચાવી પણ કાઢી લેતા પરિસ્થિતિ વધુ વિફરી હતી તે દરમિયાન બોલેરો કારના માલિકે કેરોસીન પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ભગવતીપરા વિસ્તારમાં ગત સાંજે ભગવતીપરા વિસ્તારમાં રોડ પર પાર્ક બોલેરોને ટોઈંગ કરવાની પોલીસ તજવીજ શરૂ કરતા ત્યાં સામે ભજીયાની લારી પાસે ઉભેલો તેનો માલીક પ્રવિણ હમીરભાઈ મકવાણા તાવિથો લઈ પોલીસ સામે થઈ જતાં પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો.
પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી જતાં પ્રવિણ ઘરે નાસી ગયો હતો. ત્યારબાદ પોલીસે તેના ઘરે જઈ બોલેરોની ચાવી મેળવાના પ્રયાસ કર્યા હતા તે દરમિયાન વધુ માથાકુટ થતા ભગવતીપરા વિસ્તારમાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. ત્યારે પોલીસે અન્ય ટોઈંગ વાહન બોલાવી બોલેરો ટોઈંગ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે કોઈએ ટોઈંગ વાહનની ચાવી ઉઠાવી જતા મામલો વધુ ગુંચવાયો હતો. આ દરમિયાન નજીકના મેદાનમાંથી કોઈએ પોલીસ પર પથ્થર ફેંકયો હતો. તમામ ઘટનાઓ વચ્ચે પોલીસને જાણવા મળ્યું હતું કે, બોલેરોના માલિક પ્રવિણભાઈએ કેરોસીન પી જતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પોલીસની ફરજમાં રૂકાવટ કરતા પોલીસથી બચવા માટે બોલેરોના ચાલકે નાટક કરી કેરોસીન પી પોતે હોસ્પિટલમાં દાખલ થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ મથકના પીએસઆઈ વી.કે.ઝાલા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. પ્રવિણ મકવાણાની સારવાર બાદ તેની અટકાયત કરવાની ગતિવિધિ હાથ ધરી છે.