શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર ઉંચી બિલ્ડીંગના જુગારના તોડની રાવ છેક ગાંધીનગર સીએમ કાર્યલય સુધી
પહોંચતા ‘તોડબાજ’ પોલીસ અને પત્રકારમાં દોડધામ: પત્રકારોની વિદેશ ટુર પાછળ ખર્ચ કોણે કર્યો?
શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ ઉંચી બિલ્ડીંગમાં રમાતા ઉચા જુગારમાં બે ઉચા પત્રકારોએ પોલીસને સાથે રાખી ઉચો ‘તોડ’ કર્યાની લાંબા સમયથી ચાલતી ચર્ચા અંગે પોલીસ કમિશનર બાદ ગાંધીનગર સીએમ કાર્યલય સુધી રાવ પહોચતા ‘તોડબાજ’ પોલીસ અને બંને પત્રકારમાં દોડધામ મચી ગઇ છે. બંને પત્રકારને વિદેશની ટુર કરાવનાર કોણ તે અંગેની ચર્ચાએ ચકચાર જગાડી છે.
ચોથી જાગીર ગણાતા પત્રકાર કોઇની શહે શરમ રાખ્યા વિના અહેવાલ પ્રસિધ્ધ કરવાનો નૈતિક ધર્મ બાજુ પર રાખી પોલીસની સાથે રહી પોલીસ જેવા બની ગયા હોય તેમ રોકડીના વ્યવહારમાં ગળા ડુબ બની ગયા છે.
પત્રકારોએ શહેરના બહુ પ્રતિષ્ઠત વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને જાણીતી હસ્તીઓ ૧૫૦ ફુટ રીંગ રોડ પર ઉંચી બિલ્ડીંગમાં જુગાર રમતા હોવાની અને દારુની મહેફીલ યોજી હોવાની માહિતી એકઠી કરી પોતાના પરિચિત પોલીસ અધિકારીઓનો સંપર્ક કરી રેડ કરવાનો તખ્તો ગોઠવ્યો હતો.
પોલીસે બંને પત્રકારોની માહિતીના આધારે બંને પત્રકારને સાથે રાખી ઉંચી બિલ્ડીંગમાં જુગાર અંગે દરોડો પાડવામાં આવ્યો હતો. શહેરના નામાંકિત વ્યક્તિઓ જુગાર રમતા પકડાતા સ્થળ પર જ સેટલમેન્ટ કરવાની વાત શરુ થઇ હતી. મોટાગજાની વ્યક્તિઓને જોઇ પોલીસે પણ બંને પત્રકારોને વિશ્ર્વાસમાં લઇ ઉચો ‘તોડ’ કરવાનું નક્કી કર્યુ હતું.
બંને પત્રકારો પણ એ વાતનો જ ઇન્તજાર હોય તેમ સંગ જેવો રંગ બતાવી બંને પત્રકાર સહમત થઇ ગયા હતા.
પોલીસે ઉંચી બિલ્ડીંગમાં જ રુ.૪૦ લાખનો ઉંચો ‘તોડ’ કર્યા હતા. ‘તોડ’ કરી પોલીસે બંને પત્રકારોને તેના ગજા પ્રમાણે ખુશ કરી દીધા હતા એટલું જ નહી પણ બંને પત્રકાર પૈકી એકના તાજેતરમાં જ લગ્ન થયા હોવાથી વિદેશ યાત્રાની ટુરની વ્યવસ્થા પણ કરી આપતા બંને પત્રકારો વિદેશમાં જઇને મોજ મજા કરી આવ્યાની સવિસ્તારથી પોલીસ કમિશનરને જાગૃત નાગરિક દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં હજી સુધી પોલીસ કે પત્રકાર સામે કોઇ કાર્યવાહી ન થતા જાગૃત નાગરિક દ્વારા ગાંધીનગર સીએમ કાર્યલય સુધી ઉંચા ‘તોડ’ની વાત પહોચતી કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ ઉંચા બિલ્ડીંગના ઉંચા ‘તોડ’ પ્રકરણમાં મોટા ધડાકાભડાકા થવાના નિર્દેશ મળી રહ્યા છે.
ઉંચી બિલ્ડીંગના ઉંચા ‘તોડ’નું પ્રકરણ ગાજી રહ્યું છે ત્યાં જ કુવાડવા વિસ્તારમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડી ત્યાં પણ ઉંચો ‘તોડ’ કર્યાની ચર્ચાએ ચકચાર જગાડી છે.