‘અબતક’ સાથેની વિશેષ મુલાકાત દરમિયાન કોંગ્રેસ શહેર પ્રમુખ અશોકભાઈ ડાંગર અને વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા તંત્રની નાકામી પ્રકાશમાં લાવ્યા
કબજે કરાયેલો પાન, ફાકી, બીડી સહિતનો મુદ્દામાલ ક્યાં ચાઉં થઈ જાય છે? આગેવાનોનો વેધક પ્રશ્ન
પાન, ફાંકી અને બીડી મુદ્દે શહેરની પોલીસ અને આરોગ્ય વિભાગે વરવી ભૂમિકા ભજવી હોવાનો સનસનીખેજ આક્ષેપ આજરોજ ‘અબતક’ની મુલાકાત દરમિયાન કોંગ્રેસ શહેર પ્રમુખ અશોકભાઈ ડાંગર અને વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ કર્યો હતો. પાન, બીડી અને ફાંકીમાં પોલીસ કર્મચારીઓ સામાન્ય લોકોને પકડીને હેરાન કરી રહી છે. જ્યારે મોટા પ્રમાણમાં હેરોઈનનું ખુલ્લેઆમ વેંચાણ થાય છે. પોલીસે પાન, બીડી મુદ્દે પકડેલા માલનો કોઈ રેકોર્ડ રાખ્યો નથી. કર્મચારીઓ આ જથ્થો ખાય જાય છે.
તેમણે કહ્યું હતું કે, લોકડાઉનમાં અસમંજસભર્યું વાતાવરણ છે. જંકશન પ્લોટ હોય કે પડધરીથી રાજકોટ લવાતો પાન, બીડી, ફાંકીના જથ્થાની વાત તમામ જગ્યાએ પોલીસની વરવી ભૂમિકા રહી હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. કોઈ વ્યક્તિ બહારથી પાન, બીડી લઈને આવે તો કોઈ સજા થતી નથી પરંતુ શહેરમાં પકડાય તો ત્યાં પણ કાયદેસરની કાર્યવાહી કરવાનો હક્ક પોલીસને કોણે આપ્યો તેવા વેધક પ્રશ્નો પણ કોંગ્રેસના આગેવાનોએ પુછયા હતા. તેમણે કલેકટરે આપેલા પાસ મુદ્દે લોકો સાથે થતા દુરવ્યવહારનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, હાલ લોકો ફાંકી અને બીડીના બે થી ત્રણ ગણા પૈસા આપીને ખરીદી કરે છે. છતાં પણ પોલીસ તેમની પાસેથી તે જ છીનવી લઈને રેકોર્ડ રખાતો નથી. બીજી તરફ રાજકોટની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. રાજકોટને ઓરેન્જ ઝોનમાં લાવવા માટે અધિકારીઓએ ખોટા ફોટા પાડી મુખ્યમંત્રીને ગેરમાર્ગે દોર્યા હોવાનો આક્ષેપ કોંગી આગેવાનોએ કર્યો હતો. પરિણામે અત્યારે રાજકોટ ઓરેન્જ ઝોનમાં છે અને નિયમ રેડ ઝોનના પાડી રહ્યાં હોવાનું પણ જણાવ્યું હતું.
પરપ્રાંતિયો પરત જવા અંગે આવી પડતી મુશ્કેલીઓ અંગે કહ્યું હતું કે, રાજકોટમાં બે દિવસથી પરપ્રાંતિયોનો દેકારો બોલ્યો છે. જેની પાછળ ઓનલાઈન પદ્ધતિ જવાબદાર છે. ઓનલાઈન વેબસાઈટ ઈંગ્લીશમાં છે જેથી ફોર્મ ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કોંગ્રેસે પરપ્રાંતિયોની ચિંતા કરી છે અને ટ્રેનની વ્યવસ્થા કરી છે. જે ભાડુ થશે તે કોંગ્રેસે ચૂકવવાની તૈયારી પણ બતાવી છે. વર્તમાન સમયે પરપ્રાંતિયો પાસેથી લેવાતા ૨ થી ૩ ગણા ભાડા ગેરવ્યાજબી હોવાનું પણ તેમણે કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, વર્તમાન સમયે ગુજરાત મોડલના દાખલા દેવાય છે. આ મોડલ પાછળ પણ પરપ્રાંતિયોનો ફાળો ખુબ મોટો છે. ગરીબોને અનાજ મળતા નથી માત્ર સરકાર જાહેરાત કરીને સંતોષ માની રહી છે.
તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના કોર્પોરેટરો શહેરના ૧૮-૧૮ વોર્ડમાં રાહત કાર્ય કરી રહ્યાં છે. ૬૦ હજારથી વધુ લોકોને ટીફીન પહોચાડવામાં આવ્યા છે. વોર્ડ નં.૩,૧૧,૧૩ અને ૧૭ સહિતના વોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા રાહત કાર્ય થતાં હોવાનું તેમણે કહ્યું હતું. તાજેતરમાં વોર્ડ નં.૧૨માં લોકોએ એક વ્યક્તિ દીઠ ૧૦ કિલો ઘઉં અપાયા હતા. બીજી તરફ ભાજપના કોર્પોરેટરો માત્ર ફોટા પડાવવા જ બહાર આવતા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.વર્તમાન સમયે ગુજરાતમાં જોઈએ તેટલા ટેસ્ટીંગ થતાં નથી. જો વધુ ટેસ્ટીંગ થશે તો વધુ કેસ બહાર આવશે તેવી ભીતિ શાસકોને છે. રાજકોટને ગ્રીન ઝોનમાં લેવા માટે શાસકો સહિતનાની મીલી ભગત થઈ છે. પાન, ફાંકી અંગે તેમણે કહ્યું હતું કે, પાન-ફાંકી વેંચવા કે ખાવા પર કોઈ કાયદો નથી. જો કે, જાહેરમાં ધુમ્રપાન કરવાથી દંડ થાય છે. હાલ પોલીસ કર્મચારીઓ દ્વારા વ્યક્તિને રોકી પાન, ફાંકી કે બીડી કબજામાં લેવાય છે જેની કોઈ પાવતી અપાતી નથી. આ મુદ્દા માલ કબજે લીધા બાદ તેનું શું થાય છે તે પણ ચર્ચાનો વિષય છે.